<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

પોપટપરાના મિહીર કુગશીયાએ ફરીવાર નકલી પોલીસ બની લૂંટ કરીઃ અસલી પોલીસે દબોચ્‍યો

અમે પોલીસમાં ડી. સ્‍ટાફમાં છીએ,તને પોલીસ સ્‍ટેશને લઇ જવાનો છે બેસી જા ભેગો કહી ઉઠાવી લીધો હતો મોરબીનો યુવાન લીમડા ચોકની હોટલમાં કંપનીની મીટીંગમાં હાજરી આપી આરએમસી ચોકમાં લારીએ જમવા બેઠો હતો ત્‍યાંથી નંબર વગરના વાહનમાં ઉઠાવી જઇ લાફા મારી ૧૨ હજાર પડાવી લીધા હતાં: એ-ડિવીઝન પોલીસે દબોચી લીધો, સાગ્રીત સંદિપની શોધખોળ અગાઉ પણ રાજકોટ એ-ડિવીઝન અને ગોંડલ પોલીસે નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં પકડયો હતો

રાજકોટ તા. ૧૬: શહેરના બસ સ્‍ટેશન પાછળ હોટલમાંથી નીકળેલા એક યુવાનનો પીછો કરી પોલીસના નામે ડરાવી તોડ કરવાના ગુનામાં તેમજ ગોંડલમા પણ આ રીતે પોલીસના નામે પૈસા પડાવવાના ગુનામાં અગાઉ પકડાઇ ચુકેલા પોપટપરાના મિહીર કુગશીયાએ વધુ એક આવો ગુનો આચર્યો છે. સાગરીત સાથે મળી બસ સ્‍ટેશન નજીક આરએમસી ચોકમાં લારીએ જમવા બેઠેલા મોરબીના યુવાનને ચાલ અમારી સાથે બેસી જા, અમે ડી. સ્‍ટાફમાં છીએ, તને પોલીસ સ્‍ટેશને લઇ જવાનો છે કહી પરાણે ટુવ્‍હીલરમા બેસાડી લઇ જઇ લાફા મારી ધમકાવી એટીએમમાંથી ૧૨ હજાર ઉપાડી હવે આ બાજુ કોઇ દિવસ આવતો નહિ કરી ધમકી દઇ ભાગી જતાં પોલીસે મિહીરને દબોચી લીધો છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે મોરબીમાં શનાળા રોડ પર ભક્‍તિનગર સોસાયટી-૩ સત્‍મય્‌ પાનવાળી શેરીમાં રહેતાં દક્ષીતભાઇ દિનેશભાઇ ઘીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી બે અજાણ્‍યા શખ્‍સ સામે પોલીસ-ડી. સ્‍ટાફના નામે ડરાવી ધમકાવી રૂા. ૧૨૦૦૦ લૂંટી લેવાનો ગુનો નોંધી આ ગુનામાં અગાઉ પણ નકલી પોલીસ બની ખેલ કરનારા પોપટપરા રામજી મંદિર પાસે શેરી નં. ૫માં રહેતાં મિહીર ભાનુભાઇ કુગશીયા (ઉ.વ.૨૦)ને ઝડપી લીધો છે. તેના સાગ્રીત સંદિપથી શોધખોળ થઇ રહી છે.

દક્ષીતભાઇ ઘીયા પરિવાર સાથે રહે છે અને મોરબીમાં પી.લાઇટ કંપનીમાં માર્કેટીંગની નોકરી કરે છે. તેણે જણાવ્‍યું છે કે હું તા. ૮/૯ના રોજ રાજકોટ લીમડા ચોક ખાતે સરોવર પોર્ટીકો હોટલમાં કંપનીની મિટીંગ હોઇ જેથી નવેક વાગ્‍યે ત્‍યાં આવ્‍યો હતો. સાંજે સાડા સાતેક વાગ્‍યે મીટીંગ પુરી થતાં મોરબી જવા હું રાજકોટ બસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો. રાતે નવ વાગ્‍યે મોરબીની બસ આવવાની હોઇ જેથી હું બસ સ્‍ટેશનમાંથી બહાર નીકળી આરએમસી ચોકમાં બાલાજી નામની લારીએ જમવા માટે ગયો હતો. ત્‍યાં સવા આઠેક વાગ્‍યે હું ટેબલ પર બેઠો હતો ત્‍યારે નંબર વગરના એક્‍સેસ પર બે શખ્‍સ આવ્‍યા હતાં અને કહ્યું હતું કે-અમે પોલીસ સ્‍ટેશનના ડી. સ્‍ટાફમાંથી આવીએ છીએ, તું અમારી સાથે બેસી જા. જેથી મેં તેને શેના માટે બેસી જાઉ? તેમ પુછતાં એક શખ્‍સે કહેલું કે પોલીસ સ્‍ટેશને આવી જા પછી કહીશું. બાદમાં મને પકડીને તેના વાહનમાં વચ્‍ચે બેસાડી દીધો હતો.

પાછળ બેઠેલા શખ્‍સે મારા ઉપરના ખિસ્‍સામાંથી મારા બંને મોબાઇલ ફોન અને પેન્‍ટના ખિસ્‍સામાંથી પર્સ કાઢી લઇ મને પેલેસ રોડ આશાપુરા મંદિર સામે ધવલ જ્‍વેલર્સવાળી શેરીમાં લઇ જઇ મારા મોબાઇલનો પાસવર્ડ માંગ્‍યો હતો. મેં ના પાડતાં મને જાપટ મારતાં હું ગભરાઇ જતાં મેં પાસવર્ડ આપતાં તેણે બેંકની એપ્‍લીકેશન ચેક કરતાં તેમાં ૨૫૭૧ની બેલેન્‍સ બતાવતી હતી. આ પછી આ બંને જણાએ મારી પાસે રૂા. ૫૦હ જારની માંગણી કરી હતી. પણ મેં આટલી રકમ નથી તેમ કહેતાં તેણે ૧૦ હજાર કોઇ પાસેથી મંગાવી લે તેમ કહેતાં મેં મારા મિત્ર તેજસ જોષીને ફોન કરી એટીએમથી ૧૦ હજાર મંગાવ્‍યા હતાં. બાદમાં મને નજીકના એટીએમમાં લઇ જઇ કુલ ૧૨ હજાર ઉપાડી લીધા હતાં.

બાદમાં આ બંને મને ફરીથી ટુવ્‍હીલમાં વચ્‍ચે બેસાડી બસ સ્‍ટેશન પાછળ અંધારી ગલીમાં ઉતારી હવે પછી અહિ ક્‍યારેય દેખાતો નહિ કહી ભાગી ગયા હતાં. તેમજ કોઇને વાત કરીશ તો મારી મારીને તોડી નાંખશું તેમ કહી ધમકી આપી જતાં રહ્યા હતાં. બાદ મેં મારી કંપનીના સાહેબ મહેશભાઇને ફોન કરી વાત કરી હતી અને હું ગભરાઇને મોરબી જતો રહ્યોહ તો. મેં જે તે વખતે ફરિયાદ કરી નહોતી. પણ કંપનીના સાહેબે ફરિયાદનું કહેતાં હવે ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન હેડકોન્‍સ. ધારાભાઇ વાનરીયા સહિતની બાતમી પરથી આ ગુનામાં પોપટપરાના મિહીર ભાનુભાઇ કુગશીયાને ઝડપી લેવાયો છે. તેની પુછતાછમાં સાગ્રીત સંદિપનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. મિહીર પાસેથી ૧૨ હજારની રોકડ કબ્‍જે કરવામાં આવી છે. તે અગાઉ પણ નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં રાજકોટ એ-ડિવીઝન અને ગોંડલ પોલીસમાં પકડાયો હતો. પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એમ. એસ. રાણા અને સ્‍ટાફે વધુ તપાસ હાથ ધરી છે. 

(3:19 PM IST)