તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
૩૬૫ દિવસ વિશીષ્ટ ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓની ‘શી' ટીમોની નવરાત્રીમાં ખાસ ફરજ
ટ્રેડીશનલ ડ્રેસ સાથે રાસોત્સવમાં પહોંચી ટપોરીઓને કરે છે સીધાદોરઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ ભાટીની રાહબરીમાં ૩૦ કર્મચારીઓ કાર્યરત

રાજકોટઃ શહેર પોલીસમાં મહિલા કર્મચારીઓની બનેલી ‘શી' ટીમ આમ તો ૩૬૫ દિવસ પોતાની ખાસ ફરજ બજાવે છે. શાળા, કોલેજો, મોલ, જ્યાં મહિલા કર્મચારીઓ નોકરી કરતી હોય તેવા સ્થળોએ શી ટીમ પહોંચીને અલગ અલગ મુદ્દે તેઓ જાગૃત બને તે માટે અવેરનેસ કેમ્પ યોજી ખાસ કરીને છાત્રાઓ, યુવતિઓમાં અને મહિલાઓનમાં જાગૃકતા લાવવાનું કામ કરે છે. એકલા રહેતા હોય તેવા સિનીયર સીટીઝનની સારસંભાળનું કામ પણ શી ટીમો કરે છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી આર. એસ. બારીયાની સીધી દેખરેખ હેઠળ અને પીઆઇ એચ. એમ. ભાટીની રાહબરીમાં હાલમાં નવરાત્રીના તહેવારમાં અલગ અલગ ચાર શી ટીમો ખાસ કામગીરી કરી રહી છે. રાસોત્સવમાં આ ટીમના મહિલા પોલીસ કર્મચારીઓએ ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને જે તે રાસોત્સવમાં પહોંચે છે અને ત્યાં કોઇ ટપોરીઓ લખણ ઝળકાવતા દેખાય તો તેને સીધા દોર કરી દે છે.
ચાર-ચાર કર્મચારીઓની શી ટીમમાં શી ટીમો નવરાત્રી બંદોબસ્તમાં ખાસ ફરજ બજાવી રહી છે. જેમાં જએક મહિલા પોલીસ કર્મી સાદા ડ્રેસમાં, બે ટ્રેડિશનલ ડ્રેસમાં અને અન્ય એક પોલીસકર્મી વરદીમાં તૈનાત રહેશે. કોઇ સ્થળે યુવતીની પજવણી થતી હોવાનું ધ્યાનમાં આવશે તો આ ટીમો આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડીને નજીકનાં પોલીસ મથકમાં સોંપશે. તેમજ અજાણ્યા શખ્સો કોઇ દિકરીઓ, રાસે રમતી યુવતિઓના ફોટા પાડતાં નજરે પડશે તો તેને પણ કાયદાનું ભાન કરાવશે. રાસોત્સવ પુરા થયા પછી પણ કોઇ યુવતિ-દિકરીને જરૂર પડે તો તરત જ શી ટીમ તેની મદદે પહોંચશે. આ માટે ૧૧૨ નંબર ડાયલ કરતાં જ ટીમ તેની મદદે આવી જશે. કોઇ અનઇચ્છનીય કે ગેરપ્રવૃતિ થતી હોઇ તેની જાણ કરનારનું નામ ગુપ્ત રાખી શી ટીમો કાર્યવાહી કરશે. મહિલા પોલીસ કર્મચારીઓની આ શી ટીમો સાંજના આઠથી રાતના ગરબા પુરા થાય ત્યાં સુધી પોતાની ફરજ બજાવશે. શી ટીમોમાં કોકીલાબેન સોલંકી, જાગૃતિબેન ચાવડા, સુજાતાબેન, પાયલબેન, મધુબેન, જીજ્ઞાબેન, દક્ષાબેન સહિત ત્રીસ જેટલા કર્મચારીઓ સામેલ છે.
(2:52 PM IST)










