<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

રૈયાધાર રાણીમા રૂડીમા ચોકમાં વહેલી સવારે ત્રણ કારમાં ટોળાની તોડફોડ

રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ નજીક કાર ભાડે આપવાની ઓફિસ ધરાવતાં પરમવીરસિંહ ઝાલાએ પોલીસને જાણ કરી ઓનલાઇન બૂકીંગ થતાં સવારે સાડા પાંચે ત્રણ ગાડી લઇને ઓનર સહિત ત્રણ લોકો રૈયાધાર ગાડી પહોંચાડવા ગયા ત્‍યાં જ અજાણ્‍યા શખ્‍સોએ ધોકા-સોડા બોટલોના ઘા ચાલુ કરતાં ગાડી ભગાવી મુકાઇઃ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં તપાસ

તસ્‍વીરમાં જે ત્રણ કારના કાચ, લાઇટ ફોડી નુકસાન કરવામાં આવ્‍યું તે જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૦: શહેરમાં સેલ્‍ફ ડ્રાઇવમાં કાર ભાડે આપવાનું કામ કરતાં અને રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે ઓફિસ ધરાવતાં રેલનગરના યુવાનને ત્રણ કારનું ઓનલાઇન બૂકીંગ મળતાં વહેલી સવારે સાડા પાંચેક વાગ્‍યે તે આઇ-૨૦, સ્‍કોર્ર્પિયો અને સ્‍વીફટ કાર બૂકીંગના સ્‍થળ રૈયાધારમાં આ ગાડીઓ પહોંચાડવા ગયા ત્‍યાં જ અજાણ્‍યા શખ્‍સોએ ધોકા અને સોડા બોટલોના ઘા કરતાં ગાડીઓના કાચ ફુટી ગયા હતાં. આથી ત્રણેય ગાડીઓ ભગાવી મુકાઇ હતી. આ અંગે કાર માલિક યુવાને પોલીસને જાણ કરતાં તપાસ શરૂ થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ રેલનગરમાં રહેતાં પરમવીરસિંહ વિજયસિંહ ઝાલા નામના યુવાન રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે ઓફિસ રાખી કાર સેલ્‍ફમાં ભાડે આપવાનું કામ કરે છે. તેણે જણાવ્‍યું હતું કે અમને ઓનલાઇન કાર બૂકીંગ મળતાં નક્કી થયેલી કાર આઇ-૨૦, સ્‍કોર્પિયો અને સ્‍વીફટ લઇને હું તથા બીજા બે જણા સવારે સાડા પાંચેક વાગ્‍યે રૈયાધાર પહોંચ્‍યા હતાં. રાણીમા રૂડીમા ચોકમાં કાર ભાડેથી મંગાવાઇ હોઇ અમે ત્‍યાં જઇને કાર ઉભી રાખતા જ અજાણ્‍યા શખ્‍સો ધોકા-સોડા બોટલો સાથે આવ્‍યા હતાં. અમને કંઇક અજુગતુ લાગતાં જ મેં અને સાથેના બીજા બે જણાએ અમારી ગાડીઓ પાછી વાળી ભગાવી મુકી હતી. પણ ટોળાએ પાછળ દોડી ધોકા ફટકારી બોટલોના ઘા કરતાં ગાડીઓમાં કાચ ફુટી જતાં નુકસાન થયું હતું.

આ પછી અમે તરત જ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં અને લેખિત ફરિયાદ કરી હતી. તોડફોડ કરનારા શખ્‍સો કોણ હતાં અને શા માટે તેણે તોડફોડ કરી તેની મને ખબર નથી. ઓનલાઇન બૂકીંગ કરાવનાર અંગે અમે તપાસ કરી પોલીસને જાણ કરશું. યુનિવર્સિટી પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. રૈયાધારમાં આ રીતે કાર ભાડેથી મંગાવાયા બાદ તોડફોડ કરવામાં આવી હોઇ તોડફોડ કરનારા કોણ? તે અંગે ચર્ચા જાગી છે. 

(2:35 PM IST)