<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિઃરાજકોટ સહિતના સ્‍મશાનમાં કાળી ચૌદશની ‘‘શાનદાર'' ઉજવણી કરશે જાથા

સ્‍મશાનના ખાટલે ગ્રામજનો કકડાટના વડા-પુડલા આરોગશે, મેલીવિદ્યાની નનામીને મહિલાઓ કાંઘ આપી ભસ્‍મીભૂત કરશે, કાળી ચૌદશ ને દિવાળી પર્વની જેમ ઉજવાશે

રાજકોટઃ ગુજરાતમાં સદીઓથી કાળી ચૌદશના દિવસે પ્રવર્તતી ભૂત-પ્રેત, મેલીવિદ્યા, પિશાચ અને આસુરી શક્‍તિની સાધના તેમજ તેની ગેરમાન્‍યતા, ખોફનાક વાતો અને નિરર્થક ક્રિયાકાંડોનું ખંડન કરવાના દૃઢ મનોબળ કેળવવાના ઉદ્દેશથી જાથા (ગુજરાત અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ) દ્વારા રાજ્‍યવ્‍યાપી જાગળતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાજ્‍યકક્ષાનો મુખ્‍ય કાર્યક્રમ રાજકોટ જિલ્લાના મુક્‍તિધામ (સ્‍મશાન) માં તા. ૧૯મી ઓક્‍ટોબર રાત્રીના ૯ કલાકે લોકસહકારથી યોજાયો છે. આ આયોજનને સફળ બનાવવા જાથાના રાજ્‍ય ચેરમેન એડવોકેટ જયંત પંડયા એ નેતળત્‍વ લીધું હોવાનું  યાદીમાં જણાવાયું છે.

આ કાર્યક્રમમાં કાળી ચૌદશનો સદીઓ જૂનો ભય દૂર કરવા માટે નવતર પ્રયોગો કરવામાં આવશે,  જેમાં સૌપ્રથમ મેલીવિદ્યાની નનામી ને મહિલાઓ દ્વારા કાંધ આપીને સ્‍મશાનમા લઇ જઇ અને તેને અગ્નિદાહ આપવામાં આવશે. આ ભય અને કકડાટને કાયમી કાઢવાના પ્રતીકરૂપે આ નનામીની ભસ્‍મ ઉપર ચા બનાવીને હાજર લોકોને ચુશ્‍કી મારવા આપવામાં આવશે. વળી, સ્‍મશાનના ખાટલે બેસીને ગ્રામજનોએ કુંડાળાના કકડાટના વડા અને ગરમાગરમ પુડલા  આરોગવામાં આવશે. આ ઉપરાંત, ભૂત-પ્રેતના વેશમાં યુવાનોનું સરઘસ અને મશાલ સરઘસ પણ શેરીઓમાં કાઢીને જાગળતિ કેળવવામાં આવશે. જાથાએ સ્‍પષ્ટ જણાવ્‍યું હતું કે, કાળી ચૌદશ અશુભ છે કે સંધ્‍યા સમયે પ્રેતાત્‍મા ફરે છે જેવી તમામ વાતો બોગસ, અતાર્કિક અને તથ્‍યહિન છે.

જાથાના ચેરમેન જયંત પંડયાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દુનિયામાં મેલીવિદ્યા જેવું કશું જ નથી અને લેભાગુઓ તેના નામે તૂત ચલાવે છે. મેલીવિદ્યાથી પાપડ પણ ભાંગી શકાતો નથી તેવું હજારો લોકોમાં સાબિત કર્યું છે. તેમણે કકડાટ વડા મૂકવાની -થાને તિલાંજલિ આપીને અનાજનો બગાડ અટકાવી જરૂરિયાતમંદને આપવાનો અનુરોધ કર્યો હતો.

રાજ્‍યવ્‍યાપી આયોજનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્‍છ-ભુજ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, સુરત, નવસારી, વાપી, છોટા ઉદવપુર, ગોધરા, ડાંગ, આહવા, રાજપીપળા, અરવલ્લી સહીત તાલુકા અને ગ્રામ્‍ય કક્ષાએ કાર્યક્રમોની તૈયારી કરવામાં આવી હતી. આ જાગળતિ કાર્યક્રમોને સફળ બનાવવા માટે જાથાના અંકલેશ ગોહિલ, નિર્મળ મેત્રા, રાજુ યાદવ, રવિ પરબતાણી, ભોજાભાઈ ટોઘટા, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, હર્ષાબેન પંડયા વકીલ, ભક્‍તિબેન રાજગોર, ભાનુબેન ગોહેલ સહિત અનેક કાર્યકરો જોડાયા છે. જાથાએ જણાવ્‍યું કે આ ઉજવણીનું ૩૨મું વર્ષ હતું અને આજ સુધી સ્‍મશાનમાં એક મિનિટ માટે પણ અનહોની થઈ નથી. (૩પ-ર૧)

(4:00 PM IST)