તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
દાદાના ફોટા સાથે સમાજના ગ્રુપમાં ખોટો મેસેજ વાયરલ કરનારને ટપારતાં રૈયાધારના બકાલી સાગર પર હુમલો
સાગર સહિતના પરિવારજનો વેવાઇ પક્ષની પાણીઢોળ વિધીમાં બાબરીયા કોલોનીમાં ગયા હોઇ ત્યાં ફોટો વાયરલ કરનાર પ્રેમજી મળી જતાં તેને સમજાવતાં ડખ્ખોઃ પ્રેમજી, વિનોદ, પ્રહલાદ સહિતના પાઇપથી તૂટી પડયા

રાજકોટ તા. ૧૩: દાદાજીનું અવસાન થતાં ફેસબૂકમાં તેમના ફોટા સાથે સ્ટોરી મુકનાર યુવાનની આ સ્ટોરીમાં એક શખ્સે સ્માઇલીની ઇમોજી મુકતાં મારામારીથી ઘટના બની હતી. ત્યાં વધુ એક આવા બનાવમાં રૈયાધારના શાકભાજીના ધંધાર્થી અને તેના પરિવારજનો વેવાઇ પક્ષમાં અવસાન થયું હોઇ બાબરીયા કોલોનીમાં પાણીઢોળ વિધીમાં ગયા ત્યારે એક સગાએ આ પરિવાર વિશે સમાજના ગ્રુપમાં ફોટા મુકી આ લોકો સાથે વહેવાર રાખવો નહિ એવું લખાણ વહેતું કર્યુ હોઇ બોલાચાલી થતાં મારામારી થઇ હતી. જેમાં બકાલી યુવાનને ઇજા થઇ હતી.
રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતો અને બકાલુ વેંચી ગુજરાન ચલાવતો સાગર કનુભાઇ વારૈયા (ઉ.વ.૩૦) સાંજે બાબરીયા કોલોનીમાં નાના ભાઇના ફુવાજીનું અવસાન થયું હોઇ તેની પાણીઢોળ વિધીમાં કુટુંબીઓ સાથે હતો ત્યારે સમાજના જ પ્રેમજી બાબુભાઇ સુરેલા, વિનોદ બાબુભાઇ, પ્રહલાદ બાબુભાઇએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં માથા-શરીરે ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇએ ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
સાગરે કહ્યું હતું કે હું અને મારા પરિવારજનો બકાલુ વેંચી ગુજરાન ચલાવીએ છીએ. અમે પાણીઢોળ વિધીમાં હતાં ત્યારે સમાજના પ્રેમજી સહિતના પણ અહિ આવ્યા હતાં. મારા દાદા કલ્યાણભાઇનો ફોટો સમાજના ગ્રુપમાં પ્રેમજીએ મુકી આ પરિવાર સાથે વહેવાર રાખવો નહિ એવુ લખાણ વાયરલ કર્યુ હોઇ મેં તેને શા માટે તમે આવા ફોટા લખાણ મુકો છો? તેમ કહેતાં હુમલો કરાયો હતો.
(2:18 PM IST)










