<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

માધાપર ચોકડીએ ટ્રકની ઠોકરે ૭૪ વર્ષિય જીતેન્‍દ્રભાઇ મજેઠીયાનું કમકમાટી ભર્યુ મોત

ઇન્‍દિરા સર્કલે આવેલી દિકરાની ઓફિસેથી ઘરે આવવા સીટી બસમાં બેઠાઃ ચોકડીએ ઉતરી પગપાળા જતા હતાં ત્‍યારે ટ્રક કાળ બની ગયોઃ ટ્રક ચાલક સકંજામાં: ગોલ્‍ડન પોર્ટીકોમાં રહેતાં પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૫: શહેરમાં જીવલેણ અકસ્‍માતનો વધુ એક બનાવ બન્‍યો છે. જેમાં માધાપર ચોકડી સર્કલ નજીક પગપાળા જઇ રહેલા વૃધ્‍ધને ટ્રકના ચાલકે ઠોકરે ચડાવ્‍યા બાદ આ વૃધ્‍ધના શરીર પર પાછળનું વ્‍હીલ ફરી વળતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. દિકરાની ઓફિસેથી ઘરે આવવા તેઓ સીટી બસમાં બેસીને માધાપર ચોકડીએ પહોંચી ત્‍યાંથી પગપાળા ઘરે જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. મોભીના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ માધાપર સર્કલ પાસે ગોલ્‍ડન પોર્ટીકો એપાર્ટમેન્‍ટમાં ડી-વીંગમાં રહેતાં જીતેન્‍દ્રભાઇ મહીકૃષ્‍ણભાઇ મજેઠીયા (ઉ.વ.૭૪) નામના વૃધ્‍ધ માધાપર ચોકડી પાસે સર્કલ નજીક ચાલીને જઇ રહ્યા હતાં ત્‍યારે ટ્રકની ઠોકરે આવી ગયા હતાં. તેઓ પડી ગયા બાદ તેના પર ટ્રકનું પાછલુ વ્‍હીલ ફરી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં ચાલક ટ્રક મુકી ભાગી ગયો હતો. જો કે પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી અને ટ્રકચાલકને શોધી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર જીતેન્‍દ્રભાઇ બે ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરા છે. જેમનું નામ જતીનભાઇ મજીઠીયા છે. તેઓ ઇન્‍દિરા સર્કલ પાસે ઓફિસરમાં બેસી ટ્રેડમાર્કનું કામ કરે છે. જીતેન્‍દ્રભાઇ સવારે દિકરાની ઓફિસે આટો મારવા ગયા હતાં. ત્‍યાંથી પરત ઘરે આવવા ઇન્‍દિરા સર્કલથી સીટી બસમાં બેઠા હતાં અને માધાપર ચોકડીએ ઉતરી સર્કલ પાસે ચાલીને ઘરે જઇ રહ્યા હતાં ત્‍યારે ટ્રકચાલકે ઠોકરે લેતાં મોત થયું હતું. બનાવને પગલે મજેઠીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(4:54 PM IST)