<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

નિયમને કાયદાની દ્રષ્‍ટીએ નહિ, સામાજીક દ્રષ્‍ટીએ જુઓ અને હેલ્‍મેટ ફરજીયાત પહેરોઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા. : જુઓ વિડિયો

અમે દોઢ મહિનાનો સમય આપ્‍યા પછી હેલ્‍મેટના નિયમને અમલમાં મુક્‍યો છેઃ લોકોની પરિવારોની સલામતિ માટે હેલ્‍મેટ ખુબ જરૂરી છેઃ પોલીસ દંડ કરશે એટલે હેલ્‍મેટ પહેરવું છે એમ ન વિચારો પણ આપણી અને પરિવારની સલામતિને ધ્‍યાને રાખીને નિર્ણય લોઃ જે વાહનચાલકો હેલ્‍મેટ પહેરી કાયદાને માન આપતાં થયા છે તેનો અમે આભાર માનીએ છીએ : કાયદો બધા માટે સરખો, જે લોકો વિરોધ કરે છે તે પણ આગળ જતાં સમજી જશે કે જીવનની સલામતિ માટે હેલ્‍મેટ જરૂરી છેઃ અમને આશા છે કે તમામ વાહનચાલકો હેલ્‍મેટ પહેરતાં થઇ જશેઃ જેણે હેલ્‍મેટ પહેર્યા તેનો પોલીસે આભાર માન્‍યો

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ હેલ્‍મેટના નિયમનું પાલન કરી હેલ્‍મેટ પહેરનારા રાજકોટવાસીઓનો આભાર વ્‍યક્‍ત કરી જે નથી પહેરતા તેને પણ સલામતિ ખાતર નિયમનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. સાથે જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ હરપાલસિંહ જાડેજા જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: શહેરમાં હેલ્‍મેટના કાયદાનો અમલ ગઇકાલથી શરૂ થઇ ગયો છે. વિરોધ વચ્‍ચે ગઇકાલે મેગા ડ્રાઇવ યોજાઇ હતી. એ સાથે જ શહેરમાં મોટા ભાગના ટુવ્‍હીલરચાલકો હેલ્‍મેટ પહેરતા થઇ ગયા છે. તેનું પોલીસે અભિવાદન કર્યુ હતું. આ બાબતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્‍યું હતું કે અમે એ બધા વાહનચાલકોની પ્રસંશા કરીએ છીએ જે કાયદાને માન આપીને હેલ્‍મેટ પહેરતા થઇ ગયા છે. હેલ્‍મેટના નિયમને કાયદાની દ્રષ્‍ટીએ નહિ, સામાજીક દ્રષ્‍ટીએ જોઇને તેનો અમલ કરો. જે તમારા અને તમારા પરિવારની સલામતિ માટે જરૂરી છે.

પોલીસ કમિશનર બ્રજેશકમુાર ઝાએ કહ્યું હતું કે દોઢેક મહિના પહેલા રાજકોટ શહેરના અધિકારીઓ સાથે ચર્ચા કરીને નક્કી કર્યુ હતું કે આઠમી સપ્‍ટેમ્‍બરથી બધા ટુવ્‍હીલર ચાલકો હેલ્‍મેટ પહેરે તેની ઝુંબેશ ચાલુ કરશું આના ભાગ રૂપે લોકોને જાગૃત કરવા અલગ અલગ કાર્યક્રમો યોજ્‍યા હતાં અને લોકોને સમય આપ્‍યો હતો. મને એ વાતની ખુશી છે કે આ ઝુંબેશ ચાલુ કરી તેના ભાગરૂપે વાહનચાલકો અને પાછળ બેસનારા હેલ્‍મેટ પહેરતાં થઇ ગયા છે. આ માટે હું તમામ રાજકોટવાસીઓનો આભાર માનુ છું.

કાયદાને લગતા બે પાસા હોય છે જેમાં એક લોકો તેનું પાલન કરતાં હોય છે અને બીજા તેનું પાલન કરતાં હોતા નથી, તેમાં સજા થતી હોય છે. પણ આ નિયમમાં સજાને મહત્‍વની ન ગણો, તમારી જિંદગીની સલામતીને મહત્‍વની ગણો. સામાન્‍ય રીતે ટુવ્‍હીલર ચલાવનારા યુવાનો, મધ્‍યમવર્ગના ઘરોના મોભીઓ કામે નોકરીએ જવા માટે ટુવ્‍હીલર ચલાવતાં હોય છે. ન કરે ને કોઇને અકસ્‍માત નડે અને કંઇ થાય જાય અને વાહનચાલકનું મૃત્‍યુ થાય તો તે દંડ કરતાં પણ વધુ તકલીફ આપનારુ હોય છે. માથાની ઇજા થવાથી  વધુ મૃત્‍યુ થતાં હોય છે. હેલ્‍મેટ પહેર્યુ હોય તો ઇજા ઓછી થતી હોય છે અને માથાની ઇજાથી તમે બચી શકો છે. એવુ નથી કે તમે હેલ્‍મેટ પહેર્યુ હશે તો બચી જ જશો, પણ તમને માથાથી ઇજા ચોક્કસપણે ઓછી થશે. આથી હેલ્‍મેટ પહેરવું જરૂરી છે.

રોજબરોજ અકસ્‍માત થતાં હોઇ તે જોતાં લાગશે કે ત્રણમાંથી બે કેસમાં એવુ હશે કે હેલ્‍મેટ પહેર્યુ હોત તો કદાચ આ બચી ગયા હતો. આથી હું વિનંતી કરુ છું કે તમે જ્‍યારે પણ ટુવ્‍હીલર લઇને નીકળો ત્‍યારે હેલ્‍મેટ પહેરીને નીકળો. રાજકોટવાસીઓએ સારો પ્રતિભાવ આપ્‍યો છે અને હેલ્‍મેટ પહેરવાનું ચાલુ કરી દીધુ છે તે ખુબ સારી વાત છે. હેલ્‍મેટ પહેરીને તમે પોતાની જાતને સુરક્ષીત રાખો અને તમારા પરિવાર માટે પણ તમે ભયમુક્‍ત બનાવો.

એક સવાલના જવાબમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કહ્યું હતું કે અમુક લોકો વિરોધ કરી રહ્યા છે પરંતુ મને વિશ્વાસ છે કે એક સમય આવશે અને ત્‍યારે તેઓ પણ હેલ્‍મેટ પહેરતા થઇ જશે. કારણ કે જિંદગીની સલામતી માટે હેલ્‍મેટ જરૂરી છે. કોઇપણ વ્‍યક્‍તિ કાયદાથી ઉપર નથી, કોઇપણ હશે જે નિયમનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી થશે. હેલ્‍મેટના નિયમને કાયદાની દ્રષ્‍ટીએ નહિ, સામાજીક દ્રષ્‍ટીએ જુઓ. પોલીસ દંડ કરશે એટલે હેલ્‍મેટ પહેરવું છે એમ વિચારીને નહિ પણ આપણી અને આપણા પરિવારની સલામતી છે એ વિચારીને તમે હેલ્‍મેટ પહેરો. તેમ વધુમાં બ્રજેશકુમાર ઝાએ જણાવ્‍યું હતું. આ પ્રસંગે જોઇન્‍ટ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયા તથા ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતાં. (૧૪.૯)

 

 

 

 

 

 

(3:08 PM IST)