<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

સિવિલ હોસ્‍પિટલમાં શોર્ટ સરકીટને લીધે વેન્‍ટીલેટરમાં ધૂમાડા નીકળ્‍યાઃ ૬૫ વર્ષના દર્દી મહમદહુશેન દાઝ્‍યા

વહેલી સવારે બનાવથી વોર્ડના દર્દીઓમાં ભય ફેલાયોઃ સિક્‍યુરીટીની ટીમ દોડી ગઇઃ મોટી દૂર્ઘટના અટકી

તસ્‍વીરમાં જ્‍યાં બનાવ બન્‍યો તે ટીબી વોર્ડ, બળી ગયેલુ વેન્‍ટીલેટર, દાઝી ગયેલા વૃધ્‍ધ દર્દી મહમદહુશેન પંજા જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૬: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલ અવાર-નવાર કોઇને કોઇ કારણે ચર્ચાના ચકડોળે ચડતી રહે છે. અહિ દર્દીઓને અદ્યતન સુવિધાઓ સાથે સારવાર મળી રહે છે અને લગભગ દરેક રોગના નિદાન પણ વિનામુલ્‍યે થઇ જાય છે. પરંતુ ક્‍યારેક એવુ થાય છે કે દર્દીઓમાં ભય ફેલાઇ જાય છે. આજે વહેલી સવારે પીડીયુ સિવિલ હોસ્‍પિટલના ટીબી વોર્ડમાં શોર્ટ સરકીટને કારણે વેન્‍ટીલેટરમાં ધૂમાડા નીકળતાં અને ગરમ થઇ જતાં એક વૃધ્‍ધ દર્દીની દાઢી સળગી ગઇ હતી અને મોઢાના ભાગે  દાઝી ગયા હતાં. આ બનાવને પગલે  વોર્ડમાં દાખલ દર્દીઓમાં દેકારો મચી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ટીવી વોર્ડમાં વહેલી સવારે એક મોટી ઉમરના દર્દી સારવાર હેઠળ હોઇ તેમને વેન્‍ટીલેટર ઉપર રાખવામાં આવ્‍યા હતાં. અચાનક વેન્‍ટીલેટરમાં ધૂમાડો નીકળવા માંડતાં ગરમ થઇ જતા ં દેકારો મચી ગયો હતો. દર્દીની દાઢીનો ભાગ સળગી ગયો હતો અને મોઢા પર દાઝી ગયા હતાં. આ બનાવથી દર્દીમાં અને તેમના સગામાં ભય ફેલાઇ ગયો હતો. વોર્ડમાં પણ દોડધામ મચી ગઇ હતી.

બનાવની જાણ થતાં સિક્‍યુરીટીની ટીમ દોડી ગઇ હતી અને તત્‍કાળ વેન્‍ટીલેટર હટાવતાં ધૂમાડા બંધ થઇ ગયા હતાં. શોર્ટ સરકિટ થવાને કારણે વેન્‍ટીલેટરમાં આમ થયાનું તારણ નીકળ્‍યું હતું.   આ બનાવની જાણ વોર્ડ ઇન્‍ચાર્જને પણ કરવામાં આવી હતી. સદ્દનસિબે આગ આગળ વધતી અટકી હતી. દાઢીના ભાગે સ્‍હેજ દાઝી ગયેલા દર્દીને તુરત શીફટ કરવામાં આવ્‍યા હતાં. આ બનાવને પગલે ટીબી વોર્ડમાં દોડધામ મચી ગઇ હતી. વધુમાં જાણવા મળ્‍યા મુજબ દાઝી ગયેલા દર્દીનું નામ મહમદહુશેન અલ્લારખાભાઇ પંજા-સિપાહી છે. ૬૫ વર્ષના આ વૃધ્‍ધ માંગરોળ  જુનાગઢના વતની છે. તેમને શ્વાસની બિમારી લાગુ પડી હોઇ ગઇ ૧૪/૧૦ના રોજ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલે લાવવામાં આવતાં તેમને ટ્રોમા સેન્‍ટરમાં બીજા માળે આવેલા ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં.  અહિ તેમને વેન્‍ટીલેટર પર રખાયા હોઇ સવારે ચારેક વાગ્‍યે અચાનક વેન્‍ટીલેટરમાં ધૂમાડા નીકળવા માંડયા હતાં અને જોતજોતામાં  તેઓ દાઝી જતાં થતાં દોડધામ મચી ગઇ હતી. આ વૃધ્‍ધ નિવૃત જીવન જીવે છે અને સંતાનમાં બે દિકરા તથા બે દિકરી છે. બનાવની જાણ તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, આરએમઓ ડો. દૂસરા સહિતને થતાં તેઓ દોડી ગયા હતાં અને તપાસ શરૂ કરાવી હતી. તેમના કહેવા મુજબ વેન્‍ટીલેટર ચાલુ હાલતમાં છે, ત્‍યારે ધૂમાડા કઇ રીતે નીકળ્‍યા? તેની તપાસ થઇ રહી છે.  (૧૪.૧૦)

(3:29 PM IST)