તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th September 2025
મવડીના વિનાયકનગરમાં આઠ મહિનાની દિવ્યાંશીનું પાણીની ડોલમાં પડી જતાં મોત
નાના મવા નહેરૂનગરમાં ૩ મહિનાની હેમાંશીનું તાવ-શરદી થયા બાદ મૃત્યું: બંને બાળાએ ઝનાના હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૯: માસુમ બાળકો ઘણીવાર રમતાં રમતાં મુશિબતને નોતરી લેતાં હોય છે. આવા વધુ એક બનાવમાં મવડી વિસ્તારમાં રહેતાં નેપાળી પરિવારની ૮ મહિનાની દિકરી રમતી રમતી પીવાનું પાણી ભરેલી ડોલ પાસે પહોંચી ગયા બાદ અકસ્માતે તેમાં પડી જતાં ડૂબી જવાથી મોત થયું હતું. બીજા એક બનાવમાં ૩ મહિનાની બાળકીનું તાવ-શરદી થયા બાદ મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ મવડી વિસ્તારમા વિનાયક સોસાયટી-૪માં રહેતાં સંજયભાઇ વિશ્વકર્માની દિકરી દેવ્યાંશી (ઉ.૮ મહિના) ઘરે રમતી રમતી પાણી ભરેલી ડોલ પાસે પહોંચી ગઇ હતી. એ પછી માતાને દિકરી ક્યાં ગઇ? તેનો અચાનક અણસાર આવતાં તેણે તપાસક રતાં પાણીની ડોલમાં માથુ ડૂબેલી હાલતમાં તે પડેલી જોવા મળતાં દેકારો મચાવી દીધો હતો. બાદમાં તેણીને બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહિ તેનું મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ મારફત જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. રવિભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દેવ્યાંશી બે ભાઇ અને એક બહેનમાં નાની હતી. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બીજા બનાવમાં નાના મવા રોડ નહેરૂનગર-૨માં રહેતાં અખિલેશભાઇ પ્રજાપતિની દિકરી હેમાંશી (ઉ.૩ મહિના) બેભાન થઇ જતાં સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત થયું હતું. તેણીને ત્રણ ચાર દિવસથી તાવ-શરદી ઉધરસ થઇ ગયા હોઇ ખાનગી ડોક્ટરની દવા લીધી હતી. પણ તબિયત બગડતાં ઝનાનામાં દાખલ કરાઇ હતી. અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. અખિલેશભાઇ મુળ યુપીના વતની છે અને પાણીપુરીનો ધંધો કરે છે. હેમાંશી બે બહેનમાં નાની હતી. માલવીયાનગર પોલીસ મથકના હેડકોન્સ. રવિભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:18 PM IST)










