<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ઉત્તરક્રિયામાં ગયેલા બે ભાઇઓ, નાની પર નામચીન સાવન ઉર્ફ લાલી અને તેના મામા અકનનો હુમલો

જામનગર રોડ વાલ્‍મિકીવાડીમાં કરસનભાઇ ટાઉનશીપ આવાસ ક્‍વાર્ટરમાં બનાવ : પરસાણાનગરના મિલન જેઠવાની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્‍યોઃ મિલનના નાના ભાઇના પત્‍નિ નાસ્‍તો લઇને આવતાં હતાં ત્‍યારે તેની સાથે અકન ઘાવરીએ ગેરવર્તન કર્યુ હોઇ તેને અને તેના ભાણેજ લાલીને સમજાવતાં જતાં રહ્યાઃ બાદ છરી-ધોકા સાથે આવી તૂટી પડયા

રાજકોટ તા. ૮: જામનગર રોડ વાલ્‍મિકીવાડી આવાસ ક્‍વાર્ટરમાં માસાની ઉત્તરક્રિયામાં હાજરી આપવા ગયેલા પરસાણાનગરના યુવાન અને તેના ભાઇ તેમજ ઉપલેટાથી ક્રિયામાં આવેલા આ બંનેના નાનીમા ઉપર આ વિસ્‍તારમાં નામચીનની છાપ ધરાવતાં સાવન ઉર્ફ લાલી અને તેના મામાએ મળી છરી, ધોકાથી હુમલો કરતાં ત્રણેયને ઇજા થઇ હતી. યુવાનના ભાભી બાળકો માટે નાસ્‍તો લઇને આવી રહ્યા હોઇ તેની સાથે ગેરવર્તન કરાયું હોઇ આ બાબતે બંનેને સમજાવતાં ખાર રાખી હુમલો કર્યાનું ખુલ્‍યું હતું.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે જામનગર રોડ પરસાણાનગર-૭ શ્રીચામુંડા કૃપા ખાતે રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં મિલન રાજેશભાઇ જેઠવા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી સાવન ઉર્ફ લાલી વાઘેલા અને અકન ઘાવરી વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મિલન જેઠવાએ જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહું છું. મંગળવારે હું મારા માસા વિનોદભાઇની ઉત્તરક્રિયામાં વાલ્‍મીકી વાડી આવાસ યોજના ક્‍વાર્ટર કરસનભાઇ ટાઉનશીપ ખાતે ગયો હતો. જ્‍યાં હું, મારા માસાના પરિવારજનો ઘરમાં હતાં. આ વખતે ભજન વાગી રહ્યા હોઇ તે બંધ થતાં અમને બહાર દેકારો સંભળાયો હતો. આથી હું ં બહાર જોવા ગયો હતો.

આ વખતે મારા નાના ભાઇના ધરમભાઇના પત્‍નિ કાજલબેન બહાર હતાં. તેણીએ મને કહ્યું હતું કે હું સામેની બાજુએ દૂકાને બાળકો માટે નાસ્‍તો લેવા ગઇ ત્‍યારે રસ્‍તામાં અકન વાઘેલાએ મારી સાથે જેમ તેમ બોલી અપમાન કર્યુ છે. આથી હું અકનને સમજાવવા ગયો ત્‍યારે તેની સાથે સાવન ઉર્ફ લાલી પણ હતો. આ બંનેને મેં સમજાવીને ત્‍યાંથી જવા દીધા હતાં. થોડીવાર પછી ફરીથી અકન અને સાવન ઉર્ફ લાલી ઉત્તરક્રિયા ચાલુ હોઇ ત્‍યાં આવ્‍યા હતાં. આ વખતે અકનના હાથમાં છરી અને લાલીના હાથમાં ધોકો હતો. આ બંને ગાળો દેવા માંડયા હતાં અને મારા નાની ડાહીબેન અમરાભાઇ ગોહેલ (ઉ.વ.૬૮) કે જેઓ ઉપલેટાથી ઉત્તરક્રિયામાં આવ્‍યા હોઇ તેને માથાના ભાગે ધોકો મારી દેતાં તેઓ લોહીલુહાણ થઇ ગયા હતાં. આથી હું અને મારો ભાઇ ધરમ આ બંનેને રોકવા વચ્‍ચે પડતાં અમને પણ ધોકા, છરીથી ઇજા પહોંચાડઇ હતી.

ત્‍યારબાદ મારા નાનીને અને મને તથા મારા ભાઇને સિવિલ હોસ્‍પિટલે લઇ ગયા હતાં. જ્‍યાં અમને બંનેને પ્રાથમિક સારવાર અપાઇ હતી અને મારા નાની ડાહીબેનને દાખલ કરાયા હતાં. અકન અને સાવન ઉર્ફ લાલીએ મારા નાના ભાઇના પત્‍નિ કાજલબેન બાળકોનો નાસ્‍તો લઇને આવતાં હોઇ તેની સાથે ગેરવર્તન કરી માથાકુટ કરી હોઇ આ બંનેને મેં સમજાવ્‍યા હોઇ તેનો ખાર રાખી છરી, ધોકાથી હુમલો કર્યો હતો. તેમ વધુમાં મિલને જણાવતાં પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં એએસઆઇ કે. કે. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મિલન જેઠવાના કહેવા મુજબ સાવન ઉર્ફ લાલી અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. અકન ઘાવરી તેનો મામો થાય છે. આ બંને મામા-ભાણેજ હુમલો કરી ભાગી ગયા હતાં. 

(2:27 PM IST)