તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
ગંભીર રોગોનો સચોટ ઇલાજઃ પંચનાથ હોસ્પિટલમાં મહાદેવની કૃપાથી ૯૬ વર્ષના વૃદ્ધા સહિત અનેક દર્દીઓને મળ્યું નવજીવન
પંચનાથ હોસ્પિટલ યુવાનોથી લઈને વૃદ્ધો માટે ગંભીર બીમારી સામે લડી દર્દીઓને નવી જિંદગી આપે છેઃ પંચનાથ હોસ્પિટલમાં લોકોનો વધતો જતો અતૂટ વિશ્વાસઃ બાહોશ ડોક્ટરોની ટીમ દ્વારા દરેક દર્દીનું સુયોગ્ય નિદાન અને સારવાર

રાજકોટઃ શહેરની પ્રખ્યાત પંચનાથ હોસ્પિટલ ફરી એકવાર પોતાના સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર માટે ચર્ચામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી, અહીં ૩૦ વર્ષની યુવાન વ્યક્તિથી માંડીને ૯૬ વર્ષના વૃદ્ધા સુધીના ગંભીર રોગોથી પીડાતા અનેક દર્દીઓને સફળતાપૂર્વક સાજા કરવામાં આવ્યા છે. પંચનાથ હોસ્પિટલના બાહોશ ડોક્ટરોની ટીમ અને અત્યાધુનિક સારવાર પદ્ધતિઓના કારણે આ શક્ય બન્યું છે.
દુર્લભ ફૂગના ન્યુમોનિયાથી પીડાઇ રહેલા દર્દીને સાજા કરાયાઃ ૫૮ વર્ષના દર્દી પ્રમોદભાઈ છેલ્લા બે મહિનાથી જુદી જુદી જગ્યાએ સારવાર કરાવી રહ્યા હતા, છતાં તેમના તાવ, શ્વાસ ચડવો અને અતિશય નબળાઈનું ચોક્કસ નિદાન થયું ન હતું. પંચનાથ હોસ્પિટલમાં ડો. જયસન ધામેચા દ્વારા સીટી સ્કેનના રિપોર્ટ પરથી ફૂગથી થતા દુર્લભ પ્રકારના ન્યુમોનિયાનું નિદાન થયું. તેમને આઈસીયુ માં દાખલ કરી માત્ર એક અઠવાડિયાની સઘન સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ સફળતા બદલ દર્દી અને તેમના પરિવારે હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફનો આભાર માન્યો હતો.
ઝેર પી ગયેલા દર્દીને ઇમર્જન્સીમાં બચાવાયાઃ બીજા એક કિસ્સામાં, ગંભીર ગણાતું જંતુનાશક ઝેર (ઓપી મોનોકોટ) પીને આવેલા દર્દી ગોરધનભાઈને ઇમર્જન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો. જયસન ધામેચા અને ઇમર્જન્સી સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરી તેમને વેન્ટિલેટર પર મૂકી સઘન સારવાર આપી. અત્યંત જીવલેણ ગણાતા આ ઝેરની અસરથી તેઓ માત્ર ત્રણ દિવસમાં રિકવર થયા. ભૂતકાળમાં પણ આ દર્દીને ઝેર પીવાની આદત હતી, છતાં પંચનાથ હોસ્પિટલની ટીમની કુશળતાથી તેમનો જીવ બચી ગયો.
બ્રુસેલા તાવમાંથી યુવાન દર્દી સ્વસ્થ થયાઃ ૩૦ વર્ષના દર્દી યાત્રાબેનને તાવ, ઊલટી, ઝાડા અને નબળાઈ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો. તરંગ પટેલ દ્વારા તેમને બ્રુસેલા (દૂધીયો તાવ) હોવાનું ચોક્કસ નિદાન કરવામાં આવ્યું. ચાર દિવસની સઘન સારવાર બાદ તાવ ઓછો થયો અને તેમને રજા આપવામાં આવી. ૪૫ દિવસનો દવા કોર્સ પૂર્ણ થયા બાદ હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.
૯૬ વર્ષના વૃદ્ધાના હાઈ રિસ્ક ઓપરેશન અને ટાઇફોઇડની સફળ સારવારઃ ૯૬ વર્ષના દર્દી ઇન્દિરાબેન ઘરમાં પડી જવાથી થાપાનું હાડકું ફ્રેક્ચર થઈ ગયું હતું. હાઈ બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધવાની જૂની તકલીફો છતાં, તેમનું હાઈ રિસ્ક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. ઓપરેશન બાદ બીજે જ દિવસથી ફિઝિયોથેરાપી શરૂ કરી તેમને ચાલતા કરવામાં આવ્યા. પાંચ દિવસ બાદ ડિસ્ચાર્જ કરાયા, પરંતુ ટાઈફોઈડની અસર થતાં તેમને ફરી દાખલ કરવા પડ્યા. શરીરમાં લોહીનું પ્રમાણ ઘટવું અને ફેફસામાં પાણી ભરાઈ જવાથી ઇન્ફેક્શન વધી ગયું હતું, પરંતુ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટની દેખરેખ હેઠળ સઘન એન્ટિબાયોટિક્સની સારવાર બાદ તેમના તમામ રિપોર્ટ્સ નોર્મલ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.
પેરાલિસિસ અને શ્વાસની તકલીફથી પીડાઈ રહેલા દર્દીને મળ્યું નવજીવનઃ ૬૮ વર્ષના દર્દી રમેશભાઈ જૂની બીમારીઓ જેવી કે પેરાલિસિસ, આંચકી અને શ્વાસની તકલીફ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. ઇમર્જન્સી વિભાગમાં તાત્કાલિક તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા અને સઘન સારવાર શરૂ કરાઈ. માત્ર પાંચ દિવસમાં તેમની સ્થિતિમાં સુધારો થયો અને તેમને આઈસીયુમાંથી રૂમમાં શિફટ કરવામાં આવ્યા. સાત દિવસની સારવાર બાદ તેમની તમામ તકલીફો દૂર થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.
પંચનાથ હોસ્પિટલના મેનેજમેન્ટ અનુસાર, દર્દીઓના મનોબળ, પરિવારજનોનો સહયોગ અને હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની સતત સેવાભાવી કામગીરીના કારણે આ સફળતા મળી છે. આધુનિક સુવિધાઓ અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ સાથે પંચનાથ હોસ્પિટલ ચોક્કસ નિદાન અને સચોટ સારવારનો પર્યાય બની રહી છે.(
(3:37 PM IST)










