તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th October 2025
વ્યાજ માટે દીપકે હદ વટાવીઃ મિત્રને ઢીકા મારી કહ્યું-રૂપિયાની બદલે તારી ઘરવાળીને મુકી જા!
ધંધામાં મંદી હોઇ પાંચ ટકે દોઢ લાખ લીધાઃ તેમાં પણ પત્નિની સોનાની કડલી ગીરવે મુકી હતીઃ ૩૭૫૦૦ ચાર મહિના સુધી ભર્યાઃ આ મહિને વ્યાજ ન ભરી શકતાં ડખ્ખો કર્યો યુનિવર્સિટી રોડ પર પિતૃકૃપા રેસ્ટોરન્ટના સંચાલક દિલીપભાઇ ચીખલીયાની મિત્ર દીપક જાદવ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદઃ મિત્રએ જતાં જતાં ધમકી દઇ કહ્યું-મુડી-વ્યાજ નહિ દે તો જોયા જેવી થશે

રાજકોટ તા. ૪: વ્યાજખોરીના બનાવ અવાર-નવાર પોલીસ ચોપડે ચડે છે. દરમિયાન એક કિસ્સામાં યુનિવર્સિટી રોડ પર રેસ્ટોરન્ટ ચલાવતાં વેપારીને દોઢ લાખના વ્યાજ માટે તેના જ મિત્રએ મોઢા, માથા પર ઢીકા મારી ગાળો દઇ વ્યાજ મુડીની રકમ આપવી જ પડશે નહિતર જોયા જેવી થશે, રૂપિયા ન હોય તો તારી ઘરવાળીને મુકી જા તેવા શબ્દો કરી ડખ્ખો કરતાં ચકચાર જાગી છે. વેપારીએ પાંચ ટકા લેખે વ્યાજે લીધેલા ૧ાા લાખ સામે ૭૫૦૦ લેખે ૩૭૫૦૦ ચુકવી દીધા હતાં. આ મહિને ખેંચ હોઇ વ્યાજ ન ચુકવી શકતાં મિત્રએ રેસ્ટોરન્ટ ખાતે આવી ધમાલ મચાવી હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ વિમલનગર મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ બ્લોક નં. એ-૫૦૩માં રહેતાં દિલીપભાઇ વાઘજીભાઇ ચીખલીયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી વિમલનગરમાં જ હેવલોક હાઇટ્સમાં રહેતાં તેના જ મિત્ર દિપક જાદવભાઇ કાસુન્દ્રા વિરૂધ્ધ વ્યાજખોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દિલીપભાઇ ચીખલીયા પરિવાર સાથે રહે છે અને બી. ટી. સવાણી હોસ્પિટલ નજીક પિતૃકૃપા રેસ્ટોરન્ટ ચલાવે છે. દિલીપભાઇએ જણાવ્યું છે કે મેં છએક મહિના પહેલા મારે પૈસાની જરૂર પડતાં મિત્ર દિપક જાદવ પાસેથી રૂા. ૧,૫૦,૦૦૦ પાંચ ટકા વ્યાજે લીધા હતાં. ત્યારે મારે ધંધો નબળો ચાલતો હોઇ જેથી આ રકમની જરૂરીયાત ઉભી થઇ હતી. મિત્ર દિપકે મને ૧ાા લાખ વ્યાજે દીધા એ વખતે બદલામાં મેં મારા પત્નિ ધરતી ચીખલીયાની સોનાની બે કડલી તેની પાસે ગીરવે મુકી હતી. આ પછી હું દિપકને મહિને ૭૫૦૦ રૂપિયા વ્યાજ ચુકવતો હતો. આ રીતે મેં તેને પાંચ મહિના સુધી વ્યાજ પેટે કુલ ૩૭૫૦૦ ચુકવી દીધા હતાં. દિપક આ વ્યાજની રકમ મારા પિતૃકૃપા રેસ્ટોરન્ટ ખાતે આવીને લઇ જતો હતો. અમે મિત્ર હોઇ આ અંગેનું કોઇ લખાણ કર્યુ નહોતું.
આ પછી તા. ૧/૧૦ના રાતે નવેક વાગ્યે હું મારા રેસ્ટોન્ટ ખાતે હતો ત્યારે દિપક કાર લઇને આવ્યો હતો અને મને તેની પાસે બોલાવી કહેલું કે આ મહિનાના વ્યાજનું શું થયું? મુડીનું શું થયું? જેથી મેં કહેલુ કે હાલમાં મુડીના પૈસા મારાથી દેવાશે નહિ, વ્યાજ આપતો રહીશ. તેમ કહેતાં તેને સારુ ન લાગતાં ઝઘડો કરી બોલાચાલી કરી ગાળો દીધી હતી અને ઉશ્કેરાઇ જઇ કહેલું કે તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળીને મુકી જા. જેથી મેં તેને આવુ ખરાબ બોલવાની ના પાડતાં તેણે કારમાં બેઠા બેઠા જ મને મોઢા, માથામાં ત્રણેક ઢીકા મારી લીધા હતાં અને ઝપાઝપી કરી હતી. આ વખતે લોકો ભેગા થઇ જતાં મને છોડાવ્યો હતો. દિપકને મેં રેસ્ટોરન્ટમાં બેસીને વાત કરીઅ ેતેમ કહેતાં તે અંદર આવ્યો હતો અને ફરીથી બોલાચાલી કરી ઝઘડો કરી જતાં જતાં વ્યાજ અને મુડીના રૂપિયા આપવા જ પડશે નહિ તો જોયા જેવી થશે તેમ કહી જતો રહ્યો હતો. તેમ દિલીપભાઇએ વધુમાં કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. એ. ઝાલાએ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(1:23 PM IST)










