<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ભાજપના વરિષ્‍ઠ નેતાઓ સંઘના નામે આદેશ આપતા થઈ ગયા?

સંઘ ઠપકો આપશે કે કેમ તે તરફ સહુની મીટ

રાજકોટ : સ્‍વ. પ્રવિણભાઈ મણીયારે જે તે વખતે સૌરાષ્‍ટ્ર શિક્ષણ અને સેવા સમાજ નામથી ૩૦ વર્ષ પૂર્વે સંઘ - આરએસએસની વિદ્યા ભારતી સાથે એફીલીએટેડ સંસ્‍થા ચાલુ કરી હતી. જેમાં મુખ્‍યત્‍વે જૂના એરપોર્ટ પાસે શિશુ મંદિર અને રણછોડનગરમાં માધ્‍યમિક શાળા ચાલુ કરેલ હતી જેના પરિણામે રાજકોટના લોકોને મોટો ફાયદો થયેલ.

પરંતુ પ્રવિણભાઈના નિધન પછી ટૂંક સમયમાં જ આ બધી સંસ્‍થાઓ એકાએક સેવાનો ભાવ મૂકી કમાણી તરફ વળી ગઈ.

સંઘ પ્રેરિત વિદ્યાભારતી સાથેની સંલગ્નતા રદ્દ કરીને સ્‍વતંત્ર, સ્‍વનિર્ભર શાળા બની ગઈ અને કમાણી તરફ દૃષ્‍ટિ માંડી.

કહેવાય છે કે સંઘના લોકો આ પગલાથી સમસમી ગયા હતા. કારણ કે શીશુ મંદિર એટલે આરએસએસ એવી સમાજમાં છાપ છે. ત્‍યારે સંઘનું પોતીકુ ગણાતુ ટ્રસ્‍ટ એક પ્રાઈવેટ ટ્રસ્‍ટ બની કમાણી તરફ દૃષ્‍ટિ માંડી એટલે સંઘની આબરૂ સચવાઈ રહે તે માટે સમસમીને બેઠા હતા તેમ મનાય છે.

દરમિયાન આ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ કોર્પોરેશનની જમીન ઉપર છેલ્લા ૩૦ વર્ષથી સાવ નજીવા ટોકન દરે રણછોડનગર જેવા કિંમતી વિસ્‍તારમાં શાળા ઉભી કરી છે. આ ગ્રાન્‍ટેડ શાળા છેલ્લા ઘણા વર્ષોથી થોરાળા વિસ્‍તારમાં આવેલ સરસ્‍વતી શિશુ મંદિરમાં સ્‍થળાંતર કરવામાં આવી છે. જયારે અહિં રણછોડનગર વિસ્‍તારમાં માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કુલ ચાલી રહી છે.

આ ઉપરાંત શહેરના પોશ વિસ્‍તાર એવા જૂના એરપોર્ટ રોડ પર મારૂતિનગરમાં આવેલ સરસ્‍વતી શિશુ મંદિરની જમીનની કિંમત અને શાળાની આર્થિક કિંમત દેખાતા, મુળ સ્‍વ.પ્રવિણકાકા દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રાન્‍ટવાળી સંસ્‍થા કે જેના બધા કર્મચારીઓ સંઘના  સ્‍વયંસેવકો હતા તેને બેશરમીથી મુળભૂત કોંગ્રેસની કહેવાતી સંસ્‍થા મહાત્‍મા ગાંધી એજ્‍યુકેશન ટ્રસ્‍ટમાં (આખે આખી સંસ્‍થા) ટ્રાન્‍સફર કરી નાખી. 

તેમ છતાં આટલા કૃત્‍ય પછી સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં ૧૦ વર્ષ માટે ફરી લીઝ રીન્‍યુ થવા આવી. ત્‍યારે સંઘની કોઈ સુચના ન હોવા છતાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, અને અન્‍ય હોદ્દેદારોએ આ કરવા માટે સંઘનો આદેશ છે તેવી વાત કરી લીઝ આપી દેવી તેવી સંકલનમાં બધા કોર્પોરેટરને સ્‍પષ્‍ટ સુચના આપવામાં આવી હોવાની પણ ભારે ચર્ચા છે.

દરમિયાન સંઘના સ્‍વયંસેવકો પણ રાહ જોઈ રહ્યા છે કે હવે કઈ દિશા તરફ આ સમગ્ર ઘટના જાય છે..

(11:33 AM IST)