તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th October 2025
યાર્ડમાં બે મજુરોને ઓફીસમાં પુરી ઢોરમાર મારતા મજુરોની હડતાલ
ધોકાવાળી કરનાર યાર્ડના બે ઇન્સપેકટરોને છુટા ન કરાઇ ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની મજુર આગેવાનોની જાહેરાતઃ મજુર પ્રતિનિધીઓ રજુઆત માટે આવશે તો ચર્ચા કરી યોગ્ય પગલા લેવાશેઃ ચેરમેન જયેશભાઇ બોઘરા મજુર તેજાભાઇ ભરવાડ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં તથા બીજા મજુર રાજુ મોરીને પ્રાથમિક સારવાર આપી રજા અપાઇ

ઉપરની તસ્વીરમાં સિવિલ હોસ્પિટલે એકત્ર થયેલ મજુરો અને નીચેની તસ્વીરમાં યાર્ડમાં મજુરોના ટોળા તેમજ ઇન્સેટ તસ્વીરમાં ઇજાગ્રસ્ત બંન્ને મજુરો હોસ્પિટલમાં સારવાર હેઠળ નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)(૨.૧૮)
રાજકોટ તા.૧૫: સોૈરાષ્ટ્રના અગ્રીમ હરોળના રાજકોટ માર્કેટયાર્ડમાં આજે સવારે બે મજુરોને યાર્ડના બે ઇન્સપેકટરોએ યાર્ડની ઓફિસમાં પુરી ઢોરમાર મારતા બન્ને મજુરોને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવને પગલે મજુરો હડતાલ ઉપર ઉતરી જતા યાર્ડમાં કામકાજ ઠપ્પ થઇ ગયું હતું. મજુર આગેવાનોએ યાર્ડના બે ઇન્સપેકટરોને છુટા ન કરાઇ ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. યાર્ડના ચેરમેને મજુર આગેવાનો રજુઆત કરશે તો યોગ્ય પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું છે.
મળતી વિગતો મુજબ રાજકોટ માર્કેટયાર્ડમાં સિંગફાડા વિભાગમાં આજે સવારે માલની ઉતરાઇ બાબતે ગાળા-ગાળી થયા બાદ મજુર તેજાભાઇ વિરમભાઇ પરમાડીયા ભરવાડ (ઉ.વ.૩૦) રહે.મોરબી રોડ જય જવાન, જય કિશાન સોસાયટી તથા રાજુ બાબુભાઇ મોરી કોળી (ઉ.વ.૩૨) રહે.શ્રીરામ પાર્ક-૧ને યાર્ડના ઇન્સપેકટરો શીવરાજ તથા કેતને યાર્ડની ઓફીસમાં લઇ જઇ ઢોરમાર મારતા બંન્નેને ૧૦૮માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં રાજુભાઇ કોળીને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઇ હતી. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરી હતી.
ઇજાગ્રસ્ત મજુર તેજાભાઇ ભરવાડ તથા રાજુભાઇ મોરીએ જણાવ્યું હતુ કે આજે સવારે સિંગફાડા વિભાગમાં ૪ ગાડીનો માલ ઉતારતા હતા ત્યારે બીજા વેપારીએ ૩ ગાડી વચ્ચે નાખતા વેપારીએ યાર્ડની ઓફીસે જાણ કરતા યાર્ડના ઇન્સપેકટર શિવરાજ તથા કેતને ત્યાં આવી ગાળા-ગાળી કરી હતી બાદમાં અમો બન્નેને યાર્ડની ઓફીસે લઇ જઇ ધોકાવાળી કરી ઢોરમાર માર્યો હતો. અને આ હુમલામાં અમારા બન્ને મજુરોના કપડા પણ ફાડી નાખ્યા હતા.
બનાવની જાણ થતા રાજકોટ યાર્ડમાં મજુરોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. અને સિવિલ હોસ્પિટલે મજુરોના ટોળા એકત્ર થઇ ગયા હતા. યાર્ડમાં મજુરોને ઢોરમાર મરાતા મજુરો હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને યાર્ડમાં હરરાજીનું કામકાજ ઠપ્પ થઇ ગયું હતું.
મજુર આગેવાનોએ જણાવ્યું હતું કે, મજુરોને ઢોરમાર મારનાર બન્ને ઇન્સપેકટરોને છુટા ન કરાઇ ત્યાં સુધી યાર્ડમાં મજુરોની હડતાલ ચાલુ રહેશે.
આ અંગે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે મજુરોના પ્રતિનિધીઓ રજુઆત કરવા આવશે તો જવાબદાર યાર્ડના કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આજે બપોર સુધીમાં મજુરોના પ્રતિનિધીઓ આ મામલે રજુઆત કરવા આવ્યા નથી.
દિપાવલી પર્વ પૂર્વે જ રાજકોટ માર્કેટયાર્ડમાં મજુરોની હડતાલથી કામકાજ ઠપ્પ થઇ ગયું છે.
(3:54 PM IST)










