તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
તું પોલીસને અમારી બાતમી કેમ આપે છે? રૂખડીયાપરામાં તોફિક પર સશસ્ત્ર હુમલો
રાતે પત્નિને એક્ટીવામાં બેસાડી સાસુના ઘર પાસે પહોંચ્યો ત્યારે ઇસ્માઇલ, ઇમરાન ર્ફ કાલી અને સાહિલે ગાળો દીધી તેમજ છરી-પાઇપથી ઇજા પહોંચાડીઃ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૫: રૂખડીયાપરામાં રહેતાં અને ફેબ્રીકેશનનું કામ કરતાં યુવાનને રાતે તે પત્નિને એક્ટીવામાં બેસાડી નજીકમાં જ રહેતાં સાસુના ઘરે ગયો ત્યારે આ વિસ્તારના જ ત્રણ શખ્સોએ આવી તું કેમ પોલીસને અમારી બાતમી આપે છે? કહી છરી-પાઇપથી હુમલો કરી ઢીકાપાટા મારતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં પ્ર.નગર પોલીસે હુમલામાં ઘાયલ થયેલા પોપટપરા જેલ પાછળ રૂખડીયાપરા-૩માં રહેતાં તોૈફિક રફીકભાઇ શેખ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી રૂખડીયાપરાના જ ઇસ્માઇલ આમદભાઇ શેખ, ઇમરાન ઉર્ફ કાલી ઇસ્માઇલભાઇ શેખ તથા સાહીલ સલીમભાઇ શેખ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
તોૈફિક શેખ પરિવાર સાથે રહે છે અને ફેબ્રીકેશનનો ધંધો કરે છે. તેણે જણાવ્યું છે કે હું પત્નિ મુસ્કાન, દિકરી માહેરા, પિતા રફીકભાઇ તથા બે ભાઇઓ સમીર અને ઇમરાન સાથે રહુ છું. બુધવારે રાતે સાડા નવેક વાગ્યે હું મારા પત્નિ મુસ્કાનને એક્ટીવામાં બેસાડીને અમારા ઘરથી નજીકમાં જ આવેલા મારા સાસુના ઘર તરફ જવા નીકળ્યો હતો. તેમના ઘર પાસે એક્ટીવા ઉભુ રાખ્યું ત્યાં જ વિસ્તારનો ઇસ્માઇલ શેખ તથા તેનો દિકરો ઇમરાન ઉર્ફ કાલી અને સાહિલ શેખ આવ્યા હતાં.
ઇસ્માઇલે મને-તું પોલીસને અમારી બાતમી આપે છે તેમ કહી ગાળો દેતાં મેં કહેલું કે મને કોઇ પોલીસમાં ઓળખતું નથી, હું કોઇ બાતમી આપતો નથી. આમ છતાં ત્રણેયએ ઉશ્કેરાઇ જઇ ઝઘડો કર્યો હતો. કાલીએ લોખંડના પાઇપનો ઘા ડોક પર મારી દીધો હતો. તેમજ ઇસ્માઇલે છરી કાઢી મારા મોઢા પર મારવા જતાં મારા પત્નિએ હાથ આડો રાખી દેતાં છરી મને દાઢી પર લાગગી ગઇ હતી. સાહિલે પણ ઢીકાપાટુ માર્યા હતાં. મેં અને મારા પત્નિએ રાડારાડ કરતાં લોકો ભેગા થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. મને પત્નિએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્રણેયએ હું તેની પોલીસને બાતમી આપુ છું તેવી શંકા કરી છરી, પાઇપથી હુમલો કરી ઢીકાપાટુ પણ માર્યા હતાં. તેમ વધુમાં તોૈફિકે કહેતાં પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. વરૂએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૯)
(2:29 PM IST)










