તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th October 2025
ગાયકવાડીમાં મધરાત્રે ઘરમાં ઘુસી પુત્ર પર હૂમલો કરી વૃધ્ધ માતાને છરી બતાવી દોઢ લાખની બંગડીની લૂંટ
ઘરની બહાર અવાજ આવતા માતા જાગી જઇ ચોર-ચોરની બૂમો પાડીઃ પુત્ર દેવાશીષભાઇએ દરવાજો ખોલતા જ ત્રણ શખ્સો ઘરમાં ઘુસી છાતીમાં મુક્કો મારી પછાડી દેતા માતા વચ્ચે પડતા તેને છરી બતાવી બંન્ને હાથમાંથી સોનાની બંગડી કાઢી લીધીઃ પ્ર.નગર પોલીસે તપાસ હાથધરી

રાજકોટ તા.૪: જંકશન પોલીસ સ્ટેશન પાછળ ગાયકવાડીમાં મધરાત્રે સંગીત શિક્ષકના ઘરમાં ઘુસી શિક્ષક સાથે ઝપાઝપી કરી મારમાર્યા બાદ તેની માતાને છરી બતાવી ત્રણ શખ્સોએ રૂ.૧.૫૦ લાખની કિંમતની સોનાની બંગડીની લૂંટ ચલાવી નાશી જતા પ્ર.નગર પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ જંકશન પોલીસ સ્ટેશન પાછળ ગાયકવાડી શેરી નં.૧/૧૦માં રહેતા દેવાશીષભાઇ નીતાઇભાઇ ચક્રવતી (ઉ.વ.૪૮)એ પ્ર.નગર પોલીસમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. દેવાશીષભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા માતા મોનીકાબેન (ઉ.વ.૮૦) સાથે રહુ છુ અને સંગીત શીખડાવવાનું કામ કરૂ છું.
રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ હું તથા મારા માતા મોનીકાબેન ઘરે સુતા હતા ત્યારે ઘરની પાસે કોઈકનો આવવાનો અવાજ આવેલ જેથી મારા માતા જાગી ગયેલ અને તેને બારીએથી જોયુ તો કોઇ અજાણ્યા ત્રણ માણસો ઘરની બહાર આંટા મારતા હતા જેથી માતાએ જોર જોરથી ચોર ચોરની બુમો પાડી હતી. જેથી હું જાગી જઇ અને મેં તુરત જ મારા ઘરનો દરવાજો ખોલીને રાડ પાડેલ કે કોણ છે ત્યા તુરત જ ત્રણ અજાણ્યા ત્રણ વ્યક્તીઓ ઘર ની બાજુની ગલેરીમાથી મારી પાસે આવી અને તેમાથી એક વ્યક્તીએ મારી પાસે પાણી માંગતા જેથી મેં પુછેલ કે, તમે કોણ છો તો તેણે કોઇ જવાબ આપેલ નહી અને મારા રૂમમાં આવીને મારી સાથે ઝપાઝપી કરી મને ધક્કો મારીને નીચે પછાડી દીધેલ અને છાતીમા એક મુક્કો મારી દીધો હતો. અને બીજા વ્યક્તીએ છરી કાઢતા તે દરમ્યાન મારા માતા મોનીકાબેન મને છોડાવવા માટે વચ્ચે પડેલ અને તેમાથી એક વ્યક્તીએ મારા માતાએ બન્ને હાથમા પહેરેલ રૂ.૧.૫૦ લાખની કિંમતની બે સોનાની બંગડી કાઢી લઇ લુંટ ચલાવી ત્રણેય શખ્સો ત્યાથી ભાગી ગયા હતા. આ બનાવની જાણ કરતા પ્ર.નગર પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ. જે.એન. ગમારાએ તપાસ હાથધરી છે.
(4:16 PM IST)










