News of Wednesday, 15th October 2025
૮ ભેંસો, ૩ પાડાને ક્રુરતાથી આઇસરમાં બાંધી વ્યારા લઇ જતાં બે પકડાયા
માધાપર ચોકડીએ કૃપા ફાઉન્ડેશનના કાર્યકરોની પોલીસની મદદથી કાર્યવાહી ગાંધીગ્રામ પોલીસે જામજોધપુરના સુદા કોડીયાતર અને ચોખંડાના હેમંત ગોજીયા વિરૂધ્ધ પશુ પ્રત્યે ક્રુરતા દાખવવાનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૫: માધાપર ચોકડીએથી શાપરની જીવદયાનું કામ કરતી સંસ્થાના કાર્યકરોએ માહિતીને આધારે પોલીસને સાથે રાખી એક આઇસર પકડી લીધું હતું. જેમાં ૮ ભેંસો અને ૩ પાડાને ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક રીતે બાંધીને તાપીના વ્યારા ગામે લઇ જવાતાં હોઇ આઇસરના ચાલક, ક્લીનર સામે ગુનો દાખલ કરાવી ભેંસો-પાડાને મુક્ત કરાવ્યા હતાં.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભગવતીપરા મેઇન રોડ સુખસાગર સોસાયટી શેરી નં. ૧માં રહેતાં રણજીતપુરી પ્રતાપપુરી ગોસ્વામી (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી જામજોધપુરના મોટા વડીયા ગામે રહેતાં સુદાભાઇ અરજણભાઇ કોડીયાતર અને દેવભુમિ દ્વારકાના ભાણવડ તાબેના ચોખંડા ગામે રહેતાં હેમંત જયેશભાઇ સોજીત્રા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
રણજીતપુરી ગોસ્વામી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેની ઓફિસ મહિલા કોલેજ અન્ડર બ્રીજી એલઆઇસી સામે જય રામનાથ ટ્રાન્સપોર્ટ નામે છે. આ ઉપરાંત શાપરની કૃપા ફાઉન્ડેશન સંસ્થા જે જીવદયાનું અને પ્રાણીઓની ગરકાયદે થતી કતલ અટકાવવાનું અને પ્રાણીઓની ગેરકાયદે હેરાફેરી અટકાવવાનું કામ કરે છે. હું તથા સભ્યો મિલનભાઇ રાઠોડ, લખનભાઇ ચોહલા, ગોૈતમભાઇ મકવાણા, જીતભાઇ સભાડ સહિતના કારમાં ફરતા હતાં ત્યારે માહિતી મળી હતી કે જામનગર રોડ માધાપર ચોકડીએ આઇસર નં. જીજે૩૭ટી-૫૨૯૮માં ગેરકાયદે ભેંસો ભરીને વ્યારા તરફ લઇ જવામાં આવી રહી છે. આથી અમે વોચ રાખી જનરક્ષક હેલ્પલાઇન ૧૧૨માં ફોન કરી દીધો હતો.
ત્યાં બાતમી મુજબનું વાહન નીકળતાં તેને અટકાવતાં પાછળ ખીચોખીચ રીતે ૮ ભેંસો, ૩ પાડી ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધેલા જોવા મળ્યા હતાં. ટ્રકમાં રેતી પાણી કે ઘાંસચારો પણ નહોતો. આઇસરના ચાલકનું નામ પુછતાં સુદાભાઇ અરજણભાઇ કોડીયાતર (રહે. મોટા વડીયા તા. જામજોધપુર) અને સાથેના શખ્સે પોતાનું નામ હેમંત જયેશભાઇ જોગીયા (રહે. ચોખંડા ભાણવડ) જણાવ્યા હતાં. આ બંનેની પુછતાછ થતાં તેણે કહ્યું હતું કે તાપીના વ્યારા ગામના અરૂણ આહિરે આ ભેંસો, પાડાને વ્યારા ખાતે લઇ જવાનું કહ્યું છે. તેણે પોશીત્રા ગ્રામ પંચાયતનો દાખલ પણ આપ્યો હતો. પરંતુ ભેંસો, પાડાને ક્રુરતા પુર્વક બાંધીને લઇ જવાતા હોઇ ફરિયાદ નોંધાવતાં પોલીસે ૨,૪૦,૦૦૦ની ભેંસો અને ૯૦૦૦ના પાઢા તથા ૪ લાખનું આઇસર મળી ૬,૪૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરીહ તી. (૧૪.૮)
(2:20 PM IST)










