તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
રાજકોટમાં આજે વરસાદની પુરી શક્યતાઃ અમુક ઠેકાણે એકાદ ઇંચ પાણી પડશે
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડઃ હવામાન નિષ્ણાત રમેશ બસિયા

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારાઃ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં રચાયેલી વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ્સ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠેથી દૂર ગતિ કરી રહી છે, પરંતુ આગામી ૨૪ કલાક સુધી તેની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને, મોરબી અને રાજકોટ જિલ્લામાં આજે ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત રમેશ બસિયા, નાના ખીજડીયા, ટંકારાએ જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં આજે એકાદ ઈચ જેટલો વરસાદ પડશે તથા નવલખી, માળિયા, આમરણ મોરબી ના કેટલાક વિસ્તારોમાં ૨૫ મીમી જેટલો વરસાદ નોંધાઈ શકે છે. આવતી કાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, પરંતુ ૫ ઓક્ટોબરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આનું કારણ બંગાળની ખાડીમાં રચાયેલી એક મજબૂત હવામાન સિસ્ટમ છે, જે ઉત્તર ભારત તરફ ગતિ કરશે. જોકે, આ સિસ્ટમ્સની ગુજરાત પર સીધી અસર નહીં થાય. આ ઉપરાંત, ૫ કે ૬ ઓક્ટોબરની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થશે, જેનો ટ્રફ અરબી સમુદ્ર સુધી લંબાશે. આ સાથે, હાલની અરબી સમુદ્રની સિસ્ટમ્સ નબળી પડી ગઈ હશે, પરંતુ તે ફરીથી ગુજરાતની નજીક આવી શકે છે.
આ બધી હવામાન પરિસ્થિતિઓને કારણે ૫થી ૮ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જોકે, હવામાનની આગાહીમાં ફેરફારની શક્યતાને ધ્યાનમાં રાખીને, ૫ ઓક્ટોબરે ફરીથી અપડેટ આપવામાં આવશે.
(11:35 AM IST)










