<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

આજે દંડ નહિ-પોલીસે હેલ્‍મેટ પહેરનારાને ફુલ આપ્‍યા

ફરજીયાત હેલ્‍મેટના અમલ માટે ગઇકાલે મેગાડ્રાઇવ બાદ આજે પોલીસે નિરાંત રાખી : ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાની સુચના અનુસાર તમામ મુખ્‍ય ચોક, રસ્‍તાઓ પર ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્‍ટેશનોની ટીમોએ કાયદાનું પાલન કરનારાઓને બીરદાવી પ્રશંસા કરીઃ બીજા વાહનચાલકો પણ હેલ્‍મેટ પહેરતાં થઇ જશે તેવી પોલીસને આશા

હેલ્‍મેટના કાયદાનું ગઇકાલે દંડના જોરે પાલન કરાવવાનું શરૂ થયા પછી આજે બીજા દિવસે પોલીસે દંડથી દૂર રહી જે વાહનચાલકો હેલ્‍મેટ પહેરીને નીકળ્‍યા તેને ફુલ-ગુલાબ આપી પ્રોત્‍સાહીત કરવામાં આવ્‍યા હતાં. શહેરના અલગ અલગ ચોક-રસ્‍તાઓ પર આ પ્રકારની કામગીરી થઇ હતી. ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા પોતે કિસાનપરા ચોક ખાતે પહોંચ્‍યા હતાં અને હેલ્‍મેટ પહેરીને નીકળેલા વાહનચાલકોને ફુલ આપ્‍યા હતાં. આ રીતે તમામ પોલીસ સ્‍ટેશનોની ટીમો દ્વારા પણ વાહનચાલકોને ફુલ અપાયા હતાં. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા. ૯: શહેરમાં ગઇકાલથી ટુવ્‍હીલરચાલકો માટે ફરજીયાત હેલ્‍મેટના કાયદાની અમલવારી શરૂ કરવામાં આવી હતી અને મેગા ડ્રાઇવ યોજી સવારે ત્રણ કલાક અને સાંજે બે કલાક એમ બે તબક્કે આ મેગા ડ્રાઇવમાં ૩૫૦૦ જેટલા કેસ કરી લાખોનો દંડ ફટકાર્યો હતો. વાહનચાલકોના ભારે વિરોધ ઉગ્ર રોષ વચ્‍ચે આ ડ્રાઇવ ગત સાંજે સંપન્‍ન થઇ હતી. બીજી તરફ આ ડ્રાઇવની અસર કે પછી ંદડના ડામનો ભય જે કહો તે મોટા ભાગના ટુવ્‍હીલરચાલકો હેલ્‍મેટ પહેરતા થઇગયા છે. આજે બીજા દિવસે શહેર પોલીસે દંડ ફટકારવાનું બંધ રાખ્‍યું હતું પરંતુ જે વાહનચાલોકો હેલ્‍મેટ પહેરીને નીકળ્‍યા તેમનું ગુલાબના ફુલ આપી સન્‍માન કર્યુ હતું. ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાની સુચનાથી શહેરભરની પોલીસે ઠેકઠેકાણે મુખ્‍ય રસ્‍તા, ચોક પર હેલ્‍મેટ પહેરીને નીકળનારા વાહનચાલકોને સન્‍માનીત કરી બીજા વાહનચાલકોને હેલ્‍મેટ પહેરવા અનુરોધ કર્યો હતો.

આઠમી તારીખથી રાજકોટમાં હેલ્‍મેટ ફરજીયાત થશે તેવું દોઢ મહિના અગાઉ પોલીસે કહ્યા બાદ નક્કી થયેલી આઠમી સપ્‍ટેમ્‍બરથી એટલે કે ગઇકાલથી ફરજીયાત હેલ્‍મેટના કાયદાનું પાલન કરાવવા મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી અને ચાલીસ પોઇન્‍ટ પર ચેકીંગ કરી પાંચ કલાકમાં બે તબક્કે ૩૫૦૦ ટુવ્‍હીલર ચાલકોને હેલ્‍મેટ નહિ પહરેવા બદલ દંડ ફટકારાયો હતો. જેમાં હાજર દંડ રોકડથી અને બાકી ઇ-ચલણથી દંડ અપાયો હતો. જો કે હેલ્‍મેટની આ ઝુંબેશનો ઠેકઠેકાણે શહેરીજનોએ ભારે વિરોધ કર્યો હતો અને ઉકળાટ ઠાલવ્‍યો હતો. કેટલાકે તો ફાંસીએ ચડાવી દેવાની કે ગોળીએ દઇ દેવાની વાત કહી દીધી હતી. જો કે આજે પોલીસે દંડ કરવાથી દુર રહી વાહનચાલકોને થોડી રાહત આપી હતી. જે વાહનચાલકો હેલ્‍મેટ પહેરીને નીકળ્‍યા હતાં તેનું સન્‍માન કર્યુ હતું. તેમજ આગામી દિવસોમાં  બધા ટુવ્‍હીલરચાલકો હેલ્‍મેટ પહેરીને નીકળે તેવો અનુરોધ કર્યો હતો. એ-ડિવીઝન, બી-ડિવીઝન, ભક્‍તિનગર, યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન સહિતના તમામ પોલીસ સ્‍ટેશનો, ટ્રાફિક બ્રાંચના સ્‍ટાફ દ્વારા આજે હેલ્‍મેટ પહેરીને નીકળનારા વાહનચાલકોને ફુલ આપી પ્રોત્‍સાહીત કરાયા હતાં અને હેલ્‍મેટ વગરના વાહનચાલકોને સમજાવવામાં આવ્‍યા હતાં. (૧૪.૧૨)

કાળા કાચ, સીટ બેલ્‍ટ સહિતના નિયમોનો કડક અમલ કરાવાશે

ઞ્જશહેરમાં કાળા કાચવાળી કાર લઇને નીકળનારા અને સીટ બેલ્‍ટ નહિ પહેરનારા ચાલકો સામેની ઝુંબેશ યથાવત રહેશે અને આ નિયમોનો કડક અમલ કરાવવામાં આવશે.

 

 

(3:09 PM IST)