<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

બાઇક ડિવાઇડરમાં અથડાતાં ગરબી જોવા નીકળેલા ૧૮ અને ૨૦ વર્ષના મિત્રો મિહીર-મોહિતના મોત

કોઠારીયા રોડ નંદા હોલ નજીક મોડી રાતે જીવલેણ અકસ્‍માતઃ બે પરિવારે કંધોતર ગુમાવ્‍યા : મિહીર બાઇક હંકારતો હતો અને મોહિત પાછળ બેઠો હતોઃ મિહીર માતા-પિતાનો એકનો એક દિકરો હતોઃ મોહિત બે બહેનનો એક જ ભાઇ હતોઃ બંને આજુ-બાજુમાં રહેતાં હતાં: ગોસાઇ અને ટાંક પરિવારમાં કાળો કલ્‍પાંત

 

 

વાહન અકસ્‍માતમાં મૃત્‍યુ પામનાર બંને મિત્રો મિહીર ગોસાઇ અને મોહિત ટાંકનો ફાઇલ ફોટો તથા મોહિત સારવારમાં હતો ત્‍યારની તસ્‍વીર

રાજકોટ તા. ૨૬: ગરબી જોવા નીકળ્‍યા બાદ અકસ્‍માતમાં મૃત્‍યુની સતત બીજી ઘટના બની છે. પરમ દિવસે આણંદપર બાઘી નજીક બાઇક સ્‍લીપ થતાં કોઠારીયાના પંદર વર્ષના સગીરનું મોત થયું હતું. તે ગરબી જોવા નીકળ્‍યા બાદ આ ઘટના બની હતી. દરમિયાન વધુ એક આવા બનાવમાં કોઠારીયા રોડ નંદા હોલ પાસે મોડી રાતે જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. જેમાં બાઇક ડિવાઇડરમાં અથડાતાં ચાલક સહકાર રોડ જમુનાનગરના ૧૮ વર્ષના યુવાનનું મોત થયું છે. જ્‍યારે પાછળ બેઠેલા તેના ૨૦ વર્ષના મિત્રને ગંભીર ઇજા પહોંચતાં સારવાર હેઠળ હતો. તેણે પણ દમ તોડી દેતાં બેંનના પરિવારોમાં કાળો કલ્‍પાંત સર્જાયો હતો. આ બંને પરિવારના એકના એક દિકરા હતાં. આજુ બાજુમાં જ રહેતાં બંને મિત્રો ગરબી જોવા નીકળ્‍યા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ સહકારનગર મેઇન રોડ પર જમુનાનગરમાં રહેતો મિહીર રાજેશભાઇ ગોસાઇ (ઉ.વ.૧૮) અને તેની બાજુમાં જ રહેતો મિત્ર મોહિત નિલેષભાઇ ટાંક (ઉ.વ.૨૦) રાતે દસેક વાગ્‍યે ઘરેથી બાઇક લઇને ગરબી જોવા જવાનું કહીને નીકળ્‍યા બાદ રાતે દોઢેક વાગ્‍યે નંદા હોલ પાસે અકસ્‍માત સર્જાતા બંનેને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મિહીર ગોસાઇને તબિબે મોડી રાતે મૃત જાહેર કર્યો હતો. જ્‍યારે મોહિતને ગંભીર ઇજા પહોંચી હોઇ ઇમર્જન્‍સી વોર્ડમાં દાખલ કરાયો હતો. તેણે પણ થોડા કલાકોની સારવાર બાદ બપોરે દમ તોડી દીધો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ કરતાં ભક્‍તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. વધુ માહિતી મુજબ બંને મિત્રો રાતે ગરબી જોવા જવાનું કહીને મિહીરના બાઇક પર નીકળ્‍યા હતાં. રાતે પરિવારજનોને આ બંનેના અન્‍ય કોઇ મિત્રએ જાણ કરી હતી કે નંદા હોલ પાસે બાઇક ડિવાઇડરમાં અથડાઇ જતાં મિહીર અને મોહિતને ઇજાઓ થઇ છે અને સિવિલ હોસ્‍પિટલે લઇ જાય છે. આ સાંભળતા જ પરિવારજનો તાબડતોબ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં.

પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મિહીર ગોસાઇએ દમ તોડી દીધો હતો. એ પછી બપોરે તેના મિત્ર મોહિતને પણ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. મિહીર માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને કોઇ દૂકાનમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા છુટક કામ કરે છે. માતા સંગીતાબેન કેટરર્સનું કામ કરે છે. જ્‍યારે સારવાર બાદ મૃત્‍યુ પામનાર  મોહિત પણ માતા પિતાનો એકનો એક દિકરો અને બે બહેનનો એકનો એક ભાઇ હતો.. તે પણ દુકાનમાં કામ કરતો હતો. તેના માતા ચાંદનીબેન પણ કેટરર્સનું કામ કરે છે. ચાંદનીબેન અને મૃતક મિહીરના માતા સગીતાબેન બંને બહેનપણી છે. ગોસાઇ અને ટાંક પરિવારે આધારસ્‍તંભ અને એકના એક દિકરા ગુમાવતાં કલ્‍પાંત સર્જાયો હતો. કોઇ વાહન અચાનક સામે આવી જતાં આંખ અંજાઇ જવાને કારણે કદાચ મિહીરે બાઇકનો કાબુ ગુમાવતાં ડિવાઇડરમાં અથડાઇ ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. ભક્‍તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

 

 

 

 

 

 

(3:03 PM IST)