<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

બગસરાના દેવાંગભાઇ ધકાણના રાજકોટના ફલેટમાં ફર્નિચરના કારીગર સુનિલે પત્‍નિ સાથે મળી તોડફોડ

ડુપ્‍લીકેટ ચાવીનો ઉપયોગ કરી તાળા ખોલી નાંખ્‍યાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો ;યુવાને રેલનગરના સુનિલન પોતાના ફલેટનું ફર્નિચર બનાવવા ૧.૭૦ લાખમાં કામ આપ્‍યું હતું: પણ કામ જામે એવુ ન હોઇ ૬૦ હજાર બાકી રાખી દઇ કામ બંધ કરાવી દીધું હતું: ખાર રાખી મોડી રાતે ફલેટમાં આવી તોડફોડ કરીઃ પતિ-પત્‍નિ સીસીટીવીમાં કેમેરામાં દેખાયા

રાજકોટ તા. ૩૦: મુળ બગસરાના વતની અને હાલ નાણાવટી ચોક પાછળ ફલેટમાં એકલા રહી પેલેસ રોડ પર સોની કામ કરતાં યુવાનના ફલેટની ડુપ્‍લીકેટ ચાવી બનાવી ફર્નિચરનું કામ કરતાં રેલનગરના શખ્‍સે પોતાની પત્‍નિ સાથે ફલેટમાં ઘુસી જઇ ફર્નિચરમાં તોડફોડ કરી નુકસાન કરતાં ચકચાર જાગી છે. સોની યુવાને આ કારીગર પાસે ૧,૭૦,૦૦૦માં ઘરનું ફર્નિચર બનાવડાવ્‍યું હોઇ પણ કામ સંતોષકારક ન  થયું હોઇ ૧,૧૦,૦૦૦ ચુકવી બાકીની રકમ  ન આપી કામ મુકાવી દેતાં આ બાબતનો ખાર રાખી ફર્નિચરના કારીગરે પત્‍નિ સાથે મળી આ ગુનો આચર્યો હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી સામે આવ્‍યું હતું.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે નાણાવટી ચોક સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ પાછળ ટાયટેનીયમ વન વીંગ એ-૮, ફલેટ નં. ૯૦૨માં રહેતાં દેવાંગભાઇ અરવિંદભાઇ ધકાણ (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી રેલનગરમાં રહેતાં સુનિલ સોલંકી અને તેની પત્‍નિ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. દેવાંગભાઇએ પેલેસ રોડ પર આવેલ રાજ પ્‍લાઝા કોમ્‍પલેક્ષમાં ક્રિષ્‍ના ગોલ્‍ડ નામની દુકાનમાં સોની કામ કરે છે. તેણે જણાવ્‍યું હતું કે હું હાલ છએક મહિનાથી રાજકોટ ટાયટેનીયમ ફલેટમાં એકલો રહુ છું. મારા માતા-પિતા બગસરા ખાતે રહે છે. આજથી દોઢેક મહિના પહેલા મારે મારા ફલેટમાં ફર્નિચર કામ કરાવવાનું હોઇ જેથી મેં જાહેરાતના આધારે સુનિલ સોલંકી નામના વ્‍યક્‍તિનો સંપર્ક કર્યો હતો. તેની સાથે વાતચીત કરી મારે ફલેટમાં ટીવી યુનિટ, સેફટી ડોર, કિચન, કબાટ, બૂટ રાખવાનું સ્‍ટેન્‍ડ એમ અલગ અલગ ફર્નિચર બનાવવાનું છે તેમ જણાવ્‍યું હતું.

આ પછી સુનિલે માલ-મજૂરી સાથે રૂા. ૧,૭૦,૦૦૦માં આ કામ થશે તેવું કહ્યું હતું. બાદમાં એક મહિના સુધી સુનિલ સોલંકી અને તેની પત્‍નિ જેનું નામ મને આવડતું નથી તે કામ કરવા આવ્‍યા હતાં. આ લોકો કામે આવતાં હોઇ જેથી વધારાની એક ચાવી મેં તેને આપી હતી. એકાદ મહિના સુધી ફર્નિચરનું કામ ચાલ્‍યું હોઇ મેં સુનિલને કટકે કટકે ગૂગલપેથી ૧,૧૦,૦૦૦ ચુકવી દીધા હતાં.  પરંતુ કામ સંતોષકારક થયું ન હોઇ જેથી મેં ઉપરના પૈસા સુનિલને ચુકવ્‍યા નહોતાં. આથી તેણે મારા વિરૂધ્‍ધ પોલીસ સ્‍ટેશનમાં અરજી કકરી હતી. પણ ૨૮/૮/૨૫ના રોજ આ અરજી મામલે અમે ઘરમેળે સમાધાન કરી લીધુ હતું. જે મુજબ બાકીનું કામ સુનિલને કરવાનું નથી અને મારે તેને હવે કોઇ પૈસા આપવાના નથી તેવુ સમાધાન થયું હતું.

આ પછી સુનિલ ત્‍યારે જતો રહ્યો હતો. પણ મારા ફલેટની ઓક ચાવી તેની પાસે હોઇ મેં પાછી માંગતા બે ત્રણ કલાક પછી તે ચાવી આપવા આવ્‍યો હતો. ત્‍યારે સાથે તેની પત્‍નિ પણ હતી. આ વખતે સુનિલે મારા હાથમાં ચાવી આપી કહ્યું હતું કે-મારા પૈસા નહિ આપ તો તારા ફલેટનું ફર્નિચર તોડી નાંખીશ, તું જ્‍યારે રાજકોટ આવીશ ત્‍યારે તને મારી નાંખીશ. તું રાજકોટમાં આવી જો કહી ધમકી આપી હતી. આ પછી મારા ઘરનું ઇલેક્‍ટ્રીક કામ ચાલુ હોઇ હું તેમાં વ્‍યસ્‍ત હોઇ  ફરિયાદ કરી નહોતી અને બાદમાં બગસરા મારા વતન જતો રહ્યો હતો. ત્‍યારબાદ તા. ૧/૯ના રોજ સવારે દસેક વાગ્‍યે હું રાજકોટ આવ્‍યો હતો અને મારા ફલેટ ખાતે આવીને જોતાં અંદર ફર્ર્નિચરમાં તોડફોડ થયેલી જણાઇ હતી.

મેં જે ફર્નિચર કામ કર્યુ હતું તેમાં આ તોડફોડ થઇ હતી. સીસીટીવી કેમેરા ચેક કરતાં ૨૮/૮ની રાતે ૧૨:૩૪ક લાકે સુનિલ અને તેની પત્‍નિ આવતાં જતાં  દેખાયા હતાં. આ બંનેએ મારા ફલેટની ડુપ્‍લીકેટ ચાવી બનાવી પોતાને કામ પેટે પુરા પૈસા ન મળ્‍યાનો ખાર રાખી ફર્નિચરમાં તોડફોડ કરી ૧,૭૦,૦૦૦નું નુકસાન કર્યુ હતું. તેમ વધુમાં દેવાંગભાઇએ કહેતાં યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:21 PM IST)