News of Tuesday, 16th September 2025
કલેકટર દ્વારા એકી સાથે ૯૦ કેસોના ચૂકાદા આપી દેવાયાઃ મોટાભાગના સામાન્ય તકરારીના
કાલે બપોર બાદ બોર્ડઃ ૩૦ કેસોની સુનાવણી કેસોનો ધડાધડ નિકાલ થતા વકીલો-અરજદારોમાં હાશકારોઃ કૂલ ર૮૦ કેસો ઠરાવ ઉપર લેવાયા

રાજકોટ તા. ૧૬: કલેકટર ડો. ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ રેવન્યુ સંબંધિત પેન્ડિંગ કેસોના નિકાલ માટે વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કલેકટર દ્વારા એક ખાસ ટીમ બનાવીને અઠવાડિયામાં ત્રણ દિવસ રેવન્યુ બોર્ડ ચલાવવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઇ ત્રણ મહિનાના ર૮૦ જેટલા કેસો હાથ ઉપર લઇ સુનાવણી ધરવામાં આવી હતી.
કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ મહિના સમયગાળામાં ૬૦૦ જેટલા પેન્ડિંગ કેસોમાંથી ર૮૦ કેસોની ઠરાવ પર લેવામાં આવ્યા છે અને તેમાંથી ૯૦ કેસોની સુનાવણી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી અને આ તમામ ૯૦ કેસોના ચૂકાદા આપી દેવાયાનું અને મોટા ભાગના સામાન્ય તકરારીના અને ખાનગી તથા મિલકત સંબંધીત હોવાનું જાહેર થયું છે.
ઝડપી કાર્યવાહીના કારણે, આગામી એકથી બે મહિનામાં બાકી રહેલા તમામ અન્ય કેસોની સુનાવણી પૂરી થઇ જશે તેવી શકયતા છે. લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોનો ઝડપી નિકાલ થતાં વકીલો અરજદારોમાં હાશકારો જોવા મળ્યો હતો.
આવતીકાલે બપોર બાદ પણ કલેકટરનું મહેસૂલ અપીલના કેસોનું બોર્ડ યોજાશે, જેમાં ૩૦ કેસોની સુનાવણી થશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.
(3:56 PM IST)










