<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

રાહુલ, હેતલ, સાહિલ અને ચાંદનીએ લૂંટના ગુનાને અંજામ આપવા ૨૫૦૦માં બ્રેઝા કાર ભાડે કરી હતી

જામનગર રોડ પર રીયલ પર્લ પાર્ટી પ્‍લોટ ખાતે વૃધ્‍ધને લૂંટી લેવાયાનો ગુનો ગાંધીગ્રામ પોલીસ-એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલ્‍યોઃ ૧૨.૫૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે સાહિલ ત્રણ મહિના પહેલા લગ્નમાં ગયો ત્‍યારે જ આ જગ્‍યાના માલિક વૃધ્‍ધને લૂંટવાનો પ્‍લાન ઘડી લીધો હતોઃ તે અહિ એકલા જ રહેતાં હોવાનું જાણી લીધુ હતું: રાહુલ અને હેતલ લૂંટ કરવા ગયા ત્‍યારે સાહિલ-ચાંદની દૂર ઉભા હતાં: લૂંટેલા ચેઇનનો ભાગ પાડે એ પહેલા પકડાઇ ગયા

પીઆઇ એસ.આર. મેઘાણીના માર્ગદર્શનમાં પીએસઆઇ એમ. વી. જાડેજા, વી. ડી. રાવલીયા, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કામગીરી

રાજકોટતા. ૩: ઘંટેશ્વરમાં રહેતાં વૃધ્‍ધ જામનગર રોડ પર આવેલા પોતાના પાર્ટી પ્‍લોટ ખાતે હતાં ત્‍યારે અજાણ્‍યા શખ્‍સે બે ત્રણ વખત ફોન કરી લગ્ન માટે આ જગ્‍યા ભાડે રાખવી છે તેવી વાત કર્યા બાદ એક શખ્‍સ અને યુવતિએ કાર મારફત આ પાર્ટી પ્‍લોટ ખાતે પહોંચી રૂમ જોયા બાદ ઓફિસમાં વૃધ્‍ધ સાથે વાત કરવાના બહાને જઇ છરી બતાવી મોઢે મુંગો દઇ તેમના ગળામાંથી ૪ લાખની સોનાની માળા લૂંટી ભાગી ગયા હતાં. આ ગુનાનો ભેદ ગાંધીગ્રામ અને એલસીબી ઝોન-૧ પોલીસની ટીમે ઉકેલી  બે મિત્રો અને તેની પરિચીત બે યુવતિને પકડી લઇ કાર, ચેઇન, મોબાઇલ ફોન, છરી મળી ૧૨,૫૦,૦૫૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.  વૃધ્‍ધ પાર્ટી પ્‍લોટમાં એકલા જ હોય છે, તે પ્રતિકાર કરી શકે તેમ નથી તેવું જાણતાં આ ચારેય પ્‍લાન ઘડી બ્રેઝા કાર સેલ્‍ફમાં ભાડે લઇ લૂંટને અંજામ આપ્‍યો હતો. લૂંટેલો ચેઇન વેંચી ભાગ પાડે એ પહેલા પકડી લેવાયા હતાં.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર ઘંટેશ્વર ગામમાં બંસીધર પાન પાસે રહેતાં અને નિવૃત જીવન જીવતાં લાભુભાઇ નરસંગભાઇ હુંબલ (ઉ.વ.૭૧)ની ફરિયાદ પરથી સફેદ રંગની કારમાં આવેલા અજાણ્‍યાસ્ત્રી અને પુરૂષ વિરૂધ્‍ધ લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. વૃધ્‍ધ લાભુભાઇ હુંબલે રાજકોટ-જામનગર હાઇવે પર ગુજરાત ગેસ પંપની પાસે રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્‍લોટ છે ત્‍યાં દરરોજ બેસે છે. તેમને પહેલી તારીખે એક શખ્‍સે ફોન કરી લગ્ન માટે પાર્ટી પ્‍લોટ જોઇએ છે તેવી વાત કરી હતી. પછી પ્‍લાનના ભાગ રૂપે આ શખ્‍સ અને યુવતિએ પહોંચી વૃધ્‍ધને મુંગો દઇ છરી બતાવી ૪ લાખનો ચેઇન લૂંટી લીધો હતો.

આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી અગા ઉ જૂગાર, દારૂ સહિતના ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા રાહુલ ધનજીભાસ ચોૈહાણ (ઉ.વ.૨૨-રહે. નવા થોરાળા-૭/૮)નો ખુણો તથા તેના મિત્ર સાહિલ ભાનુભાઇ વાઘેલા (ઉ.વ.૨૪-રહે. મનહરપુર-૧, કોકાકોલાના ગોડાઉન સામે, જામનગર રોડ), સેનીલા ઉર્ફ હેતલ અનવરભાઇ ઠેબા (ઉ.વ.૧૯-રહે. માધાપર ગામથી આગળ ડિવાઇન સીટી સોસાયટી ભાડેથી, ઇશ્વરીયા ફાટક પહેલા) અને તેની સાથે જ રહેતી ચાંદની ઉર્ફ ચાર્મી રાજેશભાઇ પરમાર (ઉ.વ.૨૫)ને પકડી લઇ ૪ લાખનો ચેઇન, ૮ લાખની જીજે૦૩એનપી-૨૫૬૧ નંબરની બ્રેઝા કાર, ચાર મોબાઇલ ફોન અને છરી કબ્‍જે લીધા છે.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ ત્રણેક મહિના પહેલા સાહિલ પાર્ટી પ્‍લોટમાં મિત્રના લગ્નમાં ગયો ત્‍યારે જોયુ હતું કે આ જગ્‍યાના માલિક વૃધ્‍ધ લાભુભાઇ ઓફિસમાં  એકલા જ બેઠા હોય છે અને પ્રતિકાર કરી શકે તેમ નથી. તે વખતે તેણે આ વૃધ્‍ધનો મોબાઇલ નંબર લઇ લીધો હતો. હાલમાં બધાને પૈસાની જરૂર હોઇ તેમને લૂંટી લેવાનો પ્‍લાન ઘડયો હતો. જેના કાવત્રાના ભાગ રૂપે સાહિલે રૂા. ૨૫૦૦માં  સેલ્‍ફમા ભાડેથી બ્રેઝા કાર ભાડે કરી રાહુલને આપી હતી અને વૃધ્‍ધના નંબર પણ આપ્‍યા હતાં. પ્‍લોટ ભાડે રાખવાની વાત કર્યા બાદ પ્‍લાન મુજબ રાહુલ અને સેનીલા ઉર્ફ હેતલ ત્‍યાં ગયા હતાં. જ્‍યાં રૂમ જોયા બાદ વૃધ્‍ધ ઓફિસમાં એકલા હોઇ રાહુલે છરી કાઢી તેમને મોઢે મુંગો દઇ દીધો હતો અને હેતલે માળા લૂંટી લીધી હતી.

લૂંટ કર્યા બાદ કાર લઇને બંને નીકળી ગયા હતાં અને આગળ સાગ્રીતો સાહીલ અને ચાંદની ઉર્ફ ચાર્મી ઉભા હોઇ તેને કામ પતી ગયું છે કહીને ત્‍યાં પહોંચી સાથે બેસાડી લીધા હતાં. આ ચેઇન વેંચીને ચારેયએ ભાગે પડતાં પૈસા લઇ લેવાનું નક્કી કર્યુ હતું. પરંતુ એ પહેલા પકડી લેવાયા હતાં. બીજા કોઇ ગુના આચર્યા છે કે કેમ? તેની તપાસ માટે રિમાન્‍ડની તજવીજ થશે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ એમ. વી. જાડેજા, વી. ડી. રાવલીયા, હેડકોન્‍સ. રવીભાઇ ગઢવી, રોહીતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, શબ્‍બીરખાન મલેક, કોન્‍સ. પ્રદિપભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, કોન્‍સ. રીનાબેન પરમાર, મીરાલીબેન કપુરીયા, પ્રેક્ષાબેન આહિર અને એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને તેમની ટીમે આ કામગીરી કરી હતી.

(2:54 PM IST)