<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ર૧મી સદીમાં હજુ ટેન્‍કર યુગઃ બે વર્ષ પાણી પુરૂં પાડવા કવાયત

શહેરના ત્રણેય ઝોનમાં ૬ કરોડનો ખર્ચઃ જુના રાજકોટમાં વિતરણ સમસ્‍યા ઉભી થતા મોટું આશ્ચર્ય : લાખો લોકો પીવાના પાણી વિનાનાઃ પાણીની લાઇન વિહોણા વિસ્‍તારમાં ટેન્‍કર મારફત પાણી વિતરણ કરવા મનપા દ્વારા ટેન્‍ડર પ્રસિધ્‍ધઃ ડીઆઇ પાઇપ લાઇન બીછાવતા હજુ ર૪ મહિનાનો સમય લાગશે તેવી ધારણા

રાજકોટ તા.૧૧: દરેક ફળીયામાં નળ આપવા સરકારે નલ સે જલ યોજના અંતર્ગત છેવાળાના માનવી સુધી પીવાના પાણી પહોંચી જશે ની જાહેરાતો બાદ પણ સ્‍થિતિ આજે પણ પહેલા જેવી રહેવા લાગી છે. ગામડાઓ તો ઠીક પરંતુ શહેરમાં પણ હજૂ અનેક વિસ્‍તારોમાં નળ સુવિધા પ્રાપ્‍ત થઇ નથી તેવુ શહેરના  વિસ્‍તારોમાં પણ પાણીના ધાંધીયા યથાવત જોવા મળી રહ્યા છે.

ડીઆઇ પાઇપ લાઇન પાછળ કરોડોનું આંધણ કરવા છતા શહેરના ત્રણેય ઝોનમાં પાણીના ટેન્‍કર દોડવવા અંદાજે રૂા.૬ કરોડનો ખર્ચ કરી ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યા છે.

શહેરના ત્રણેય ઝોનમાં મોટાભાગના ઘરોમાં નળ વાટે પીવાનું પાણી મળી રહ્યુ છે. તેમજ છેવાળાના વિસ્‍તારો અને મનપામા ભળેલા નવા વિસ્‍તારોમાં પણ પીવાના પાણીની પાઇપ લાઇનનું નેટવર્ક બીછાવવામાં આવ્‍યું છે. છતાં હજૂ પણ અનેક પરિવારોને ફળીયામાં નળ નથી મળ્‍યા તેવુ મનપાના સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

ત્રણેય ઝોનમાં આગામી બે વર્ષ સુધી પીવાનું પાણી ટેન્‍કર મારફત પહોંચાડવા માટે ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું છે. વોટરવર્કસ વિભાગ માથી જાણવા મળેલ વિગત મુજબ આજે પણ સેન્‍ટ્રલ ઝોન જે વર્ષો પહેલા વસી ગયુ છે. તેવા વિસ્‍તારોમાં પણ ટેન્‍કર મારફતે આગામી બે વર્ષ સુધી પાણી આપવામાં આવશે. તેવી જ રીતે નવા વિકસતા વેસ્‍ટ અને ઇસ્‍ટ ઝોનના અનેક વિસ્‍તારોમાં ટેન્‍કર મારફતે પાણી આપવા માટે ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું છે.

ત્રણેય ઝોનમાં હજૂ પણ બે વર્ષ અનેક લોકોએ ટેન્‍કર મારફતે પીવાનું પાણી લેવુ પડશે જેના માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં ઇસ્‍ટ ઝોનમાં નવા વિસ્‍તારોમાં પાણી આપવા માટે રૂ.૩.૦૩ કરોડનો ખર્ચ કરવામાં આવશે અને તમામ વિસ્‍તારોમાં ટેન્‍કર દોડવવામાં આવશે.

તેવી જ રીતે સેન્‍ટ્રલ ઝોનમાં પણ ટ્રેક્‍ટર મારફતે પાણી વિતરણ પાછળ એક કરોડનો ખર્ચ કરાશે અને વેસ્‍ટ ઝોનમાં નવા વિસ્‍તારોમાં પાણી સપ્‍લાય કરવા માટે રૂ.૧.૨૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેના લીધે આગામી બે વર્ષ માં ત્રણેય ઝોનમાં પાણી વિતરણ માટે રૂ.૬ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવનાર છે.

આ મુદ્દે તંત્રએ જણાવેલ કે, નવા વિસ્‍તારોમાં નળ સુવિધા માટે પાણીની પાઇપ લાઇન નાખવાની કામગીરી ચાલુ છે. ત્‍યારે પ્રાથમિક ધોરણે પીવાનુ પાણી પુરુ પાડવા માટે ટેન્‍કર દ્વારા વિતરણ વ્‍યવસ્‍થા ઉભી કરાશે.

(3:36 PM IST)