<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

‘‘નમોત્‍સવ''માં રાજકોટ હિલોળે ચડયું: વડાપ્રધાન મોદીના જીવન-કવનને નિહાળી હજારોની જનમેદની ભાવવિભોર

રેસકોર્ષ ગ્રાઉન્‍ડ પર અદ્વિતીય આયોજનઃ ૧૦૦ ડ્રોન, ભવ્‍ય આતશબાજી અને મલ્‍ટીમીડિયા શોથી રાજકોટવાસીઓ મંત્રમુગ્‍ધ * વૈશ્વિક નેતા નરેન્‍દ્રભાઈ મોદીના સન્‍માનમાં રાજકોટનું ગૌરવઃ સી.આર. પાટીલ અને વજુભાઈ વાળા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્‍થિતિ

રાજકોટઃ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે એન.જી.ઓ. ફેડરેશન દ્વારા આયોજિત ‘નમોત્‍સવ' મલ્‍ટી મીડિયા મ્‍યુઝીકલ શો ને માણવા હજારોની સંખ્‍યામાં અબાલવૃદ્ધ જનમેદની ઉમટી પડી હતી. રાજકોટના પૂર્વ ધારાસભ્‍ય અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જીવન-સંઘર્ષની ગાથાને ૧૫૦થી વધુ કલાકારોએ સંગીત અને લાઈટિંગના તાલમેલ સાથે રજૂ કરી, જે જોઈને ઉપસ્‍થિત જનતા ભાવવિભોર થઈ ગઈ હતી.

કાર્યક્રમમાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના બાળપણ, વડનગર રેલ્‍વે સ્‍ટેશન પરના દિવસો, માતા હીરાબા સાથેના સંસ્‍મરણો, કચ્‍છનો વિકાસ, અને ઓપરેશન સિંદૂર જેવી શૌર્ય ગાથાઓનું નાટ્‍યાત્‍મક રૂપાંતરણ રજૂ કરવામાં આવ્‍યું. આ ઉપરાંત, ૧૦૦ ડ્રોન દ્વારા આકાશમાં બનાવાયેલી વંદેમાતરમ, શ્રીરામ, અયોધ્‍યા રામમંદિર અને મોદીસાહેબની મુખાકૃતિ જેવી આકૃતિઓએ ઉપસ્‍થિત સૌને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. ભવ્‍ય આતશબાજીએ આકાશી નજારાને વધુ દિવ્‍ય બનાવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સુરતથી ઉપસ્‍થિત રહ્યા હતા. સાથે કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ શ્રી વજુભાઈ વાળા, આર્ષવિદ્યાના મહંત પૂજ્‍ય પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, સાંસદ શ્રી પરશોતમભાઈ રૂપાલા, મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, શહેર પ્રમુખ ડો. માધવ દવે, જિલ્‍લા પ્રમુખ શ્રી અલ્‍પેશભાઈ ઢોલરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, અને જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટના ધારાસભ્‍યશ્રીઓ શ્રી ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, અને શ્રી રમેશભાઈ ટીલાળા સહિત જિલ્‍લાના ધારાસભ્‍યો શ્રી દૂર્લભજી દેથરીયા અને શ્રી મહેન્‍દ્રભાઈ પાડલીયા પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્‍લા પ્રભારી શ્રી ધવલભાઈ દવે, શહેર મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલીયા અને શ્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, જિલ્‍લા મહામંત્રી શ્રી હરેશભાઈ હેરભા, શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા અને શ્રી રવિભાઈ માકડીયા સહિત ભાજપના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો જેવા કે શ્રી મુકેશભાઈ દોશી, શ્રી કમલેશભાઈ મીરાણી, શ્રી રાજુભાઈ ધ્રુવ, ડેપ્‍યુટી મેયર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, દંડક શ્રી મનીષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિક્રમભાઈ પુજારા અને અન્‍ય કોર્પોરેટરોએ હાજરી આપી વ્‍યવસ્‍થામાં સહયોગ આપ્‍યો હતો.

સરગમ કલબના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, બોલબાલા ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી જયેશભાઈ ઉપાધ્‍યાય, દીકરાનું ઘરના ટ્રસ્‍ટી શ્રી અનુપમભાઈ દોશી અને શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી અવધેશભાઈ કાનગડ દ્વારા આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના ઇન્‍ચાર્જ તરીકે શ્રી મુકેશ દોશી અને સહ-ઇન્‍ચાર્જ તરીકે શ્રી કિશોરભાઈ રાઠોડે જવાબદારી સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન લજ્‍જાબેન દ્વારા અને કલાત્‍મક પ્રસ્‍તુતિ લોકકલાકાર શ્રી સાંઈરામ દવે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સ્‍વાગત પ્રવચન શ્રી અવધેશભાઈ કાનગડે અને આભારવિધિ શ્રી અનુપમભાઈ દોશીએ કરી હતી.

(2:05 PM IST)