તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th September 2025
‘હું પણ વીઆઇપી પાસ લઇને આવ્યો છું' કહી વિડીયો ઉતાર્યો પછી છરી કાઢી મહેકગીરીએ આડેધડ ફેરવીઃ ત્રણ ઘવાયા
રાજકોટમાં કણકોટ રોડ પરસાણા ચોકમાં રાતે ઘટનાઃ કપલ પાસ લઇને વીઆઇપી બેઠકની આગલી હરોળમાં બેઠુ હોઇ કમિટી મેમ્બરે બીજા મહેમાન આવતાં હોઇ પાછળ બેસવા વિનંતી કરતાં શખ્સે ઉશ્કેરાઇ જઇ છરી કાઢી તૂટી પડયોઃ કાર્યકરોએ પકડી લીધો : પંદર વર્ષથી કમિટી મેમ્બર તરીકે સેવા આપતાં મોૈલિકભાઇ સાવલીયા, સ્વ. પોપટભાઇ સોરઠીયાના પોૈત્ર હરેશભાઇ સોરઠીયા અને અશોકભાઇ ફળદુને ઇજાઓ થતાં સારવાર હેઠળઃ તાલુકા પોલીસે મોૈલિકભાઇની ફરિયાદ પરથી લાઇટ હાઉસમાં રહેતાં જ્વેલર્સ શો રૂમ સંચાલકના પુર્વ ડ્રાઇવર મહેકગીરી જગદીશગીરી ગોસ્વામીની ધરપકડ કરી

રાજકોટના ખોડલધામ નોર્થ રાસોત્સવમાં ધમાલ : ફરિયાદ દાખલ કરી આરોપીને હસ્તગત કરી લેવાયો છેઃ એસીપી બી. જે. ચોૈધરી : હુમલામાં ઘાયલ થયેલા કમિટી મેમ્બર અશોકભાઇ ફળદુ, હરેશભાઇ સોરઠીયા અને મોૈલિકભાઇ સાવલીયા
રાજકોટ તા. ૨૯: શહરેના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર પરસાણા ચોક ખાતે યોજાયેલા ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવ ખાતે રાતે સાડા દસેક વાગ્યે વીઆઇપી પાસ લઇને આવેલો શખ્સ વીઆઇપી બેઠક વ્યવસ્થાની પહેલી જ લાઇનમાં બેઠો હોઇ બીજા મહેમાન આવવાના હોઇ જેથી કમિટી મેમ્બર્સ દ્વારા વ્યવસ્થાના ભાગ રૂપે આ શખ્સને ઉભા થઇ પાછળની હરોળમાં જવાનું કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ કમિટીના સભ્યો સાથે ગાળાગાળી ચાલુ કરી દઇ ‘હું પણ વીઆઇપી પાસ લઇને બેઠો છું' કહી ધમાલ મચાવી મોબાઇલ ફોનથી વિડીયો શુટીંગ ચાલુ કરી દેતાં કમિટીના સભ્યોએ તેને અટકાવતાં વધુ ઉશ્કેરાઇ જઇ પેન્ટના નેફામાંથી છરી કાઢી આડેધડ ફેરવવા માંડતા ત્રણ કમિટી મેમ્બરને ગળા, છાતી, હાથ, કાન, હાથના અંગુઠા, ખભામાં ઇજાઓ થતાં દેકારો મચી ગયો હતો. આ શખ્સને પકડી લઇ તાલુકા પોલીસને સોંપાયો હતો. બનાવને પગલે ડીસીપી, એસીપી પણ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને કડક કાર્યવાહી કરાવી હતી. ઘાયલ થયેલા ત્રણેય મેમ્બરને સારવાર માટે દાખલ કરાયા હતાં.
જાણવા મળ્યા મુજબ ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવમાં સ્પોન્સરના પાસ પર એન્ટ્રી લઇ વીઆઇપી બેઠકમાં પહેલી જ હરોળમાં એક શખ્સ બેસી ગયો હોઇ બીજા મહેમાન આવતાં હોઇ કમિટી મેમ્બર્સ દ્વારા પાછળની હરોળમાં બેસી જવા વિનંતી કરતાં તે એકાએક ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળાગાળી કરી મોબાઇલથી શુટીંગ ચાલુ કરી દેતાં તેને શુટીંગ ઉતારવાની કમિટી મેમ્બરે ના કહેતાં તેણે વધુ ઉશ્કેરાઇ જઇ નેફામાંથી છરી કાઢી આડેધડ હુલાવતાં તેમાં કમિટી મેમ્બર મોૈલિકભાઇ જયેશભાઇ પરસાણા (ઉ.વ.૩૬), હરેશભાઇ લલીતભાઇ સોરઠીયા (ઉ.વ.૪૩) (જે સ્વ. ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાના પોૈત્ર છે) તથા અશોકભાઇ રત્નાભાઇ ફળદુ (ઉ.વ.૩૮)ને ઇજાઓ થતાં દેકારો મચી ગયો હતો. બીજા કમિટી મેમ્બર્સ પણ એકઠા થઇ ગયા હતાં અને હુમલાખોરને ઝડપી લઇ તાલુકા પોલીસને સોંપ્યો હતો.
ઘાયલ થયેલા ત્રણ કમિટી મેમ્બર્સને સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરી તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ કે. એચ. કારેણા, પીએસઆઇ બી.આર. ભરવાડ સહિતે ફરિયાદ નોંધવા તજવીજ કરી આરોપીને સકંજામાં લઇ પુછતાછ કરી હતી.
આ બનાવમાં તાલુકા પોલીસે અમીન માર્ગ જલારામ હોસ્પિટલ પાછળ જાનવી એપાર્ટમેનટ ફલેટ નં. ૨માં રહેતાં મોૈલિકભાઇ જયેશભાઇ પરસાણા (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી (ઉ.વ.૨૩-રહે. રૈયા લાઇટ હાઉસ, બ્લોક નં. ૫, પાંચમો માળ, રૂમ નં. ૫૦૬) વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.
મોૈલિકભાઇ પરસાણાએ જણાવ્યું છે કે હું મારા પરિવાર સાથે રહું છું અને કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા ગામે રીનાઉન ઇન્ડસ્ટ્રીઝ નામથી ફેક્ટરી ધરાવી વેપાર ધંધો કરુ છું. મારા પત્નિનુ નામ નિરાલીબેન છે અને મારે સંતાનને દીકરી વિહા તથા એક દીકરો મહર્થ છે. માતાનું નામ વર્ષાબેન છે અને મારા પિતા અવસાન પામેલ છે. હું ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવમાં છેલ્લા ૧૫ વર્ષથી કમિટી મેમ્બર તરીકે સેવા આપુ છું.
સોમવારે ૨૯/૦૯/૨૦૨૫ ના રાત્રીના સાડા નવેક વાગ્યાથી ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવ કે જે કણકોટ રોડ પરસાણા ચોક ખાતે થાય છે ત્યાં હાજર હતો. હું તથા બીજા સભ્યો આ નવરાત્રી મહોત્સવમાં કમિટી મેમ્બર તરીકે વ્યવસ્થામાં હાજર હતાં. મારી સાથે અન્ય કમિટી મેમ્બર હરેશભાઈ રમેશભાઈ સોરઠીયા, અશોકભાઈ રત્નાભાઈ ફળદ, જયેશભાઈ ખુંટ, વિજયભાઈ ફળદ, શૈલેષભાઈ પરસાણા, નિલદીપભાઈ તળાવીયા તથા જયેશભાઈ દુધાત્રા પણ વ્યવસ્થાના ભાગરૂપે હાજર હતા. દરમિયાન સાડા દસેક વાગ્યાના અરસામાં નવરાત્રીનો મહોત્સવ ચાલુ હતો ત્યારે વીઆઇપી બેઠક વ્યવસ્થામાં બધા માણસો પોત પોતાના પરિવાર સાથે બેસીને નવરાત્રી મહોત્સવ નિહાળી રહ્યા હતાં.
આ દરમિયાન નવરાત્રી મહોત્સવ નિહાળવા માટે અમારા આમંત્રિત સ્પેશિયલ મહેમાન પધારતાં બેઠક વ્યવસ્થા ના આગળના ભાગે આવેલ આમંત્રિત મહેમાનની સીટ ઉપર એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે બેસેલ હોઇ જેથી અમારી કમિટીના કન્વીનર ચેતનભાઈ સગપરિયા તથા નીલદીપભાઈ તળાવિયાએ આ આમંત્રિત મહેમાનની સીટ પર બેસેલ વ્યક્તિને ત્યાંથી ઊભા થઈ પાછળની સીટમાં જતું રહેવા જણાવ્યું હતું. આથી તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયેલ અને કહેવા લાગેલ કે હું પણ વીઆઇપી પાસ લઈને બેઠો છું તમે મને અહીંથી ઉભો કેમ કરી શકો? તેમ કહી બહુ જ અભદ્ર ભાષામાં ગાળો બોલવા લાગેલ. જેથી અમો બધા કમિટી મેમ્બર દ્વારા તેને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે કોઇની વાત માની નહોતી અને મોબાઈલ ફોન કાઢી વિડીયો શુટીંગ ઉતારવા લાગ્યો હતો.
જેથી અમોએ તેને વિડીયો શુટીંગ નહીં ઉતારવાનું કહેતા અને અમારામાંથી કોઈએ તેને વિડીયો શુટીંગ ઉતારતા અટકાવવા પ્રયાસ કરતા તે વધુ ઉશ્કેરાઈ ગયેલ અને પોતે પહેરેલ પેન્ટના નેફામાંથી એક સ્ટીલની છરી કાઢી જેમ ફાવે તેમ ફેરવવા લાગ્યો હતો. જેથી અમો તેને રોકવા જતા તેણે મને મારા જમણા હાથના બાવળાના ભાગે તથા જમણી સાઈડમાં છાતીથી નીચેના ભાગે તથા ડાબા હાથના બગલના ભાગે છરીના ઘા મારી દીધેલ તેમજ મારી સાથેના કમિટી મેમ્બર અશોકભાઈ રત્નાભાઇ ફળદુને જમણા કાન ઉપર તથા ડાભા હાથના અંગુઠામાં તેમજ હરેશભાઈ રમેશભાઈ સોરઠીયાને જમણા ખંભાના ભાગે તથા ડાબા હાથની કોણીની નીચેના ભાગે છરી વડે ઇજાઓ કરી હતી. તે દરમિયાન મને તથા મારી સાથેના ઉપરોક્ત બંનેને ઇજાઓ થતાં અને લોહી નીકળવા લાગતા અમારી નવરાત્રીમાં વ્યવસ્થા ના ભાગરૂપે એક એમ્બ્યુલન્સ મેડિકલ ટીમ સાથે હાજર રહેતી હોઇ તે એમ્બ્યુલન્સ આવી જતા અમો ત્રણેય ઈજા પામનારને એમ્બ્યુલન્સમાં અમારી કમિટી મેમ્બર શૈલેષભાઈ પરસાણા તથા વિજયભાઈ ફળદુએ લઇ અહીં સિનર્જી હોસ્પિટલમાં લાવી ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતાં.
અહિ ડોક્ટરે મારી સારવાર કરી મારા જમણા હાથના બાવડાના ભાગે થયેલ ઇજા ઉપર પાંચ ટાકા, છાતીના નીચેના ભાગે, બે ટાંકા અને ડાબી બાજુના બગલના ભાગે બે ટાકા લીધેલ છે. હું સંપૂર્ણ ભાનમાં છું. મારી સાથે મારામારી કરનારનું નામ મહેકગીરી ગોસ્વામી હોવાનું મને પાછળથી જાણવા મળ્યું હતું. પોલીસ સુત્રોના કહેવા મુજબ મહેકગીરી જગદીશીગીરી ગોસ્વામી કણકોટ નજીક લાઇટ હાઉસમાં રહે છે અને રાધીકા જ્વેલર્સમાં ડ્રાઇવર તરીકે અગાઉ નોકરી કરતો હતો. હાલ તેનો ભાઇ અહિ કામ કરે છે. ભાઇ પાસેથી વીઆઇપી પાસ લઇને તે આવ્યો હતો. આ બનાવે શહેરભરમાં ચર્ચા જગાવી દીધી હતી.
(3:06 PM IST)










