<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

કેનાલ રોડ પરની ખોડિયાર હોટલમાં વૃધ્‍ધ મહેન્‍દ્રભાઇ પર છરી ઉગામી ખૂનની ધમકી

અગાઉ કુંભારવાડાના ધીરૂ હેરભા વિરૂધ્‍ધ કરેલી ફરિયાદ પાછી ખેંચવાનું કહી તેના ભાઇ હરિ હેરભાએ ડખ્‍ખો કર્યોઃ એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૬: સોરઠીયા પ્‍લોટમાં રહેતાં વૃધ્‍ધને કેનાલ રોડ પર ચાની હોટલે હતાં ત્‍યારે કુંભારવાડાના શખ્‍સે ગાળો દઇ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી તેના ભાઇ વિરૂધ્‍ધની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી છરી ઉગામી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આ બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે જીલ્લા ગાર્ડન ચોક સોરઠીયા પ્‍લોટ-૨માં રહેતાં મહેન્‍દ્રભાઇ જીવણભાઇ સરવૈયા (ઉ.વ.૬૬)ની ફરિયાદ પરથી હરી દેવાયતભાઇ હેરભા વિરૂધ્‍ધ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

મહેન્‍દ્રભાઇ સરવૈયા નિવૃત જીવન જીવે  છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે બે દિવસ પહેલા ૧૪મીએ સાંજે સાતેક વાગ્‍યે હું કેનાલ રોડ પર ખોડીયાર ટી સ્‍ટોલ નામની હોટલે ચા પીવા ઉભો હતો ત્‍યારે હું હોટલની અંદર બેઠો હતો. આ વખતે કુંભારવાડામાં રહેતાં હરિ દેવાયતભાઇ હેરભાએ મને મા-બહેન સમી ગાળો દઇ ફરિયાદ પાછી ખેંચી લેજે નહિતર પતાવી દઇશ કહી ધમકી આપી તેના સ્‍કૂટરની ડેકીમાંથી છરી કાઢી બતાવી જ્ઞાતિ ્‌પ્રત્‍યે અપમાનીત થાય તેવા શબ્‍દો કહી તને બહુ હવા આવી ગઇ છે, હવે તો તમને મારવા જ છે કહી છરી મારવા ઉગામતાં હોટલવાળા મુન્‍નાભાઇએ તેના હાથમાંથી છરી લઇ લઇ મને બચાવી લીધો હતો.

આ પછી માણસો ભેગા થઇ જતાં હરી  હેરભા ત્‍યાંથી ભાગી ગયેલ. બાદ અમારે તેના સમાજના આગેવાનો સાથે સમાધાનની વાત ચાલતી હતી. પણ સમાધાન ન થતાં અંતે ફરિયાદ નોંધાવી હતી. અગાઉ આ હોટલ ખાતે જ હરિ હેરભાના ભાઇ ધીરૂ સાથે મારે માથાકુટ થઇ હોઇ મેં ધીરૂ વિરૂધ્‍ધ ફરિયાદ કરી હોઇ તે પાછી ખેંચી લેવાનું કહી હરિ હેરભાએ ડખ્‍ખો કર્યો હતો. પીએસઆઇ બી. આર. સાવલીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:19 PM IST)