<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

રાજકોટના ટૂર્સ ટ્રાવેલ્‍સ સંચાલક પ્રકાશ કમાણી સાથે જામનગર રહેતાં ફઇના દિકરાની ઠગાઇઃ ૪ કરોડ ૬૨ લાખ જીએસટી પેનલ્‍ટી મળી!

અગાઉ પ્રકાશભાઇ સિધ્‍ધી વિનાયક ટૂર્સ નામે પેઢી ચલાવતાં હતાં તેના જીએસટીનું કામ ફઇનો દિકરો અલ્‍કેશ સંભાળતો હતો આ પેઢીનો જીએસટી નંબર રદ ન કરાવી તેમજ હાલની નવી કંપની આલ્‍પાઇન થાઇડ્રીમ્‍સના જીએસટી નંબરનો પણ ઉપયોગ કરી અલ્‍કેશે બારોબાર લાખોના વહિવટ કરી લીધાઃ પ્રકાશભાઇને નોટીસ મળતાં નિવેદન નોંધાવવા ગયા ત્‍યારે ઠગાઇની ખબર પડીઃ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૬: શહેરના જીવરાજ  પાર્ક પાસે નંદન રેસીડેન્‍સીમાં રહેતાં  અને મોકાજી સર્કલ નજીક આલ્‍પાઇન થાઇડ્રીમ્‍સ નામે ટૂર્સ ટ્રાવેલ્‍સનો ધંધો કરતાં યુવાને અગાઉ એક પેઢી બંધ કરી દીધી હતી તેમ છતાં તેના જીએસટી નંબર જામનગર રહેતાં આ યુવાનના ફઇના દિકરાએ બંધ ન કરાવી જીએસટી નંબર ચાલુ રાખી તેમજ હાલની નવી પેઢીના જીએસટી નંબરનો પણ ઉપયોગ કરી જીએસટી પોર્ટલ ઉપર ભરવા પાત્ર રીટર્ન્‍સમાં ખોટા બીલો વિગતો ભરી વ્‍યવહાર-વહીવટ કરી નાંખતાં ટૂર ટ્રાવેલ્‍સના ધંધાર્થીને  જીએસટી તરફથી રૂા. ૪ કરોડ ૬૨ લાખ ભરવાની નોટીસ મળતાં ચકચાર જાગી છે. ફઇના દિકરાએ જ વિશ્વાસઘાત કર્યો હોઇ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે જીવરાજ પાર્ક ૮૦ ફુટ રોડ મોટા મવા નંદન રેસીડેનસી રીવેરા પ્રાઇડની સામે ૫૦૧ ખાતે રહેતાં અને આલ્‍પાઇન થાઇડ્રીમ્‍સ પ્રા.લિ. નામે ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સનો ધંધો કરતાં પ્રકાશભાઇ પરષોત્તમભાઇ કમાણી (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી જામનગર રહેતાં પ્રકાશભાઇના ફઇના દિકરા અલ્‍કેશ હરિલાલ પેઢડીયા અને તપાસમાં ખુલે તેની સામે પ્રકાશભાઇની પેઢીના જીએસટી આઇડી પાસવર્ડનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ખોટા બીલોની ડેટા એન્‍ટ્રી જીએસટી પોર્ટલ પર જીએસટી રીટર્ન્‍સમાં ભરી ખોટા રેકોર્ડ ઉભા કરી પેઢી ઉપર રૂા. ૪,૬૨,૪૨,૩૮૯ની જીએસટી પેનલ્‍ટીની જવાબદારી ઉભી કરી દીધાનો ગુનો નોંધ્‍યો છે. પ્રકાશભાઇ કમાણી પરિવાર સાથે રહે છે. તેમણે જણાવ્‍યું છે કે ૧૫૦ રીંગ રોડ બીગ બાઝાર પાસે ચંદ્રપાર્ક-૨ની બાજુમાં સિધ્‍ધી વિનાયક હોલડીેઝ નામે ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ પેઢી મેં વર્ષ ૨૦૧૬-૧૭ના મે મહિનામાં ચાલુ કરી હતી. જેમાં અમે અલગ અલગ ટૂર પેકેજની વ્‍યવસ્‍થા કરી આપતાં હતાં. આ પેઢી મેં વર્ષ ૨૦૧૯ સુધી ચાલુ રાખી હતી અને બાદમાં બંધ કરી દીધી હતી. આ દરમિયાન પેઢીના એકાઉન્‍ટ અને રીટન્‍સનું કામ મારા ફઇનો દિકરો જામનગર રહેતો અલ્‍કેશ હરિલાલ પેઢડીયા સંભાળતો હતો. મેં આ પેઢી વર્ષ ૨૦૧૯માં બંધ કરી એ પછી કોઇપણ પ્રકારના વહિવટ૪ વ્‍યવહારો આ પેઢીના નામે કર્યા નથી. અલ્‍પેશને મારા જીએસટી નંબર રદ્દ કરાવવાનું પણ મેં કહી દીધુ હતું.

 આ પછી ૨૦૧૯માં જ અલ્‍શે વાત કરી હતી કે ધંધો મોટા પાયે કરવોહ ોય તો આપણે પ્રાઇવેટ કંપની બનાવીએ. જેથી તેના કહેવા મુજબ મેં ૧૫૦ રીંગ રોડ ઇમ્‍પીરીયલ હાઇટસ એ-૨૦૪ ખાતે ઓફિસ લઇ આલ્‍પાઇન થાઇડ્રીમ્‍સ પ્રા.લિ.નામે ટ્રાવેલ્‍સ કંપની શરૂ કરી હતી. હાલ અમારી આ કંપનીની ઓફિસ મોકાજી સર્કલ પાસે સાશ્વત સ્‍પેશ-૪૦૬ ખાતે કાર્યરત છે. જેમાં હું અને અલ્‍કેશના પત્‍નિ શ્રુતીબેન તથા મારા ઓળખીતા મોનાબેન એમ ત્રણ જણા ડીરેક્‍ટર છીએ. પેઢીનો સંપુર્ણ વહિવટ હું સંભાળુ છું. આ કંપનીના જીએસટી રીટર્ન્‍સ, ઓડીટ, પર્સનલ ટેક્‍સનું કામ મારા ફઇનો દિકરો અલ્‍કેશ સંભાળતો હતો. આથી અમારી કંપનીના તમામ ડોક્‍યુમેન્‍ટસ તેની પાસે હતાં. મારા જીએસટી રીટર્ન્‍સના આઇડી પાસવર્ડ પણ તેની પાસે હતાં.

થોડા દિવસ પહેલા મને જીએસટી કચેરી રાજકોટ ખાતેથી જીએસટી કાયદાની કલમ-૭૦ (૧) મુજબનું સમન્‍સ મળ્‍યું હતું.. જેના આધારે હું તા. ૩૦/૯/૨૫ના બપોરે એક વાગ્‍યે જીએસટી ઓફિસ ખાતે નિવેદન નોંધાવવા ગયો હતો. ત્‍યારે મને ખબર પડી હતી કે મેં અલ્‍કેશને મારી સિધ્‍ધી વિનાયક હોલીડેઝ પેઢીના જીએસટી નંબર રદ્દ કરાવવાનું કહ્યું હતું તે તેણે રદ્દ ન કરી મારી જાણ બહાર આ નંબર ચાલુ રાખ્‍યા હતાં અને  આ પેઢી તેમજ મારી નવી કંપની આલ્‍પાઇન થાઇડ્રીમ્‍સ એમ બંને પેઢીમાંથી મારી જાણ બહાર ખરીદ વેંચાણના બીલ જીએસટી પોર્ટલ ઉપર દર્શાવી દીધા હતાં. જેના નામના બીલ દર્શાવ્‍યા છે તે પેઢી કે વ્‍યક્‍તિને હું ઓળખતો નથી. અલ્‍કેશે સિધ્‍ધી વિનાયક હોલીડેના નામે રૂા. ૧૧,૭૨,૬૯,૩૧૯ની ખરીદી દર્શાવી છે. તેમજ તેનું વેંચાણ રૂા. ૧૨,૫૯,૬૨,૮૨૫ દર્શાવેલ છે અને ખોટી વેરા શાખ અન્‍ય વેપારીને તબદીલ કરી છે, જે બદલ મારે જીએસટીના નિયમ મુજબ રૂા. ૨,૨૫,૭૬,૪૮૫ જીએસટી ભરવાનુ થાય છે.

આ ઉપરાંત અલ્‍કેશે આલ્‍પાઇન થાઇડ્રીમ્‍સ કંપનીના નામે પણ રૂા. ૧૩,૩૮,૯૦,૧૧૬ની ખરીદી દર્શાવી છે અને તેનું અત્‍યાર સુધીનું વેંચાણ રૂા. ૧૩,૧૪,૭૭,૧૯૦ દર્શાવ્‍યું છે .

તેના આ ખોટા વહિવટ બદલ મારે જીએસટીના નિયમ અનુસાર રૂા. ૨,૩૬,૬૫,૮૯૪ જીએસટી ભરવાનું થાય છે. મારી જાણ બહાર અલ્‍કેશે મારી બંધ થઇ ગયેલી અને હાલની એમ બંને પેઢીના નામે ખોટા બીલની ડેટાએન્‍ટ્રીઓનો ડેટા જીએસટી પોર્ટલ ઉપર ભરવા પાત્ર જીએસટી રિટર્ન્‍સમાં ભરી દઇ મારી જાણ બહાર અન્‍ય વેપારીઓને વેરા શાખ તબદીલ કરી દેતાં મને રૂા. ૪,૬૨,૪૨,૩૮૯ની જીએસટી પેનલ્‍ટી ભરવાની નોટીસ મળી છે.

આ રીતે અલ્‍કેશે   જીએસટી બીલોની જીએસટી પોર્ટલ પર એન્‍ટ્રીઓ કરી ખોટા રીટર્ન્‍સ ભરી ખોટા ઇલેક્‍ટ્રોનીક્‍સ રેકર્ડ ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી મારી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોઇ મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં પ્રકાશભાઇ કમાણીએ કહેતાં એએસઆઇ નિલેષભાઇ એલ. ચાવડાએ ગુનો નોંધતા પીઆઇ ડી. એમ. હરિપરાએ તપાસ શરૂ કરી છે. (૧૪.૬)

(12:59 PM IST)