<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

થોરાળામાં સફાઇ કામદાર કાળુભાઇ પરમારનું હૃદય બેસી જતાં મોતઃ વ્‍યાજ બાબતે ત્રાસ હોવાનો આક્ષેપ

ઉઘરાણી મામલે ફોન પર વાત કરતી વખતે જ છાતીમાં દુઃખાવો ઉપડતાં ગભરાઇને પડી ગયાઃ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની ૫૦ હજાર લીધા તેની સામે ત્રણ લાખનું લખાણ મા-દિકરાએ લઇ સતત વ્‍યાજ વસુલ્‍યું: છેલ્લે તો કાળુભાઇનો પગાર પણ આ બંને લઇ જતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨: શહેરના નવા થોરાળામાં રહેતાં અને વોર્ડ નં. ૧૭માં આરએમસી સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં કાળુભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.૪૫) ફોનમાં વાત કરતાં કરતાં ગભરાઇ ગયા બાદ બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. વ્‍યાજ મામલે એક મા-દિકરો ફોન પર વાત કરી આકરી ઉઘરાણી કરી ધમકાવતાં હોઇ તેના કારણે હાર્ટએટેક આવી ગયાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ કાળુભાઇ પરમાર   ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્‍યે ઘરે જમીને ઉભા થયા બાદ ઘરે બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમને તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવની જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર કાળુભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં ૧૭ અને ૦૫ વર્ષના બે પુત્ર છે.

કાળુભાઇના ભત્રીજા ગણેશભાઇ પરમારે વાતચીતમાં કહ્યું હતું કે મારા કાકા આરએમસી વોર્ડ-૧૭ના સફાઇ કામદાર હતાં. તેમણે દસેક વર્ષ પહેલા એક મા-દિકરા પાસેથી ૫૦ હજાર વ્‍યાજે લીધા હતાં. તેની સામે ૩ લાખનું લખાણ આ લોકોએ લઇ લીધુ હતું. અત્‍યાર સુધીમાં મારા કાકાએ આ બંનેને મસમોટી રકમ વ્‍યાજ સહિત ચુકવી દીધી હતી. આમ છતાં તેઓ વ્‍યાજનું વ્‍યાજ ચડાવીને દર મહિને પૈસા લઇ જતાં હતાં. હવે તો તે મારા કાકાનો પગાર આવે એ રકમ પણ લઇ લેતાં હતાં. બુધવારે બપોરે મારા કાકા જમીને ઉભા થયા ત્‍યાં જ આ મા-દિકરાએ ફોન કરી વ્‍યાજ બાબતે તેમની સાથે ઉગ્ર ભાષામાં વાત કરી હોઇ જેથી તે ગભરાઇ ગયા હતાં અને છાતીમાં દુઃખાવો ચાલુ થઇ ગયા બાદ તેમનું મોત થયું હતું. અમે અંતિમવિધી બાદ આ બાબતે ફરિયાદ દાખલ કરાવશું.

તેમ વધુમાં ગણેશભાઇએ કહ્યું હતું. બનાવથી પરમાર પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. 

(4:30 PM IST)