તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
બેડી ચોકડીએ ‘હિટ એન્ડ રન': કુવાડવા કરીયાણાની દૂકાન ધરાવતાં રાજકોટના વેપારી નિલેષભાઇનું મોત
માધાપર ચોકડીએ મેરી ગોલ્ડ એવન્યુમાં રહેતાં વેપારી દૂકાને જવા નીકળ્યા ત્યારે અજાણ્યો કારવાળો ઉલાળીને ભાગી ગયોઃ મોભીના મૃત્યુથી ભીંડોરા પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૮: બેડી ચોકડી નજીક હિટ એન્ડ રનના બનાવમાં માધાપર ચોકડીએ રહેતાં અને કુવાડવામાં કરીયાણાની દૂકાન ચલાવતાં વેપારીનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
માધાપર ચોકડી પાસે મેરીગોલ્ડ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતાં નિલેષભાઇ હરિદાસભાઇ ભીંડોરા (ઉ.વ.૫૯) સોમવારે સવારે દસેક વાગ્યે ઘરેથી એક્ટીવા હંકારી કુવાડવા ગામમાં પોતાની કરિયાણાની દૂકાન હોઇ ત્યાં જવા નીકળ્યા ત્યારે બેડી ચોકડી નજીક અજાણ્યો કારચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમને ગંભીર ઇજા થઇ હતી.
બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતાં. કોઇએ નિલેષભાઇનો ફોન ચેક કરતાં તેમાં છેલ્લે તેમણે ભત્રીજા સાથે વાત કરી હોઇ તેમાં કોલ જોડતાં સગાને બનાવની જાણ થઇ હતી. નિલેષભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત સાંજે તેમણે અંતિમ શ્વાસ લઇ લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે હોસ્પિટલ મારફત બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.
મૃત્યુ પામનાર નિલેષભાઇ છ ભાઇ અને એક બહેનમાં ચોથા હતાં. સંતાનામં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્ર દુબઇ રહી કામ કરે છે. નિલેષભાઇ કુવાડવામાં કરિયાણાનો વેપાર કરતાં હતાં. મોભીના મૃત્યુથી ભીંડોરા-લોહાણા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બી-ડિવીઝન પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલક અંગે તપાસ હાથ ધરી છે.
(4:19 PM IST)










