<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

હડાળાની સીમમાં ‘કટીંગ' વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકીઃ ૧૧.૭૦ લાખનો દારૂ ઝડપાયો

ચોટીલાના રોહન પરમાર અને મુળ થાનના હાલ રાજકોટ રેલનગરમાં રહેતાં જયદિપસિંહ ઝાલાની ધરપકડ દારૂ લેવા આવેલા રીયાઝ અને રજાક ભાગી ગયાઃ રાજસ્‍થાનના ગોપારામે જથ્‍થો મોકલ્‍યો હતોઃ કાર સહિત ૧૭.૫૫ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં દરોડો પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવની ટીમની કામગીરીઃ દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવેની બાતમી

રાજકોટ તા. ૨૫: શહેરમાં દારૂની હેરાફેરીનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચે રાજકોટ-મોરબી હાઇવે પર હડાળાની સીમમાં મોમાઇ હોટલ પાછળ ‘કટીંગ' વખતે જ બાતમીને આધારે દરોડો પાડી ચોટીલા અને હાલ રાજકોટ રહેતાં મુળ થાનના બે શખ્‍સને રૂા. ૧૧,૭૦,૦૦૦ના દારૂ સાથે પકડી લીધા છે. આ બંનેએ દારૂ મંગાવ્‍યો હતો. મોકલનાર રાજસ્‍થાની શખ્‍સ અને મંગાવનારા બે શખ્‍સોના નામ ખુલતાં  તેની શોધખોળ થઇ રહી છે. પોલીસે દારૂ ઉપરાંત એક કાર, મોબાઇલ ફોન મળી ૧૭,૫૫,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

બનાવની જાણવા મળેલી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. દિલીપભાઇ બોરીચા અને કોન્‍સ. વિશાલભાઇ દવેને બાતમી મળી હતી કે રાજકોટ-મોરબી રોડ પર હડાળા ગામ મોમાઇ હોટલ પાછળ સીમમાં ઇંગ્‍લીશ દારૂનું કટીંગ ચાલુ છે. આથી ટીમે ત્‍યાં પહોચ઼ી દરોડો પાડતાં અંધારામાં બે શખ્‍સ ભાગી ગયા હતાં. જ્‍યારે બે શખ્‍સ પકડાઇ ગયા હતાં. આ બંનેના નામ પુછતાં રોહન અનીલકુમાર પરમાર (ઉ.વ.૨૯-રહે. ખુશીનગર-૨, મહાવીર પાર્ક તનિષ્‍ક બંગલા પાસે ચોટીલા થાન રોડ, ચોટીલા) અને જયદિપસિંહ પ્રવિણસિંહ ઝાલા (ઉ.વ.૩૨-રહે. રામ પાર્ક-૧, બ્‍લોક નં. બી-૯, શાંતીકુંજ રેસીડેન્‍સી રોડ રેલનગર, મુળ થાનગઢ મહાલક્ષ્મી શેરી) જણાવ્‍યા હતાં.

પોલીસે સ્‍થળ પર પડેલા ખાખી પુઠાના અલગ અલગ બોક્‍સની ગણતરી કરી હતી. તેમજ આ સ્‍થળેથી જીજે૧૯બીડી-૩૩૫૨ લખેલી એક સીઆઝ કાર પડી હોઇ તેમાં પણ દારૂની પેટીઓ હોઇ તે કબ્‍જે કરી હતી. ઓલ સીઝન બ્રાન્‍ડની દારૂની ૪૮૦ બોટલો રૂા. ૧,૬૧,૦૦૦ની, ડીસ્‍કાઉન્‍ટ વ્‍હીસ્‍કીની ૧૮૦ એમએલની ૭૬૮ બોટલો ૬૧ હજારની, ઓલ સીઝન્‍સની ૭૫૦ એમએલની ૬,૨૧,૦૦૦ની ૪૪૪ બોટલો, રોયલ સ્‍ટેગની ૨,૧૮,૪૦૦ની ૧૬૮ બોટલો, રોયલ ચેલેન્‍જની રૂા. ૧,૦૯,૨૦૦ની ૮૪ બોટલો મળી કુલ રૂા. ૧૧,૭૦,૬૦૦નો ૧૯૪૪ બોટલ દારૂ કબ્‍જે કર્યો હતો. આ ઉપરાંત ૮૫ હજારના ૪ મોબાઇલ ફોન અને  ૫ લાખની કાર મળી કુલ ૧૭,૫૫,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

ઝડપાયેલા ચોટીલાના રોહન અને મુળ થાનના હાલ રાજકોટ રહેતાં જયદિપસિંહે પુછતાછમાં કબુલ્‍યું હતું કે આ દારૂ રાજકોટના રજાક અને રીયાઝે મંગાવ્‍યો હતો. આ બંને  અંધારામાં ભાગી ગયા હતાં. જ્‍યારે દારૂ રાજસથાનના ગોપારામે મોકલ્‍યો હતો. આ ત્રણેયની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં દિલીપભાઇ બોરીચા, પ્રદિપસિંહ જાડેજા, દિપકભાઇ ચોૈહાણ, વિશાલભાઇ દવે  સહિતની ટીમે આ કામગીરી કરી હતી. 

(2:59 PM IST)