તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th September 2025
સફાઇ કોન્ટ્રાકટરોની ગેરરીતી પર હવે તંત્રનો અંકુશ : કામદાર યુનિયનની લડત સફળ

રાજકોટ તા. ૧૮ : સફાઇ કામદાર યુનિયન દ્વારા લાંબા સમયથી ચાલતા સફાઇ કોન્ટ્રકટરોના કૌભાંડો સામે હવે તંત્ર દ્વારા કડક પગલા ભરવાનું શરૂ કરાયુ હોય મહાનગર પાલીકામાં ચાલતો સડો દુર થવાનો આશાવાદ રાજકોટ સફાઇ કામદાર યુનિયનના પારસ બેડીયા અને તેમની ટીમે વ્યકત કર્યો છે.
તેઓએ એક યાદીમાં જણાવ્યુ છે કે સફાઇ કોન્ટ્રાકટર એજન્સી દ્વારા સફાઇ કામદારોને ચુકવવામાં આવતા લાભો જેવા કે લઘુતમ વેતન, પી.એફ., ઇ.એસ.આઇ., બોનસ, ડમી સફાઇ કામદારો, રોકડમાં પગાર ચુકવવા, વગેરે લાભોમાં એજન્સી દ્વારા કૌભાંડ ચલાવવામાં આવતુ હતુ. આ કૌભાંડનો અમે પર્દાફાશ શરૂ કરતા અમને અટકાવવા માટે પણ રૂ.૫૦ લાખ પેટે રૂ.પ લાખની લાંચ આપવા પ્રયાસો શરૂ થયા હતા પણ અમે લોભ લાલચમાં આવ્યા વગર આ લાંચના પ્રયાસો નિસ્ફળ બનાવ્યા હતા.
ત્યારે તંત્રએ પણ હવે ગંભીરતા સંમજી કાર્યવાહી શરૂ કરી છે. નવા પરિપત્ર મુજબ હવે કોન્ટ્રાકટરોએ મેનપાવર સપ્લાય હેઠળ કામ કરતા સફાઇ કામદારોના પગાર સ્લીપ, પી.એફ., ઇ.એઇ.આઇ.સી., ભરેલ ચલણ, ઇ.સી.આર., હાજરી રજીસ્ટર અને બેંક ઇ.સી.એસ. દ્વારા ચુકવાયેલ પગારની નકલ સહીતના દસ્તાવેજો બીલ સાથે રજુ કરવાના રહેશે. આ દસ્તાવેજોની નાયબ પર્યાવરણ ઇજનેર દ્વારા ખરાઇ કરવામાં આવશે. ત્યાર બાદ જ બીલોની ચુકવણી થશે.
આમ હવે કોન્ટ્રાકટર એજન્સીઓ દ્વારા ચાલતી ગેરરીતી અંકુશમાં આવી જશે. સફાઇ કામદાર યુનિયને આદરેલી ભ્રષ્ટાચાર મુકત સફાઇ કોન્ટ્રાકટની લડત મહદઅંશે સફળ બની છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સફાઇ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા (મો.૯૪૦૮૧ ૮૬૦૧૮) અને યુનિયનના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(11:15 AM IST)










