<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

સોમવારથી નવરાત્રી પર્વઃ રાતે ૧૨ સુધી જ લાઉડ સ્‍પીકર વગાડવા પોલીસ કમિશનરનું જાહેરનામુઃ ૧૦૦૦નો બંદોબસ્‍ત

૭૩ પ્રાચીન, ૩૨ અર્વાચીન રાસોત્‍સવ અને ૫૭૩ જેટલા શેરી ગરબાઓના સ્‍થળે પોલીસ, હોમગાર્ડ, એસઆરપીનું સુરક્ષા કવચ

આયોજકો નિયમોનો ભંગ કરશે તો કાર્યવાહી થશેઃ લુખ્‍ખા-આવારા તત્‍વો, નશાખોરો, પેડલરોને શોધવા ખાસ ડ્રાઇવ યોજાશેઃ ‘શી' ટીમના મહિલા કર્મચારીઓ સાદા ડ્રેસમાં રાસોત્‍સવમાં પહોંચી ટપોરીઓને શોધી કાઢશેઃ રાસ પુરા થયા પછી મોડી રાતે રસ્‍તાઓ પર ટ્રાફિકજામ કરનારા કે ન્‍યુસન્‍સ ફેલાવનારા સામે કાર્યવાહી થશેઃ ડી. સ્‍ટાફ, ક્રાઇમ બ્રાંચ, એસઓજી, ટ્રાફિક પોલીસની ટીમો સઘન ચેકીંગ કરતી રહેશઃ જરૂર પડયે ડ્રોન ઉડાડાશેઃ કાળા કાચવાળા વાહનો, નંબર વગરના વાહનચાલકોને શોધવા ખાસ નજર રખાશે

રાજકોટ તા. ૨૦: સોમવારે ૨૧મીથી મા શક્‍તિીની ભક્‍તિના પર્વ નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે. ત્‍યારે શહેરના પ્રાચીન ગરબીઓના સ્‍થળે અને અર્વાચીન રાસોત્‍સવના સ્‍થળે ઉજવણીમાં કોઇ વિઘ્‍ન ન આવે તે માટે પોલીસે બંદોબસ્‍તની પુરતી તૈયારી કરી લીધી છે. શહેરમાં ૩૨ અર્વાચીન રાસોત્‍સવ અને ૭૩ પ્રાચીન ગરબીઓ અને ૫૭૩ જેટલા શેરી ગરબાના આયોજનો થયા હોઇ આ તમામ સ્‍થળે બંદોબસ્‍ત માટે પોલીસ, હોમગાર્ડ, એસઆરપી મળી એક હજારથી વધુનો કાફલો તૈનાત રહેશે. બહેન દિકરીઓની છેડતી પજવણી ન થાય અને લુખ્‍ખા તત્‍વો પર વોચ રાખી તેને પકડી શકાય તે માટે શહેર પોલીસની ‘શી' ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ ખાનગી ડ્રેસમાં સતત વોચ રાખશે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાએ અગાઉ નવરાત્રીને લગતું જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં અનેક નિયમોનું પાલન કરવા જણાવાયું છે. જાહેરનામામાં જણાવાયું છે કે ૨૨/૯/૨૫થી ૨/૧૦/૨૫ સુધી દસ દિવસ તથા દશેરાના તહેવારના એક દિવસે ખાનગી કે જાહેર સ્‍થળે કોઇપણ રાસ ગરબા કે કાર્યક્રમોમાં  રાત્રિના ૧૨ વાગ્‍યા પછી કોઇપણ રાસ-ગરબા કે કાર્યક્રમમાં માઇક તથા લાઉડ સ્‍પીકર ચાલુ રાખી શકાશે નહી.

 જોગવાઇ મુજબ રાત્રિના ૧૨ વાગ્‍યા સુધી માકઇ-લાઉડ સ્‍પીકર ચાલુ રાખી શકાશે.  ત્‍યાર બાદ કોઇ પબ્‍લિક એડ્રેસ સીસ્‍ટમ/ લાઉડ સ્‍પીકર વગાડવા નહી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જેસીપી મહેન્‍દ્ર બગડીયાની રાહબરી હેઠળ નવરાત્રી બંદોબસ્‍તનો ફુલપ્રુફ પ્‍લાન તૈયાર કરાયો છે. આ અંગે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્‍યું હતું કે  શહેરમાં ૩૨ અર્વાચીન, ૭૩ પ્રાચીન અને ૫૭૩ શેરી ગરબા મળી કુલ ૬૭૮ ગરબાનું આયોજન થવાનું છે. જેમાં શહેર પોલીસ દ્વારા હોમગાર્ડ અને એસઆરપી મળી કુલ ૧૦૦૦થી વધુનો સ્‍ટાફ બંદોબસ્‍ત જાળવશે.

રાતે બાર વાગ્‍યે ગરબા પુરા થયા પછી ખાણી-પીણીના સ્‍ટોલ ધારકો ટ્રાફિકને લોકોને નડતરરૂપ હશે તો તેની સામે કાર્યવાહી થશે. તેમજ દારૂ-ડ્રગ્‍સ સહિતના માદક પદાર્થના ધંધાર્થીઓ, પેડલરો પર પોલીસ આ દિવસોમાં વધુ વોચ રાખશે અને શોધી કાઢી કાર્યવાહી કરશે. કાળા કાચવાળી ગાડીઓ લઇને નીકળનારા સામે કડક કાર્યવાહી થશે. ઠેકઠેકાણે બ્રીધ એનલાઇઝરનો ઉપયોગ પણ પોલીસ કરશે અને નશો કરી વાહન હંકારનારા, નીકળનારાઓને શોધી કાઢવામાં આવશે.

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્‍યું હતું કે ગરબા આયોજકો માટે સ્‍થળ પર એન્‍ટ્રી અને એક્‍ઝિટ ગેટ પર સીસીટીવી કેમેરા લગાવવા, ગરબાના સ્‍થળ પર ર્પાકિંગ માટે પુરતી વ્‍યવસ્‍થા કરવાની રહેશે. તેમજ માઈક અને લાઉડ સ્‍પીકરના અવાજથી ફેલાતા ન્‍યુસન્‍સ ફેલાઈ નહીં તે માટે સરકારી ગાઈડ લાઈન  મુજબના ડેસીબલની મર્યાદામાં વગાડવાના રહેશે તેમજ નિયત સમય રાત્રીના ૧૨ વાગ્‍યા સુધીમાં બંધ કરવાના રહેશે. અન્‍યથા પોલીસ દ્વારા કાર્યવાહી થશે

નવરાત્રીમાં ખાસ બહેન દીકરીઓ અને ખેલૈયાઓને લુખ્‍ખા તત્‍વો તરફથી હેરાનગતી ન થાય તે માટે પણ પોલીસ ખાસ કામગીરી કરશે.  તમામ પોલીસ સ્‍ટેશનો, બ્રાંચના અધિકારીઓની રાહબરીમાં ટીમો જરૂર જણાયે ખાસ ડ્રાઇવ યોજશે.  જરૂર પડયે એસઓજી દ્વારા ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. 

 લાઉડ સ્‍પીકર મામલે હાઈકોર્ટેના વલણ બાદ શહેર પોલીસ પણ એકશન મોડમાં આવી છે અને સરકારની ગાઈડ લાઈન મુજબ આયોજકોને લાઉડ સ્‍પીકર વગાડવા મામલે સૂચના આપાઈ છે. ત્‍યારે જનરલ દિવસોમાં રાત્રીના ૧૦ વાગ્‍યાથી સવારના છ વાગ્‍યા સુધી લાઉડ સ્‍પીકર વગાડી શકાતુ નથી. પણે નવરાત્રીના નવ દિવસ સહિત વર્ષમાં ૧૫ દિવસ રાત્રીના ૧૨ વાગ્‍યા સુધી લાઉડ સ્‍પીકર વગાડી શકાય છે. જ્‍યારે હોલમાં થતાં આયોજનમાં નિયમ લાગુ પડતો નથી.

(7:38 PM IST)