<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

મવડી રોડ પર રિક્ષાચાલક મહેશભાઇ અગ્રાવત પર ભીખા નૈયાએ જવલનશીલ પ્રવાહી ફેંક્‌યું

મવડી ચોકડીથી મુસાફર બેસાડી આનંદ બંગલા ચોકમાં જતી વખતે બનાવઃ ચારેક મહિના પહેલા રિક્ષામાં ભીખાને થાન જવું હતું પરંતુ સાથે શ્વાન પણ હોઇ મહેશભાઇએ ભાડુ કરવાની ના પાડી દેતાં મનદુઃખ હતું

રાજકોટ તા. ૧૩: શહેરના મવડી ગામમાં મુરલીધર મંદિર પાસે રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં મહેશભાઇ ભુપતભાઇ અગ્રાવત (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ સાંજે મવડી ચોકડીથી મુસાફરોને બેસાડી રિક્ષા હંકારી આનંદ બંગલા ચોક તરફ જતાં હતાં ત્‍યારે મવડી મેઇન રોડ વિશ્વેશ્વર શાક માર્કેટ નજીક પહોંચતા મવડીના જ ભીખાભાઇ નૈયા નામના શખ્‍સે ટુવ્‍હીલર પર આવી ઝઘડો કરી પોતાની પાસે રહેલા શીશામાંથી કંઇક જ્‍વલનશીલ પ્રવાહી ઉડાડતાં દેકારો મચી ગયો હતો. મહેશભાઇને ૧૦૮ મારફત સારવાર માટે ખસેડાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ થયેલા મહેશભાઇ અગ્રાવતે કહ્યું હતું કે કંઇક એસિડ જેવું મારા પર છાંટતા બળતરા ઉપડી હતી. જો કે આ પ્રવાહી વધુ જ્‍વલનશીલ ન હોઇ મહેશભાઇ દાઝ્‍યા નહોતાં. સારવાર બાદ સવારે રજા અપાઇ હતી. તેણે જણાવ્‍યું હતું કે આ પ્રવાહી ઉડાડનાર ભીખાભાઇ નૈયા મવડી ગામમાં જ રહે છે. ચારેક મહિના પહેલા તેને થાન જવું હોઇ મારી રિક્ષા ભાડે બાંધી હતી. પરંતુ તે સાથે  શ્વાન લઇને આવતાં મેં તેને શ્વાનને લઇને જવું હોય તો મારે ભાડુ નથી કરવું તેમ કહીને ભાડાની ના પાડી દેતાં અમારી વચ્‍ચે બોલાચાલી થઇ હોઇ મનદુઃખ ચાલતું હતું.

દરમિયાન શુક્રવારે સાંજે હું ભાડુ લઇને રિક્ષા હંકારીને જતો હતો ત્‍યારે ભીખાભાઇ ટુવ્‍હીલર પર આવ્‍યો હતો અને રસ્‍તામાં મારી રિક્ષા ઉભી રખાવી તું શું માથાકુટ કરતો હતો? કહી શીશામાંથી પ્રવાહી ઉડાડી ભાગી ગયો હતો. મને બળતરા ઉપડતાં પડી ગયો હતો અને કોઇએ ૧૦૮ બોલાવતાં હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી હતી.

(2:19 PM IST)