તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
૧૦ હજાર રૂપિયાની ઉઘરાણી માટે આશાપુરા પાર્કના વિજયનું અપહરણઃ બેડી ચોકડીએ ગેરેજમાં પુરી ધોલધપાટ-ધમકી
પહેલી ઓક્ટોબર સુધીમાં પૈસા નહિ આપ તો ઘરેથી ઉપાડી જઇશું કહી ધમકાવ્યો : મીતાણા લઇ જઇ ટાંગા ભાંગી નાંખવાની પણ ધમકી દીધીઃ મોરબી રોડના રાજન બાબરીયા અને તેના ભાઇ વિરૂધ્ધ બી-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૫: જુના મોરબી રોડ પર રહેતાં રિક્ષાચાલક યુવાનનું ગયા મહિને જકાતનાકા નજીકથી મોરબી રોડ વિસ્તારના જ એક શખ્સે ૧૦ હજારની ઉઘરાણી માટે અપહરણ કરી ગાળો દઇ બેડી ચોકડી નજીક એક રિક્ષાના ગેરેજમાં લઇ જઇ ત્યાં પોતાના નાના ભાઇ સાથે મળી તને મીતાણા લઇ જઇ ટાંટીયા ભાંગી નાખવાના છે, તારે અહિ બધાને સલામ મારવાની છે, કેમ પૈસા દેતો નથી? કહી ઢીકાપાટુનો માર મારી ધમકી દઇ જો પહેલી ઓક્ટોબરે પૈસા નહિ દે તો આજે તો ખાલી માર માર્યો, હવે પછી ઘરેથી ઉપાડી જઇ ઠાર મારી નાંખશું તેવી ધમકી દઇ છોડી મુકતાં આ મામલે યુવાને ફરિયાદ નોંધાવતાં તપાસ શરૂ થઇ છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે જુના મોરબી રોડ પર આશાપુરા પાર્કમાં રાધેશ્યામ ડેરીવાળી શેરીમાં રહેતાં વિજયભાઇ નાગદાનભાઇ કુંભરવાડીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ રહેતાં રાજન હસુભાઇ બાબરીયા અને તેના નાના ભાઇ દેવ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
વિજયભાઇ કુંભરવાડીયાપરિવાર સાથે રહે છે અને રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે ગત ૩૦/૮ના રોજ હું અને મારા કાકાનો દિકરો મોરબીના ફડસર ગામે રહેતો રાજેશ જીવણભાઇ કુંભરવાડીયા ચાલીને અમે બંને જુના મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસેથી જકાતનાકા તરફ જતાં હતાં ત્યારે ગીરીરાજ પાર્ટી પ્લોટના ગેઇટ પાસે પહોંચતા એક્ટીવા લઇને રાજન બાબરીયા આવ્યોહ તો અને મને રસ્તામાં રોકીને કહ્યું હતું કે-મારા પિતા તારી પાસે કેટલા પૈસા માંગે છે? જેથી મેં કહેલુ કે ૧૦ હજાર આપવાના છે. તેમજ કહેલું કે આ ૧૦ હજાર હું પાંચ વર્ષ પહેલા મંડળ ચલાવતો હતો તેના હિસાબ પેટે મારે તારા પિતા હસુભાઇ બાબરીયાને આપવાના છે. આથી રાજને અત્યારે જ મારે પૈસા જોઇએ છે, ત્યાં સુધી તને જવા નહિ દઉ. તેમ કહેતાં મેં મારી પાસે હાલમાં પૈસા નથી હું પછી આપી દઇશ તેમ કહેતાં તેણે કહેલુ કે માર ન ખાવો હોય તો ગાડીમાં બેસી જા, નહિતર આબરૂના ધજાગરા થશે.
આમ કહી તેણે મને દબાણપુર્વક પોતાના એક્ટીવામાં બેસાડી દીધો હતો. મારી સાથેના ભાઇ રાજેશને તેણે ઘરે જતાં રહેવા કહ્યું હતું. આ પછી તે મને એકટીવામાં અપહરણ કરી જકાતનાકા તરફ લઇ ગયો હતો અને રસ્તામાં મા-બહેન સમી ગાળો દીધી હતી અને કહેલું કે તારે બહુ હવા છે તે હવા કાઢી નાખવાની છે. જેથતી મેં રાજનને વિનંતી કરી હતી કે હું તમારા નીકળતા પૈસા આપી દઇશ, પણ તેણે વાત સાંભળી નહોતી. આ પછી તેણે કહેલું કે તને તો મીતાણા લઇ જઇ તારા ટાંટીયા ભાંગી નાખવાના છે, જેથી મેં મારા ફોનમાંથી દ્વારકાધીશ હોટલના માલિકનવઘણભાઇ ભરવાડ કે જેને ત્યાં રાજનના કકા બાબુભાઇ કામ કરતાં હોઇ તેને જાણ કરેલ કે રાજને મને ઉપાડી લીધો છે અને માથાકુટ કરે છે. આથી રાજન ઉશ્કેરાઇ ગયો હતો અને મને વધુ ગાળો દઇ મારો ફોન લઇ લીધો હતો.
બાદમાં રાજનને કોઇનો ફોન આવતાં તેણે તેમાં વાત કરતાં કહેલું કે મેં વિજય ઉર્ફ મુન્નાને ઉપાડી લીધો છે, તું બેડી ચોકડીએ આવી જા. બાદ રાજનના પિતાજીનો ફોન આવ્યો હતો ત્યારે રાજને તેમને પણ કહેલું કે વિજયને ઉપાડી લીધો છે અને મીતાણા લઇ જઇ હાથ પગ ભાંગી નાખવા છે. આમ કહી ફોન કાપી નાખ્યો હતો. પછી બેડી ચોકડી પાસે ફરી રાજને મારી સાથે માથાકુટ કરી હતી. ત્યાં તેનો નાનો ભાઇ દેવ અને બીજો એક શખ્સ આવ્યા હતાં. રાજનના ભાઇએ પણ મને તું કેમ અમારી સામે કાતર મારે છે? કહી મને ઢીકાપાટા માર્યા હતાં. મેં આ બધાને મને છોડી દેવાની વિનંતી કરી હતી પણ મને ત્યાંથી આ બધા નજીકના ગેરેજકમાં લઇ ગયા હતાં. આ રિક્ષાના ગેરેજમાં કામ કરતાં છોકરાને રાજને પુછેલુ કે અહિ કેમેરા તો નથી ને? જેથી તેણે ના પાડતાં મને ગેરેજના રૂમમાં લઇ ગયા હતાં. જ્યાં રાજન સહિતે કહેલુ કે-હવે તારે અમને બધાને સલામ મારવાની છે, બોલ પૈસા ક્યારે આપીશ? જેથી મેં એક મહિનામાં આપી દઇશ તેમ કહ્યું હતું.
આ પછી રાજને ગેરેજમાં પડેલા હોન્ડાના જમ્પરનો પાઇપ ઉપાડી કહેલુ કે તારા ટાંગા ભાંગી નાંખવા છે. પણ ગેરેજમાં કામ કરતાં છોકરાએ આ પાઇપ લઇ લીધો હતો અને મને બચાવ્યો હતો. બાદ રાજને કહેલુ કે તા. ૧/૧૦/૨૫ના રાતે બાર વાગ્યા પહેલા જો પૈસા નહિ આવે તો તારા ઘરેથી ઉપાડી જઇશું અને દસ હજારના વીસ હજાર દેવા પડશે. આજે તને અમે ખાલી માર્યો છે, હવે પછી ઠાર મારી નાખશું, આટલી વાર લાગશે એમા સમજી જાજે કહી રૂમની બહાર મને કાઢયો હતો. બાદમાં તારે ક્યાં જવું છે તને મુકી જઇએ એમ કહેતાં મેં ઘરે જવાનું અને મારી રીતે હાલ્યો જઇશ તેમ કહેતાં હું ચાલતો થતાં મને ફરીથી બંને ભાઇએ ગાળો દઇ કહેલું કે આ હજી માર ખાઇને ધરાણો નથી, બેસ વાહનમાં કહી મને મારો ફોન આપી એક્ટીવામાં બેસાડી ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે ઉતારી દીધો હતો. ત્યારે રાતના દોઢ વાગી ગયા હતાં. મેં ત્યારે સારવાર પણ લીધી હતી. જે તે વખતે મેં ફરિયાદ કરી નહોતી. હવે ફરિયાદ નોંધવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં કહેતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ જે. આર. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૯)
(10:45 PM IST)










