તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
૨૦૦ રૂપિયાના ડખ્ખામાં સંત કબીર રોડ પર કરણ, તેના પિતા અને કાકા પર હુમલો
કરણે વચ્ચે રહી ૨૦૦ રૂપિયા મિત્રને અપાવ્યા તેની સામે ૩૦૦૦ આપી દીધા પછી ૧૫ હજાર માંગી ડખ્ખો કરાયો : મિત્ર વિજય વકાતર, કાનો અને અજીતે ધોકા-પાઇપથી ફટકાર્યાઃ હવે ૪૦ લાખ લેવાના થાય છે કહી ડખ્ખો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૭: રૂપિયાની લેતીદેતી મામલે ભગીરથ સોસાયટીના યુવાન, તેના પિતા અને કાકા પર યુવાનના જ બે મિત્રો સહિત ત્રણ જણાએ ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં આ યુવાનના પિતાનો હાથ ભાંગી ગયો હતો. રૂા. ૨૦૦ આ યુવાને અન્ય મિત્રને વચ્ચે રહી આપ્યા હોઇ તેની સામે ૩ હજાર આપી દીધા હોઇ છતાં હવે તેના ૧૫ હજાર વ્યાજ સાથે માંગી બાદમાં માથાકુટ કરી હવે તો ૪૦ લાખ લેવાના થાય છે તેમ કહી આ હુમલો કરાયો હતો.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી-૧/૧૦ના ખુણે રહેતાં રામજીભાઇ ખેંગારભાઇ મુંધવા (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી સંતકબીર રોડ ગોકુલનગર આવાસની પાછળ રહેતાં વિજય ગેલાભાઇ વકાતર, અજીત જાદવભાઇ સાનીયા અને કાનો કરણભાઇ કારેઠા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
રામજીભાઇ મુંધવાએ જણાવ્યું છે કે હું છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવુ છું. તા. ૨૫/૯ના રાતે હું અને મારો દિકરો કરણ તથા મારો નાનો ભાઇ લક્ષમણ ઉર્ફ નાનકો ખેંગારભાઇ મુંધવા આડા પેડક રોડ પર દુર્ગા હોટલ પાસ ેચોકમાં ઉભા હતાં. ત્યારે મારા દિકરા કરણના મિત્રો વિજય વકાતર, અજીત સાનીયા અને કાનો આવ્યા હતાં. આ વખતે વિજયના હાથમાં લોખંડનો પાઇપ હતો અને અજીત પાસે ધોકો હતો. આ બંનેને મેં કરણના પૈસાની શું મેટર હતી? તે હોય તે પતાવી દો તેમ કહેતાં વિજયએ તમે એને જ પુછી લેજો, હવે તો ૪૦ લાખ લેવાના છે. જેથી મેં આ બાબતે ચર્ચા કરવાનું અને સમાધાન કરવાનું કહેતાં મને તથા મારા દિકરા અને ભાઇને વિજયે ગાળો દીધી હતી.
તેને ગાળો બોલવાની ના પાડતાં વિજયએ ઉશ્કેરાઇ જઇ પાઇપનો ઘા મને ડાબા હાથે મારી દીધો હતો. મારો ભાઇ નાનકો વચ્ચે પડતાં તેણે પણ ડાબા હાથે ઘા મારતાં કોણીમાં ઇજા થઇ હતી. અજીતે નાનકાને પેડુના ભાગે ધોકાનો ઘા પણ મારી લીધો હતો. મારો દિકરો કરણ વચ્ચે પડતાં તેને પણ અજીતે ધોકાથી ફટકાર્યા હતો. આ પછી અમને ઢીકાપાટુ મારી ગાળ ોદીધી હતી. માણસો ભેગા થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં.
આ બનાવનું કારણ એ છે કે દોઢેક મહિના પહેલા મારો દિકરો કરણ તેના મિત્રો વિજય, અજીત સાથે દ્વારકાધીશ હોટલ મોમાઇ ડેરી સામે બેઠા હતાં ત્યારે વિજયે પાસે મિત્ર કેવલે રૂા.૨૦૦ માંગતા મારા દિકરા કરણને વિજયએ રૂા. ૨૦૦ આપીને તું તારી બાજુમાં બેસેલા આપણા મિત્ર કેવલને આ લંબાવી દે મારે તેને આપવાના છે તેમ કહેતાં મારા દિકરાએ આ રૂપિયા કેવલને લંબાવી દીધા હતાં. આ પછી આ ત્રણેય જણાએ મારા દિકરા કરણ પાસે રૂા. ૨૦૦ના વ્યાજ પેટે ૧૫ હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેથી કરણે મારા નાના ભાઇને આની વાત કરી હતી. આ કારણે કરણ અને મિત્ર વિજય સાથે બોલાચાલી થઇ હતી.
દરમિયાન હું, કરણ અને મારો નાનો ભાઇ લક્ષમણ પેડક રોડ પર ૨૫મીએ રાતે ઉભા હતાં ત્યારે વિજય, અજીત, કાનો આવતાં અમે મારા દિકરાની પૈસાની મેટર પુરી કરી દેવા કહેતાં કરણે હવે તો ચાલીસ લાખ આપવા પડશે કહી હુમલો કર્યો હતો. જેમાંમારા હાથમાં ફ્રેકચર થઇ ગયુ હતું. મારા દિકરાએ ૨૦૦ રૂપિયા સામે ત્રણ હજાર ઓનલાઇન આપી દીધા હતાં. આમ છતાં વિજય સહિતના વધુ પૈસા માંગી હેરાન કરતાં હોઇ સમાધાન કરવાનું કહેતાં અમારા પર હુમલો કર્યો હતો. તેમ વધુમાં રામજીભાઇએ કહેતાં બી-ડીવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં એએસઆઇ કે. વી. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:12 PM IST)










