News of Thursday, 2nd October 2025
સોનીબજારમાંથી ૧ કરોડનું સોનુ ચોરી જનાર બંગાળી કારીગર સહિત ૪ ઝડપાયા : ૮૫ લાખનું સોનુ કબ્જે
દાગીના બનાવવાના કામે રહ્યાની પ્રથમ રાતે જ ‘કળા' કરી હતીઃ શફીફુલ શેખ ઉર્ફ જીન્નોતે ૮ જેટલા રાજ્યોમાં આ રીતે ઠગાઇ કરી છેઃ પંજાબમાં ૫૦૦ ગ્રામ સોનાની છેતરપીંડી કરી હતી : પ્રહલાદ પ્લોટમાં રહેતાં શ્રીહરિ ઓર્નામેન્ટવાળા તરૂણભાઇ પાટડીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે પヘીમ બંગાળના શફીફુલને ચેરાપુંજી-મેઘાલયથી અને કાવત્રામાં સામેલ અન્ય ત્રણને બંગાળ-રાજકોટથી દબોચ્યાઃ પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ બી. આર. સાવલીયાની ટીમની કામગીરીઃ ૧ કરોડનું સોનુ શફીફુલે અડધા ભાવે બંગાળમાં વેંચી નાંખ્યું હતું!

રાજકોટ તા. ૧૬: સોની બજારના વેપારીએ દાગીના બનાવવાના કામ માટે રાખેલો બંગાળી કારીગર નોકરીના પહેલા જ દિવસે રાતના સમયે દૂકાનની ચાવી ચોરી ૧ કરોડથી વધુનું સોનુ લઇ ભાગી ગયો હતો. આ ગુનાનો ભેદ એ-ડિવીઝન પોલીસે ઉકેલી સુત્રધાર બંગાળી શખ્સને ચેરાપુંજી-મેઘાલયથી પકડી લીધો છે. તેમજ કાવત્રામાં સામેલ અન્ય ત્રણ બંગાળી શખસોને પણ બંગાળ, રાજકોટથી પકડી ૮૫ હજારનું સોનુ કબ્જે કરી રિમાન્ડ મેળવી વિશેષ તપાસ હાથ ધરી છે. સુત્રધાર દેશના અલગ અલગ ૭ થી ૮ રાજ્યોમાં આ પ્રકારે ઠગાઇ આચરી ચુક્યો છે. પંજાબમાં તેની સામે ૫૦૦ ગ્રામ સોનાની ઠગાઇનો ગુનો નોંધાયેલો છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્લોટ શેરી નં. ૨૫, દિગ્વીજય રોડ પર રહેતાં તરૂણભાઇ કનૈયાલાલ પાટડીયા (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી મુળ પヘીમ બંગાળના શફીફુલ શેખ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટના ગયા મે મહિનામાં બની હતી. પરંતુ જે તે વખતે વેપારીએ જુના બંગાળી કારીગર થકી આ શફીફુલને કામે રાખ્યો હોઇ જુના કારીગરે પોતે એક જ ગામના હોઇ શફીફુલને શોધી કાઢશે, સોનુ પાછુ અપાવી દેશે તેવો વિશ્વાસ આપ્યો હોઇ વેપારીએ અત્યાર સુધી રાહ જોઇ હતી. પરંતુ શફીફુલ ન મળતાં અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી.
વેપારી તરૂણભાઇ પાટડીયા સોની બજાર ગોલ્ડન માર્કેટ પાસે શ્રી હરિ ઓર્નામેન્ટ નામની સોનાના દાગીનાની દુકાન ચલાવે છે. સોની બજારમાં આર. એચ. જ્વેલર્સની પાછળ ગોલ્ડન માર્કેટવાળી શેરીમાં પહેલા માળે તેમની માલિકીની જગ્યામાં કારીગરો દાગીના બનાવવાનું કામ કરે છે. જાહીદ મલિક ઉર્ફ રાજ તેના પરિચિત પヘીમ બંગાળના શફીફુલ શેખને લઇને આવ્યો હતો, તેને અમારે ત્યાં કામે રહેવું હોઇ તેવી વાત કરતાં તેની પાસે આધારકાર્ડ માંગ્યું હતું. આ પછી શફીફુલે પોતે આવતીકાલે આધારકાર્ડ આપશે તેમ કહ્યું હતું. ત્યારબાદ શફીફુલ જુના કારીગર જાહિદ ઉર્ફ રાજ સાથે કામ કરવા બેસી ગયો હતો.
બીજા દિવસે સવારે દસેક વાગ્યે જુના કારીગર રાજે જાણ કરી હતી કે રાતે દુકાન બંધ કરી તાળુ મારીને રામનાથપરા-૪માં રૂમ પર બધા સુવા ગયા ત્યારે રાતે કોઇપણ સમયે કારીગર શફીફુલ દુકાનની ચાવી લઇ કોઇને કહ્યા વગર કામના સ્થળે જઇ તાળા ખોલી દુકાનમાંથી દાગીના બનાવવા માટે રખાયેલુ ૧૩૪૯.૩૩૦ ગ્રામ ૧૮ કેરેટનું સોનુ કિંમત રૂા. ૧,૦૧,૦૯,૮૫૫નું લઇને ભાગી ગયો હતો. તેમ વધુમાં તરૂણભાઇ પાટડીયાએ જણાવતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ બી. આર. સાવલીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસ માહિતીને આધારે બંગાળ પહોંચી હતી. પરંતુ શફીફુલ શેખ ઉર્ફ જીન્નોત ત્યાંથી ભાગી નીકળ્યો હતો. વધુ તપાસમાં તે મેઘાલય-ચેરાપુંજી ખાતે હોવાની માહિતી મળતાં ત્યાંથી સકંજામાં લીધો હતો. તેણે ચોરેલુ એક કરોડનું સોનુ બંગાળમાં અડધા ભાવે વેંચી માર્યુ હોવાનું કબુલતાં પોલીસે આ સોનુ કબ્જે કર્યુ હતું.
વધુ તપાસમાં શફીફુલ સાથે આ કાવત્રામાં અન્ય ત્રણ બંગાલી કારીગરો હુગલી બોલાગરનો સહાજન જલીલ મંડલ (ઉ.વ.૩૭), પીન્ટુ ઇર્શાદઅલી શેખ (ઉ.વ.૪૦-રહે. હાલ સોની બજાર બોઘાણી શેરી) અને હુગલી દેવપરાનો જાફર હુશેનભાઇ શેખ (ઉ.વ.૩૨) પણ સામેલ હોવાનું ખુલતાં આ ત્રણેયને પણ પકડી લઇ કુલ ૮૫ લાખનું સોનુ ૧૦૭૬.૯૯ ગ્રામ કબ્જે કર્યુ છે. સુત્રધાર શફીફુલ ઉર્ફ જન્નોતે દેશના ૭-૮ રાજ્યોમાં પણ આ પ્રકારે સોનાની ઠગાઇ આચરી હોવાનું ખુલ્યું છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી.જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ બી.આર. સાવલીયા, એએસઆઇ એમ. બી. જાડેજા, હેડકોન્સ. સંજયભાઇ ચોૈહાણ, કોન્સ. પ્રકાશભાઇ મોતીભાઇ, જયરાજભાઇ કોટીલા, જીલુભાઇ ગરચર, તુલસીભાઇ ચુડાસમા સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૧૦)
(2:46 PM IST)










