<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

રાજકોટ જીલ્લામાં સૌર શકિતની આગેકૂચઃ ૪પ૬૦૦ ઘરો ઉપર સોલાર પેનલ લગાવાઇઃ ૧ લાખ ૩૮ હજાર કિલોવોટનું ઉત્‍પાદન

ગોંડલ તાલુકો ફર્સ્‍ટ નંબરેઃ ૧૯૯૦૦ લોકોને ૧પપ કરોડ-સબસિડી પેટે ચૂકવાયા...

રાજકોટ તા. ૧૫:  ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના વિકાસને નવી દિશા મળે તે માટે અનેકવિધ યોજનાઓ શરૂ છે. ત્‍યારે મોદીજીએ આપેલી સૌર ઉર્જાની ભેટ કેમ ભૂલાય.. જેના લીધે અનેક ઘરોના વીજ બિલ શૂન્‍ય થઈ ગયા છે અને બચત પણ અનેકગણી વધી ગઈ છે.

પી.જી.વી.સી.એલ.ના રૂરલ સર્કલના અધીક્ષક ઇજનેર શ્રી  જે.બી.ઉપાધ્‍યાય ઉમેર્યું હતું કે, ઘર ઉપર સોલર પેનલ લગાડવાની શરૂઆત થઈ ત્‍યારે રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૬માં ૭ ગ્રાહકોએ જ પેનલ લગાવી હતી અને ૪૭ કિલોવોટ પાવરનું ઉત્‍પાદન થયું હતું. જેમાં ઉત્તરોતર વધારો થયો અને વર્ષ ૨૦૧૭માં ૨૮૫ ગ્રાહકો જોડાયા અને ૧૦૫૯ કિલોવોટ વીજળીનું ઉત્‍પાદન થયું હતું. જેમ-જેમ લોકોના વીજબિલમાં ઘટાડો થતો ગયો તેમ તેમ સોલાર પેનલ લગાવવાની સંખ્‍યામાં વધારો થતો ગયો.

હાલમાં જ પી. એમ. સૂર્યઘર યોજના અંતર્ગત ૧૯,૯૦૮ જેટલા લોકોને કુલ મળીને ૧૫૫.૨૮ કરોડ રૂ. સબસિડી પેટે ચૂકવવામાં આવ્‍યા છે. ૧૯,૯૦૮ સોલાર પેનલ થકી ૬૭.૯૮ મેગાવોટ પાવર જનરેટ કરવામાં આવ્‍યો છે.

રાજકોટ જિલ્લામાં અત્‍યાર સુધીમાં ૪૫,૬૫૨ ઘર ઉપર સોલાર પેનલ લગાવવામાં આવી છે અને ૧,૩૮,૬૬૩ કિલોવોટનું વીજ ઉત્‍પાદન થયું છે. ગોંડલ તાલુકો સૌર ઊર્જાના ઉપયોગ અને ઉત્‍પાદનમાં પ્રથમ ક્રમાંકે છે. ગોંડલ તાલુકામાં પી.જી.વી.સી.એલ.ના ૧૧ હજારથી વધુ ગ્રાહકોના ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવી છે, અને પ્રતિવર્ષ ૩૫,૩૯૬ કિલો વોટ વીજ યુનીટ ઉત્‍પાદન થાય છે. બીજા ક્રમાંકે જેતપુર તાલુકો છે. જ્‍યાં ૮,૬૦૦થી વધુ ગ્રાહકોના ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવી છે, અને પ્રતિવર્ષ ૨૮,૫૮૯ કિલોવોટ વીજ યુનીટ ઉત્‍પાદન થઇ રહ્યું છે.

કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકારનાં અવિરત પ્રયાસો અને વિવિધ યોજનાઓનાં કારણે તથા સૌરઉર્જાનાં ઉપયોગનાં પ્રતાપે હવે રાજકોટવાસીઓને વીજબિલની ચિંતામાંથી મુક્‍તિ મળી છે.  

(3:40 PM IST)