તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
પગપાળા જઇ રહેલા શિક્ષીકાની છેડતીની વિડીયો વાયરલ થયો હતો
સવારના પ્હોરમાં છેડતી કરી ઇલેક્ટ્રીક બાઇક પર ભાગ્યો એ ધોરણ-૧૧નો વિદ્યાર્થી નીકળ્યો શિક્ષીકાએ અન્ય સ્કૂલના યુનિફોર્મને આધારે શંકા દર્શાવતા ભક્તિનગર પોલીસે શોધી કાઢી ગુનો નોંધી કાર્યવાહી કરીઃ આ સગીર અગાઉ દિલ્હી જતો રહ્યો ત્યારે પણ ભક્તિનગર પોલીસે શોધ્યો'તો

રાજકોટ તા. ૨૪: શહેરના ગીતા મંદિર રોડ પર જલારામ ચોકમાં પરમ ફેશન નામની દૂકાન પાસે ગઇકાલે સવારે પોતા સાતેક વાગ્યે ૨૬ વર્ષિય શિક્ષીકા પગપાળા જઇ રહ્યા હતાં ત્યારે ઇલેક્ટ્રીક બાઇક પર આવેલો એક છોકરો તેણીના જમણા પગના થાના ભાગે અડપલુ કરી સ્પર્શ કરી ભાગી ગયો હતો. વાયરલ થયેલા આ વિડીયોને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન સ્કૂલ ડ્રેસના આધારે આ છોકરાની ઓળખ થઇ જતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ધોરણ-૧૧માં ભણતા આ ૧૬ વર્ષનો સગીરને સકંજામાં લઇ પુછતાછ કરતાં અજાણતાં યુવતિને સ્પર્શ કરી લીધાનું રટણ કર્યુ હતું! તેના પિતા ફુલનો ધંધો કરે છે. આ સગીર અગાઉ પણ ઘર છોડી દિલ્હી પહોંચી ગયો હતો. ત્યારે પોલીસ શોધી લાવી હતી.
બનાવનો વિડીયો વાયરલ થતાં ભક્તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ભક્તિનગર પોલીસને મળેલી માહિતીને આધારે તેને શોધી કાઢવામાં આવ્યો હતો. આ છોકરો ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. પોલીસે શિક્ષીકાની ફરિયાદ પરથી બીએનએસની કલમો મુજબ છેડતીનો ગુનો નોંધ્યો છે. શિક્ષીકાએ જણાવ્યું હતું કે હું ૨૩મીએ સવારે ચાલીને ભક્તિનગર સર્કલથી જલારામ ચોક પાસે પહોંચી હતી. મારે શાળા ખાતે જવાનું હોઇ અહિથી પસાર થઇ રહી હતી. આ વખતે અચાનક પાછળથી ઇલેક્ટ્રીક બાઇક પર એક છોકરો આવ્યો હતો અને મારા જમણા સાથળને સ્પર્શ કરી છેડતી કરી ભાગી ગયો હતો. આ પછી મેં શાળાના પ્રિન્સીપાલ સહિતને વાત કરી હતી. છોકરાએ જે સ્કૂલ ડ્રેસ પહેર્યો હતો તેના આધારે તપાસ કરતાં તેની ઓળખ થઇ ગઇ હતી. ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ સી. ડી. અજોડીયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, રાઇટર કિશનભાઇ સહિતે ગુનો નોંધી વિદ્યાર્થીને સકજામાં લઇ તે સગીર વયનો હોઇ વાલીની હાજરીમાં નોટીસ આપી સમજ આપી મુક્ત કરાયો હતો. તેણે અજાણતા જ આવું થઇ ગયાનું રટણ કર્યુ હતું.
પોલીસ સુત્રોના કહેવા અનુસાર આ સગીરના પિતા ફુલનો ધંધો કરે છે અને શહેરમાં ફુલના ધંધામાં મોટુ નામ ધરાવે છે. અગાઉ પણ આ છાત્ર બાઇક લઇને ઘરેથી નીકળી ગયા બાદ બાઇક રેઢુ મુકી ફલાઇટ મારફત દિલ્હી જતો રહ્યો હતો. બાદમાં તેને હેમખેમ પોલીસ ત્યાંથી શોધી લાવી હતી. હવે તેણે શિક્ષીકાની છેડતી કરતાં ચકચાર જાગી છે.
(2:32 PM IST)










