તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th September 2025
રાજકોટમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતું વધુ એક કુટણખાનું ઝડપાયું: બસ સ્ટેશન પાછળ હોટેલ હરિ પેલેસમાં ચાલતો હતો દેહવ્યાપાર: માલિક પિતા પુત્ર પકડાયા, દલાલની શોધ: એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટની કાર્યવાહી

રાજકોટ: રાજકોટ શહેરમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર ત્રાટકવાનું પોલીસે ચાલુ રાખ્યું છે. તાજેતરમાં પખવાડિયામાં ચાર જેટલા સ્પામાંથી કુટણખાના ઝડપી લીધા બાદ વધુ એક દરોડામાં એસટી બસ સ્ટેશનની પાછળ આવેલી હોટલ હરિપેલેસમાં દલાલ અને હોટલ માલિકની મીલીભગતથી ચાલતા કુટણખાના પર દરોડો પાડી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટ (એ.એચ.ટી.યુ)ની ટીમે હોટલ માલિક પિતા પુત્રને પકડી. વડ શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.
દલાલ અને હોટલ માલિકની મીલીભગતથી છેલ્લા આઠે'ક માસથી દેહવિક્રયનું કારસ્તાન ચાલતું હોવાની વિગતો ખુલી હતી. પોલીસે રૂા. ૨૯ હજારની મત્તા કબજે કરી હતી. જેની ધરપકડ થઈ તેમાં હોટલ માલિક પ્રવિણ પ્રાગજીભાઈ ટાંક (ઉ.વ. ૫૫, રહે. મીલપુરા-૨૦) અને તેનો પુત્ર નૈમીષ (ઉ.વ. ૨૬)નો સમાવેશ થાય છે. જ્યારે દલાલ આકાશ મોંડોલની શોધ થઈ રહી છે.
વધુ માહિતી મુજબ પોલીસ સુત્રોએ જણાવ્યું કે હોટલ હરિપેલેસમાં હોટલ માલિક અને દલાલ દ્વારા ગ્રાહકોને બોલાવી હોટલની આડમાં દેહ વિક્રયનો ધંધો કરવામાં આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એએચટીયુની ટીમે તપાસ કરતાં માહિતી સાચી નીકળી હતી. આથી એએચટીયુના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટ સહિતના સ્ટાફે ડમી ગ્રાહકને હોટલમાં મોકલી દરોડો પાડી અનૈતિક પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. જ્યાંથી મહારાષ્ટ્રની એક રૂપલલના મળી આવી હતી. જેને સાક્ષી બનાવાઇ હતી.આ હોટલમાં ગ્રાહક પાસેથી રૂા.૮૦૦ની એન્ટ્રી ફી લેવામાં આવતી હતી એટલું જ નહીં હોટલના ગ્રાહકો પાસેથી રૂા. ૨૦૦૦ લઈ તેમાંથી રૂા.૫૦૦ પોતે રાખી લેતી હતી. જ્યારે રૂા.૧૫૦૦ દલાલને આપતી હતી. પોલીસે હોટલમાંથી રૂા.૪૮૦૦ની રોકડ, ફોન સહિત રૂા. ૨૯૮૦૦નો મુદામાલ કબ્જે કરી આ અંગે એ-ડીવીઝન પોલીસ મથકમાં ધી-ઈમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
વધુ વિગત આપતા પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પોલીસથી બચવા અલગ કીમીયો અજમાવ્યો હતો. દલાલ પ્રથમ ગ્રાહકોને વોટ્સએપ મારફતે અલગ અલગ નવેક જેટલી રૂપલલનાઓના ફોટા મોકલતો હતો. જેમાંથી ગ્રાહક કોઈ એકને પસંદ કર્યા બાદ બંને વચ્ચે ભાવ નક્કી થતો હતો. એટલું જ નહીં આ વાતચીત બાદ દલાલ ગ્રાહકને હોટલનું એડ્રેસ આપતો હતો. ગ્રાહક તે હોટલે પહોંચ્યા બાદ તેની રજીસ્ટરમાં એન્ટ્રી કરી રૂમ અપાતો હતો. રૂમમાં પંદરેક મિનીટ રહ્યા બાદ રૂપલલનાને ત્યાં મોકલાતી હતી. જે કોઈ ગ્રાહક સીધો હોટલે પહોંચે તે તેને ના પાડી દેવામાં આવતી હતી. હાલ પોલીસે આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે.
(10:51 AM IST)










