<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

તાર બાંધતી વખતે વિજ થાંભલા પરથી લપસી પડતાં ૨૩ વર્ષના મજૂર અરવિંદ બારૈયાનું મોત

કાલાવડ રોડ પર વીવીપી એન્‍જિનીયરીંગ કોલેજ પાછળ બનાવ : મુળ દાહોદનો યુવાન કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર કામ કરતો હતોઃ સાથી મજૂરો, પરિવારજનોમાં ગમગીની

 

રાજકોટ તા. ૨૫: કાલાવડ રોડ પર કણકોટ નજીક આવેલી કોલેજ પાછળ વિજ થાંભલા પર તાર બાંધવાનું કામ કરતી વખતે કોન્‍ટ્રાક્‍ટ બેઝના કર્મચારી ૨૩ વર્ષના યુવાનનું  થાંભલા પરથી લપસી પડવાને કારણે ગંભીર ઇજા થતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ પર કણકોટ પાસે રૂડાનગર-૩માં રહેતો અરવિંદ નટવરભાઇ બારૈયા (ઉ.વ.૨૩) નામનો યુવાન સવારે કણકોણ વીવીપી એન્‍જિનીયરીંગ કોલેજ પાછળ વિજ થાંભલા પર તાર બાંધવાનું કામ ચાલુ હોઇ બીજા કર્મચારીઓ સાથે આ સાઇટ પર ગયો હતો. તે થાંભલે ચડી તાર બાંધી રહ્યો હતો ત્‍યારે પગ લપસતાં પડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર અરવિંદ મુળ દાહોદનો વતની હતો અને પીજીવીસીએલમાં કોન્‍ટ્રાકટ બેઝથી છ વર્ષથી કામ કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા અપરિણીત હતો. ઘટનાની જાણ થતાં વિજ કચેરીના અધિકારીઓ દોડી આવ્‍યા હતાં. બનાવથી બીજા કર્મચારીઓમાં પણ ગમગીની વ્‍યાપી ગઇ હતી. (૧૪.૧૧)

 

(2:26 PM IST)