તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
દેવાયત ખવડની રિમાન્ડ પૂર્ણઃ કાલે વેરાવળ કોર્ટમાં સુનાવણી

રાજકોટ તા. ૧૭: ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના સાથી આરોપીના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાના કેસમાં સાત દિવસના રિમાન્ડ આજે પૂરા થતા તેમને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ કેસમાં આરોપીઓના રિમાન્ડ વધાર્યા નથી અને જામીન અરજી પણ ફગાવી દીધી છે. તેથી હવે આ તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવ્યા છે.
રિમાન્ડ પૂરા થયા બાદ તાલાલા પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ વધારવા માટે કોઇ રજૂઆત કરવામાં આવી ન હતી. પરંતુ દેવાયત ખવડ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે હાલ આ જામીન અરજી નકારી આરોપીઓને જેલમાં જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લીધો છે. હવે આ મામલે કાલે ગુરૂવારે સેશન્સ કોર્ટમાં ખવડની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે.
નોંધનીય છે કે, તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત કુલ ૧પ આરોપીઓને જામીન મંજુર કર્યા હતા. જેના પર તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. તાલાલા પોલીસે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી હતી.
ત્યારબાદ વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા આ રિવિઝન અરજી માન્ય રાખી દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. સમગ્ર કેસ મામલે તાલાલા પોલીસે દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેને કોર્ટે મંજુર કર્યા હતા. આ રિમાન્ડ આજે બુધવારે પૂરા થયા બાદ તમામ આરોપીને જૂનાગઢ જેલમાં મોકલાયા છે.
(3:11 PM IST)










