તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th September 2025
કવિ કલાપી ધામ લાઠીમાં નવરાત્રી પર્વમાં ભવ્ય નાટયોત્સવ
શ્રી મહાકાળી નવરાત્રી નાટક મંડળ દ્વારા દરરોજ નાટક રજુ કરાશે : રાજાશાહી વખતથી શરૂ થયેલ સીલસીલો આજે પણ યથાવત

રાજકોટ, તા.૨૦: અબોલ જીવ એવા ભોળા પંખીડાઓ માટેની ચણ એકત્ર કરવા માટે માં શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવની ઉજવણી વિવિધ નાટકોની પ્રસ્તુતિના માધ્યમથી કરવામાં આવે તે નવાઈપ્રેરક લાગે છે. આ વાત છે અમરેલી જિલ્લાના ‘કલાપીનગર' એટલે કે લાઠી ગામની. જ્યાં પરંપરાગત નવરાત્રિ ઉત્સવના ગરબાની સાથોસાથ આશરે દોઢ સૈકા કરતા વધુ સમયથી શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દવારા નવરાત્રિ દરમ્યાન રોજ ધાર્મિક, સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા મહાન રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કે ‘કવિ કલાપી'નાં ધામ એવા લાઠી ગામમાં છેલ્લા ૧૫૯ વર્ષથી આ અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા આ અદભૂત નાટયોત્સવમાં આ વર્ષે તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા. ૧/૧૦/૨૦૨૫ દરમ્યાન ૧૦ નાટકો રજુ થનાર છે.
આજથી લગભગ ૧૫૮ વર્ષો પૂર્વે લાઠી ગામનાં મહાન સંત પૂ. શ્રી વસંતદાસજી બાપુએ સ્થાપેલા શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દ્વારા આજે પણ આપણી સામાજિક-ધાર્મિક પરંપરા, ભવ્ય ઈતિહાસ, સંસ્કળતિ અને સમાજ જીવનનું આબેહુબ પ્રતિબિંબ ઝીલતા વૈવિધ્યસભર નાટય પ્રયોગો થકી કલાપીની પક્ષી જગત પ્રત્યેની સંવેદના અને લાગણીને વાચા આપવામાં આવી રહી છે. નાટકો દરમ્યાન રજુ થતી નિર્દોષ અને પારિવારિક એવી કોમેડી નાટિકાઓ લોકોમાં ખુબ જ ચાહના ધરાવે છે. રાજવી કવિ સ્વ. શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી) નાં અભૂતપૂર્વ કાવ્યોએ પણ લાઠી ગામને જે જબરદસ્ત પ્રતિષ્ઠા અપાવી જે આજે પણ બરકરાર છે.
રાજાશાહી વખતથી શરુ કરાયેલો આ સિલસિલો આજે દોઢ સદીથી અવિરત ચાલ્યો આવે છે ને તેને આગળ ધપાવવામાં લગભગ પાંચ-છ પેઢીઓ બદલી ગઈ છે. જુની પેઢીનાં કલાકારો દ્વારા સતત મળી રહેલા માર્ગદર્શનના પરિણામે આજે પણ આ નવરાત્રિ ઉત્સવનો મૂળભૂત હેતુ યથાવત જળવાઈ રહ્યો છે. નાટક મંડળનાં સભ્યો દ્વારા વ્યક્તિગત પ્રશસ્તિની કદીપણ ખેવના કરવામાં આવતી નથી તે આજના જમાનામાં ખરેખર આશ્ચર્ય જન્માવે છે. આ નાટય ઉત્સવ નિહાળવા અનેક ગામો-શહેરોમાંથી લાઠીની મુલાકાતે આવતા લોકો અને સ્થાનિક લોકો તરફથી પંખીની ચણ માટે અનાજ કે રોકડ રકમનું દાન આપવાની ઘોષણા થતી હોય છે. દાતાઓ-શ્રદ્ધાળુઓ પાસેથી નાટક મંડળના સભ્યો મકર સંક્રાંતિનાં પાવન દિવસે અનાજ એકત્ર કરે છે. આ એક જ દિવસમાં, પંખીડાઓને આખું વર્ષ ચણ નાખી શકાય એટલા મોટા જથ્થામાં અનાજ એકઠું થાય છે. લાઠીની મેઈન બજારનાં મુખ્ય માર્ગ પર લુવારીયા દરવાજા પાસે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજીનાં મંદિરે નાટક મંડળનાં સભ્યો આખું વર્ષ પંખીડાઓને ચણ નાખતા રહે છે.
દર વર્ષે શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળના ૬૦ જેટલા સભ્યો શ્રાવણ માસથી જ નાટય પર્વની વિભિન્ન તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. સમગ્ર આયોજનને પ્રચાર માધ્યમો, સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર ઓફીસ, પોલીસ ડીપાર્ટમેન્ટ, નગરપાલિકા વગેરે તેમજ ઉદ્યોગપતિઓ, વ્યાપારી સમુદાય તથા સ્થાનિક જનસમુદાયનો પુરો સાથ સહકાર મળી રહે છે.
આ તકે એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, લાઠીનાં પૂ. સંતશ્રી વસંતદાસજી બાપુની સમાધી ગરબી ચોક પાસે જ છે ને ત્યાં શ્રી રામજી મંદિર પણ છે. સંતશ્રી વસંદાબાપુ કેવું દૈવી જીવન જીવી ગયા તેનો ભવ્ય ભૂતકાળ પણ જાણવા જેવો છે. નવરાત્રિમાં નાટકો વધુ ચોટદાર રીતે રજુ થાય અને લોકોનાં હૃદયને સ્પર્શી જાય તેવી રીતે તેનું મંચન કરવામાં વડીલ સભ્યોનું યોગદાન દાદ માંગી લે તેવું છે જે બદલ તમામ યુવા સભ્યો વડીલોનો આદર સાથે ઋણ સ્વીકાર કરે છે. દર્શકો માટેની બેઠક વ્યવસ્થામાં મહિલા વર્ગ માટે અલાયદી જગ્યા ફાળવવા આવે છે.
આ વર્ષે રજુ થનારા નાટકો
તારીખ નાટક
૨૨/૦૯/૨૦૨૫ અમર દેવીદાસ
૨૩/૦૯/૨૦૨૫ રણુજાના રાજા રામદેવ પીર
૨૪/૦૯/૨૦૨૫ કાશ્મીરના મોરચે
૨૫/૦૯/૨૦૨૫ રા'નવઘણ
૨૬/૦૯/૨૦૨૫ રાજા ભરથરી
૨૭/૦૯/૨૦૨૫ સોમનાથની સખાતે
૨૮/૦૯/૨૦૨૫ વીર માંગડા વાળો
૨૯/૦૯/૨૦૨૫ જોગીદાસ ખુમાણ
૩૦/૦૯/૨૦૨૫ વીર બાવા વાળો
૦૧/૧૦/૨૦૨૫ ઘર ઘૂંઘટ ને ઘરચોળું
(11:05 AM IST)










