<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ડામર-પેચવર્કના કામમાં વરસાદ બન્‍યો વીલન

આવતીકાલથી રાજમાર્ગોને પુરજોશમાં ટનાટન બનાવવાની કામગીરી

રાજકોટ તા.૩૦: શહેરના મોટાભાગના વિસ્‍તારમાં પાણીની ડીઆઇ પાઇપલાઇનના કામ માટે રોડનું ખોદકામ કરવામાં આવ્‍યું હોવાથી ચોમાસાની સિઝનમાં રાજકોટના રાજમાર્ગોની દશા અતિશય ખરાબ થઇ જવા પામી છે. ગત સપ્તાહે વરસાદે સંપૂર્ણ વિરામ લેતા પેચવર્કના કામો જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્‍યા હતા.

થોડા દિવસ પહેલા ૧-ઓક્‍ટોબરથી શહેરભરમાં પૂરજોશમાં ડામર એક્‍શન પ્‍લાનના કામ શરૂ કરવાની ઘોષણા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે ડામર અને પેચવર્કના કામ અટકાવી દેવાની ફરજ પડી છે.

એક્‍શન પ્‍લાન પર ડામરમાં ભેજ હોવાના કારણે કામો શરૂ થઇ શકે તેવી સ્‍થિતિ હાલ દેખાતી નથી. શહેરભરના રાજમાર્ગોની સ્‍થિતિ ખૂબ જ ખરાબ થઇ જવા પામી છે. ફરી રસ્‍તાઓ ટનાટન બનાવવા માટે ત્રણેય ઝોન માટે ડામર એક્‍શન પ્‍લાન મંજૂર કરી દેવામાં આવ્‍યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ પણ સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા મંજૂર કરી દેવામાં આવ્‍યો છે.

ઉપરાંત છેલ્લા ઘણા દિવસોથી ખાડા બૂરવા માટે પેચવર્કના કામો ચાલી રહ્યા છે. ગરબી ચોક પર ડામર કરી દેવામાં આવ્‍યા છે. કેટલાક વિસ્‍તારમાં એક્‍શન પ્‍લાનના કામ પણ શરૂ થઇ ગયા છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે ફરી ત્રણેય ઝોનમાં ડામર કામ અને પેચવર્કના કામો અટકાવી દેવાની ફરજ પડી છે.

આવતીકાલ એટલે કે ૧-ઓક્‍ટોબરથી શહેર ભરમાં પૂરજોશમાં ડામરના કામ શરૂ કરવાની જાહેરાત કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તેમાં વરસાદ વેરી બન્‍યો છે. છેલ્લા ત્રણ દિવસથી રોડ રિપેરીંગના કામ અટકાવી દેવામાં આવ્‍યા છે. બીજી તરફ ડામર પ્‍લાન પર ભેજનું પ્રમાણ વધુ ગયું હોવાના કારણે હવે જ્‍યારે સંપૂર્ણપણે ભેજ સુકાશે ત્‍યારબાદ જ ડામર કામ કરી શકાય તેવી સ્‍થિતિ સર્જાય છે.

તેવામાં આવતીકાલથી ડામરના કામ શરૂ થાય તેવું હાલ દેખાતું નથી. દિવાળીના તહેવાર સુધીમાં તમામ રોડ ફરી ડામરથી મઢી દેવાની જાહેરાત કરાય હતી. પરંતુ વરસાદ વેરી બનતા હવે શહેરીજનોએ બિસ્‍માર રસ્‍તાઓ હજુ સહન કરવા પડે તેવું લાગી રહ્યું છે.

(3:22 PM IST)