તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
રાજકોટના હિરાસર એરપોર્ટ પર સફાઇ કામદારોનું શોષણ
યુવા શકિત સેના દ્વારા કલેકટરને આવેદન : રૂ.૧૮૦૦૦ પગાર આપી રૂ.૭૦૦૦ પાછા લઇ લેવામાં આવે છે : ઇ.પી.એફ.-ઇ.એસ.આઇ.ની પહોંચ અપાતી નથી : સફાઇ કામદારોની સેફટી પણ જળવાતી નથી : દિવસ ૧૫માં ન્યાયી પગલા ન ભરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી


રાજકોટ તા. ૨૪ : રાજકોટના હીરાસર એરપોર્ટ પર કામ કરતા સફાઇ કામદારોનું કોન્ટ્રાકટરો દ્વારા શોષણ થતુ હોવા અંગે યુવા શક્તિ સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યુ છે કે હિરાસર એરપોર્ટ પર આસીમ કોમ્યુનિકેશનના કોન્ટ્રાકટ હેઠળ અંદાજે ૧૦૦ થી વધુ સફાઇ કામદારો કામ કરે છે. જેમનો માસિક પગાર રૂ.૧૮૦૦૦ (અઢાર હજાર) ખાતામાં જમા કરવામાં આવે છે અને સામે રૂ.૭૦૦૦ (સાત હજાર) પરત લઇ લેવામાં આવે છે. આવુ શા માટે? જો કોઇ સફાઇ કામદાર વિરોધ કરે તો કોન્ટ્રાકટર દ્વારા એવુ સંભળાવી દેવામાં આવે છે કે રૂ.૭૦૦૦ તો પાછા આપવા જ પડશે. તમારે કામ કરવુ હોય તો કરો, નહી તો છુટા કરી દેવામાં આવશે.
આમ સરકારને દેખાડવા માટે સેલેરીનો આંકડો મોટો બતાવાય છે. જયારે અમુક રકમ પાછી લઇ લેવાય છે.
એટલુ જ નહીં સફાઇ કામદારો જયારે શરૂઆતમાં નોકરી ઉપર જોડાયા ત્યારે પણ રૂ.૫૦૦૦ લેખે ડીપોઝીટ પેટે કોન્ટ્રાકટર દ્વારા વસુલી લેવામાં આવી હતી. ઇ.પી.એફ., ઇ.એસ.આઇ.ની પહોંચ પણ આપવામાં આવતી નથી. આમ કોન્ટ્રાકટર દ્વારા સફાઇ કામદારોનું મોટાપાયે શોષણ કરવામાં આવતુ હોય તપાસ કરવા યુવા શક્તિ સેના દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.
રૂ.૭૦૦૦ લેખે ૧૦૦ સફાઇ કામદારોના છેલ્લા ૭ મહિનાથી કોન્ટ્રાકટર દ્વારા સફાઇ કામદારો પાસેથી કેસ/ઓનલાઇન ઉઘરાણી કરી લેવામાં આવે છે. ઉપરાંત રૂ.પ૦૦૦ ડીપોઝીટના ગણીએ તો રૂ.૭,૫૦,૦૦૦ (સાડા સાત લાખ)ની ગેરરીતી આચરાતી હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યુ છે.
સફાઇ કામદારોના ઇપીએફ રૂ.૧૮૦૦ અને ઇ.એસ.આઇ. રૂ.૧૩૬ લેખે દર માસે પગારમાંથી કપાત થાય છે તેની પણ સ્લીપ અપાતી નથી.
એટલુ જ નહીં સફાઇકામદારોની સુરક્ષા અને સેફટી માટે પણ કોઇજાતના આધુનિક સાધનો કોન્ટ્રાકટર દ્વારા પુરા પાડવામાં આવતા નથી. કોઇ સફાઇ કામદારને કાઇ થઇ જાય તો જવાબદારી કોની?
આ તમામ બાબતે તટસ્થ તપાસ આદરી ન્યાયી પગલા ભરવા માંગણી ઉઠાવાઇ છે. જો દિવસ ૧૫ માં ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ યુવા શક્તિ સેનાના પ્રમુખ અભિષેક ગોરી (મો.૮૪૬૯૧ ૪૫૨૦૯)ની યાદીમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(3:01 PM IST)










