<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

૧૭ વર્ષની દિકરીને કેન્‍સરની ગાંઠનું નિદાન થતાં ગભરાઇને માતા વર્ષાબેનનો આપઘાત

બેડીપરાના મનહરપરા વિસ્‍તારનો બનાવઃ ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા પણ જીવ ન બચ્‍યોઃ સાંથલપરા પરિવારજનોમાં ગમગીની

 

 

રાજકોટ તા. ૨૫: શહેરના બેડીપરા ફાયર બ્રિગેડ નજીક આવેલા મનહરપરા-૧માં રહેતાં વર્ષાબેન દિલીપભાઇ સાંથલપરા (ઉ.વ.૪૭) નામના મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ વર્ષાબેન સાંથલપરા સાંજે ઘરે રૂમમાં હતાં ત્‍યારે સસરા નરસીભાઇએ રૂમનો દરવાજો મોડે સુધી બંધ જોતાં શંકા ઉપજતાં દરવાજો ખખડાવ્‍યો હતો. પરંતુ તેમણે દરવાજો ન ખોલતાં પડોશીઓને બોલાવી દરવાજો તોડાવતાં વર્ષાબેન પંખામાં ચુંદડી બાંધી લટકતી હાલતમાં જોવા મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બેભાન હાલતમાં તેમને નીચે ઉતારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા વર્ષાબેનના પતિ એચજે સ્‍ટીલમાં કામ કરે છે. તેણીને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ દિલીપભાઇએ કહ્યું હતું કે મારી સત્તર વર્ષની દિકરી બંસીને ગળામાં કેન્‍સરની ગાંઠ હોવાનું નિદાન થતાં આને કારણે મારા પત્‍નિ ખુબ ડરી ગયા હતાં અને ચિંતામાં મુકાઇ ગયા હોઇ આ કારણે પગલુ ભરી લીધુ હતું. (૧૪.૧૧)

 

(2:25 PM IST)