તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th October 2025
સાધુ વાસવાણી રોડ પર ધારેશ્વર ડેરી આગમાં ખાકઃ વહેલી સવારે બનાવઃ લાખોનું નુકસાન
માલિક મનસુખભાઇ વાંસજાળીયાએ કહ્યું-શોર્ટ સરકીટથી આગ લાગી હોઇ શકેઃ પચ્ચીસેક લાખનું નુકસાનઃ ફાયર બ્રિગેડે પોણો કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

તસ્વીરમાં ડેરીમાં ભભૂકેલી આગના દ્રશ્યો, આગ બુઝાવવા મથી રહેલા ફાયર બ્રિગેડના જવાનો અને આગ ઓલાવાયા બાદ ડેરીની હાલત કેવી થઇ ગઇ તે જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૫: શહેરમાં આગની વધુ એક ઘટના બની છે. જેમાં સાધુ વાસવાણી રોડ પર શ્યામલ વર્ટીકલ પાસે આવેલી ધારેશ્વર ડેરીમાં વહેલી સવારે આગ ભભૂકતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આગને કારણે આખી ડેરી ખાખ થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે ચાલીસથી પચાસ મિનીટ સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આસપાસની દૂકાનોમાં પણ ધૂમાડા ફેલાઇ ગયા હોઇ ફાયર બ્રિગેડની ટીમે તેના શટરો ઉંચકાવીને ચેક કર્યા હતાં. જો કે ત્યાં આગ પહોંચી નહોતી. આગમાં સમગ્ર દુકાન બળીને ખાક થઇ ગઇ હોઇ લાખોની નુકસાની થઇ છે.
જાણવા મળ્યા મુજબ સાધુ વાસવાણી રોડ પર શ્યામલ વટીક્સ એપાર્ટમેન્ટ નીચેના ભાગે આવેલી ધારેશ્વર ડેરીમાં સવારે સાડા છ આસપાસ આગ ભભૂકી હોવાની જાણ મનસુખભાઇ કાનજીભાઇના નામના વ્યક્તિએ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે પહોંચી ગઇ હતી અને આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હોઇ અડધાથી પોણા કલાક સુધી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બુઝાવી નાંખી હતી. આગને કારણે કોઇ જાનહાની થઇ નથી. આગમાં ડેરીનું તમામ ફર્ર્નિચર, કાઉન્ટર, પાંચ મોટા ફ્રીઝ, એક નાનુ ફ્રીઝ, મીઠાઇ-ફરસાણ-દૂધ સહિત બળી ગયું હતું. દૂકાનના માલિક મનસુખભાઇ કાનજીભાઇ વાંસજાળીયા હાજર હતાં.
દુકાન માલિકે જણાવ્યું હતું કે આગને કારણે ૨૦ થી ૨૫ લાખનું નુકસાન થયું છે. શોર્ટ સરકીટને કારણે આગ લાગ્યાની પ્રાથમિક શક્યતા છે. પોલીસ દ્વારા એફએસએલની મદદથી આગનું કારણ જાણવા તપાસ કરવામાં આવશે. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ ડેરીમાં ભભૂકેલી આગને કારણે આસપાસની દૂકાનોના શટરમાં પણ ધૂમાડા ઘુસી ગયા હોઇ આ દૂકાનોના શટરો પણ ઉંચા કરી તપાસ કરવામાં આવી હતી. સવારના પ્હોરમાં આગની ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. (૧૪.૬)
(2:11 PM IST)










