તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st September 2025
જતાં જતાં ગઠીયાઓએ કહ્યું-હમણા નહિ દસ મિનીટ પછી કબાટ ખોલજો, ધીરૂભાઇએ પંદર મિનીટ પછી ખોલ્યો ત્યારે ચોરીની ખબર પડી
૧૫૦ રૂપિયા ચાવી બનાવવાનું નક્કી કરી ઘરમાં આવેલા બે સરદારજી ૧.૮૦ લાખની રોકડ ચોરી ગયાઃ મવડી વિનાયકનગરના રિક્ષાચાલક ધીરૂભાઇ ધરજીયાની માલવીયાનગરમાં ફરિયાદ

રાજકોટઃ શહેરના મવડી રોડ પર આવેલા વિનાયકનગરમાં ચાવી બનાવવાના બહાને આવેલા બે સરદારજી ઘરધણીની નજર ચુકવી કબાટના ખાનામાંથી રૂા. ૧,૮૦,૦૦૦ની રોકડ ચોરી જતાં ફરિયાદ થઇ છે.
મવડી મેઈન રોડ ઉપર વિનાયકનગર શેરી નંબર-૧૦માં રહેતા રીક્ષાચાલક ધીરૂભાઈ કરશનભાઈ ધરજીયા (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે તપાસ શરૂ કરી છે. ધીરૂભાઈએ પોલીસને જણાવ્યું કે, ગઈ તા. ૧૦નાં તે ઘરે હતા ત્યારે શેરીમાંથી એક ચાવી બનાવવા વાળો શખ્સ પસાર થતાં તેની સાથે પોતાના ઘરનાં કબાટ સહિત બે લોક રીપેર કરવાનો રૂા. ૧૫૦ મજુરીના નક્કી કરી તેને કબાટની ચાવી બનાવવાનું કહ્યું હતું. એ શખ્સે તેના અન્ય મિત્રને બોલાવી લીધા બાદ બન્નેને બન્ને શખ્સો મકાનમાં કબાટમાં ચાવી બનાવવા લાગ્યા હતાં. થોડીવાર બાદ બન્ને શખ્સો પાણી આપો વગેરે બહાના કરી પરીવારના સભ્યોને વ્યસ્ત રાખી તે ચાવી બનાવવા લાગ્યા હતાં.
બંન્ને બપોરે સાડા ત્રણેક વાગ્યે ચાવી બનાવી નીકળી ગયા હતાં. આ પછી બંને જતા હતાં ત્યારે એવુ કહ્યું હતું કે હમણા તરત નહિ, દસ મિનીટ પછી જ લોક ખોલજો. ત્યારબાદ ધીરૂભાઇએ પંદર મીનીટ બાદ કબાટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નહી ખુલતા બળપ્રયોગ કરી દરવાજો ખોલી નાખ્યો હતો. તે સાથે જ તેઓ ચોંકી ગયા હતાં. કારણ કે કબાટની અંદર નાના ખાનામાં તેણે રાખેલી રોકડ રકમ ૧ લાખ ૮૦ હજાર ગાયબ હતી. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ ડી. એસ. ગજેરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:45 AM IST)










