<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા રાજકોટમાં ૩૭ સ્‍થળોએ વિજયાદશમીની ઉજવણી

પૂર્ણ ગણવેશમાં ૨૧૦૦થી વધુ સ્‍વયંસેવકોએ ભાગ લીધો, ૪૦૦૦થી વધુ નાગરિકોએ ઉત્‍સવમાં જોડાઈ શસ્‍ત્રપૂજન કર્યું: રાષ્ટ્રનિર્માણમાં દરેક ઘરની ભાગીદારી આવશ્‍યક છે, સંઘ પંચ પરિવર્તનની સંકલ્‍પના સાથે સમાજમાં જશેઃ યુવાનોએ સમ્રાટ અશોક સહિતના ભારતનો ઈતિહાસ બદલનારને રોલ મોડલ બનાવવા જોઈએઃ અભિષેકલાલજી મહારાજશ્રી

રાજકોટઃ રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના શતાબ્‍દી ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરના મારૂતિ, વર્ધમાન,  લક્ષ્મી, રણછોડ તથા નટરાજ એમ પાંચ વિસ્‍તારના ૩૬ નગરોમાં ૩૭ સ્‍થળોએ વિજયાદશમી ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી. આ ઉત્‍સવોમાં પૂર્ણ ગણવેશમાં ૨૧૨૧ સ્‍વયંસેવકો સહભાગી થયા જ્‍યારે ૪૦૦૦થી વધુ નાગરિકોએ ઉત્‍સવમાં જોડાઈને શસ્‍ત્રપૂજન કર્યા હતા.

રાજકોટ મહાનગરમાં ૨ ઓક્‍ટોબર થી પાંચમી ઓક્‍ટોબર સાંજ સુધીમાં મહાનગરમાં કુલ ૩૭ સ્‍થળોએ જાહેર કાર્યક્રમ, શષપૂજન સાથે વિજયાદશમી ઉત્‍સવની ઉજવણી થઈ હતી. આ દરેક સ્‍થળે ઉત્‍સવોમાં સ્‍વયંસેવકોએ દંડયોગ, નિઃયુદ્ધ, દંડ પ્રયોગ-પ્રહાર, યોગાસનો, સમતા સહિતના શારીરિક પ્રાત્‍યક્ષિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

વિવિધ સ્‍થળોએ યોજાયેલા ઉત્‍સવોમાં અતિથિ વિશેષ તરીકે રમેશભાઈ ઠક્કર (શ્રીજી ગૌશાળા- જલારામ હોસ્‍પિટલ), ડો.દુષ્‍યંતભાઈ સાકરીયા(મીરેકલ હોસ્‍પિટલ), અંજુદીદી (બ્રહ્મા કુમારી), વિરમભાઈ રાઠોડ (કોસ્‍મિક સ્‍કૂલ),  પરેશભાઈ ગજેરા (બિલ્‍ડર એસોસિએશન), ડો. નિલેશ ભીમજીયાણી (લોટસ હોસ્‍પિટલ)મનસુખભાઈ સુવાગીયા (જળક્રાંતિ ટ્રસ્‍ટ), ડો.વિવેકભાઈ સિંહાર (સિંહાર સ્‍કૂલ), ડો. ધવલ સોંદરવા (મોટીવેશનલ સ્‍પીકર), અનિલ મહારાજ (વાલ્‍મિકી સંત સમિતિ), પૂ.પા.ગો. ૧૦૮ અભિષેકલાલજી મહારાજ( વલ્‍લભાશ્રય હવેલી), રાજેશભાઈ મહેતા, (જીવનજ્‍યોત સ્‍કૂલ સંચાલક) જગદીશભાઈ દોંગા (સંચાલકશ્રી પાલવ વિદ્યામંદિર), ડોક્‍ટર ખ્‍યાતિબેન વસાવડા ગૌતમભાઈ જીવણભાઈ પટેલ, ભાનુભાઇ નરસંગભાઇ ડાંગર (લોક સાહિત્‍યકાર), શ્રી વિભાભાઈ રબારી (લાખાપર પ્રાથમિક શાળા આચાર્ય), શાસ્‍ત્રી હિરેનભાઈ ત્રિવેદી (વિધ્‍યા કલ્‍યાણ ધામ),  ગગજીભાઇ ચનાભાઈ બાહુકિયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સંઘના સ્‍વયંસેવકોની શિસ્‍ત, નિષ્ઠા તથા વ્‍યક્‍તિનિર્માણથી રાષ્ટ્રનિર્માણની સંઘની અનોખી પદ્ધતિને બિરદાવી હતી.આ સાથે કોઈ પણ આફતના સમયે સંઘના સ્‍વયંસેવકો દ્વારા જાત,ભાત વિના કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાની સરાહના કરી હતી. 

અયોધ્‍યા નગરના ઉત્‍સવમાં અતિથિ વિશેષ પૂ.પા.ગો.૧૦૮ અભિષેકલાલજી મહારાજશ્રી જણાવ્‍યું હતું કે, ૧૯૨૫માં નાગપુરમાં નાનકડી રૂમમાં સંધની સ્‍થાપના થઈ અને આજે વટવૃક્ષ સમાન સંઘ પરિવાર દ્રશ્‍યમાન થાય છે. સંઘે ૧૦૦ વર્ષની યાત્રામાં અનેક ચડાવ ઉતાર જોયા છે. આજના યુવાનોએ  સમ્રાટ અશોક, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ સહિતના ભારતનો ઈતિહાસ બદલનારને રોલ મોડલ બનાવવા તેમણે આહવાન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના કામને સમાજમાં દરેક વર્ગ સમુદાયના લોકો સાથે જોડાયેલું ગણાવી સમરસ શક્‍તિશાળી રાષ્ટ્રનિર્માણ માટે સંઘના ૧૦૦ વર્ષના કામને મહત્‍વનું ગણાવ્‍યું હતું.

રાજકોટ મહાનગરમાં આયોજિત વિજયાદશમી ઉત્‍સવોમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ પヘમિ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયંતીભાઈ ભાડેશીયા, પ્રાંત કાર્યવાહ ડો. મહેશભાઈ ઓઝા, પ્રાંત સહકાર્યવાહ દેવેન્‍દ્રભાઈ દવે, પ્રાંત સંપર્ક પ્રમુખ જીતુભાઈ ભીંડી ઉપસ્‍થિત રહ્યા હતા.

આ વક્‍તાઓએ ઉદ્દબોધનમાં સંઘના શતાબ્‍દી વર્ષ નિમિત્તે, સમાજ પરિવર્તન માટે સંઘે આપેલા પંચ પરિવર્તનના વિષયોની છણાવટ કરી હતી. જેમાં ૧. કુટુંબ પ્રબોધન, ૨. સ્‍વબોધ (સ્‍વદેશી, સ્‍વભાષા વગેરે), ૩. સામાજિક સમરસતા, ૪.પર્યાવરણ, ૫.નાગરિક કર્તવ્‍યના ક્ષેત્રમાં દેશના તમામ નાગરિકોને સક્રિય બનવા અપીલ કરી હતી.

આ સાથે રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ શતાબ્‍દી વર્ષે આ પંચ પરિવર્તનના વિષયો સાથે સમાજમાં જશે અને લોકોને તેની સાથે જોડીને સકારાત્‍મક પરિવર્તન માટે વધુ પ્રયત્‍નશીલ રહેશે તેમ જણાવ્‍યું હતું.

વિજયા દશમી ઉત્‍સવોમાં ઉમટેલા નાગરિકોએ ભારતીય પરંપરામુજબ શષપૂજન કર્યું હતું.

વાલ્‍મિકી સમાજની દીકરીએ દીપ પ્રાગટયથી ઉત્‍સવનો પ્રારંભ કરાવ્‍યો

રાજકોટઃ આનંદ નગરના વિજયાદશમી ઉત્‍સવમાં વાલ્‍મિકી સમાજની દીકરીઓ દીપ પ્રાગટ્‍યથી કરીને ઉત્‍સવનો પ્રારંભ કરાવ્‍યો. આ સાથે સામાજિક સમરસતાનો સંદેશ આપ્‍યો હતો. લક્ષ્મી નગરની આસપાસની શાળાઓ આ કાર્યક્રમ નિમિત્તે ખાસ તૈયાર કરેલી પંચ પરિવર્તનની પ્રદર્શની વિજયાદશમી ઉત્‍સવના સ્‍થળે લગાવવામાં આવી હતી.

૧૧ જુદા જુદા સ્‍થળો પર તાલબદ્ધ સંચલનઃ ૬૦૦થી સ્‍વયંસેવકો જોડાયા

રાજકોટ મહાનગરમાં વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે પુનિત નગર, અયોધ્‍યા નગર,  કૃષ્‍ણ નગર, વર્ધમાન નગર, રૈયા નગર, રણુજા નગર,  થોરાળા નગર, આજી નગર, જય જવાન નગર,   સહિતના ૧૧ નગરોમાં વિવિધ વિસ્‍તારોના મુખ્‍ય માર્ગો ઉપર તાલબધ્‍ધ પથ સંચલન યોજાયા હતા. પૂર્ણ ગણવેશમાં અને ઘોષ સાથે સ્‍વયંસેવકોના પથ સંચલનને અનેક લોકોએ ગૌરવભેર નિહાળ્‍યું હતું. આ સંચલનમાં ૬૦૦થી સ્‍વયંસેવકો જોડાયા હતા.

શતાબ્‍દી વર્ષમાં નવરાત્રિમાં પણ થયું શસ્‍ત્ર પૂજન

રાજકોટઃ રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા નવરાત્રીના પાવન પર્વમાં વિવિધ સ્‍થાનો પર શસ્‍ત્ર પૂજનના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્‍યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જુદા જુદા સ્‍થળોએ ૬૦ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૪૧૬૭ ભાઈઓ તથા ૨૮૮૯ બહેનો દ્વારા શસ્‍ત્ર પૂજન કરવામાં આવ્‍યું હતું.

(2:58 PM IST)