<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

આજી-૧ ડેમ ૨૧મી વખત ઓવરફલોઃ લોકોના હૈયા હરખાયા : જુઓ વિડિયો

આહલાદક નજારો જોવા લોકો ઉમટયાઃ આજીમાં બે ફુટથી પાણી છલકાયુ : આજી...આજી...આજી...કર્યા સોૈને રાજી...રાજી...રાજી... :  રાજકોટના મોટાભાગના વિસ્‍તારોને પાણી પુરૂ પાડતો આજીડેમ આજે ૨૧મી વખત ઓવરફલો થતા શહેરીજનોમાં હરખની હેલી ફેલાય છે. ૨૯ ફુટની ઉંડાઇ ધરાવતો આજીડેમ શનિવારે ૦.૪૦ ફુટ ઓવરફલોથી દુર હતો. ગઇકાલે ઉપરવાસમાં પડેલ વરસાદથી શહેરની જીવાદોરી સમાન આજીડેમ આજે ઓવરફલો થતા હિલોળા લેતા પાણીના મનમોહક દ્રશ્‍યો સર્જાયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૨.૧૬)

રાજકોટઃ રાજકોટના શહેરીજનો માટે મોટી રાહતના સમાચાર છે. શહેરના જીવાદોરી સમાન આજી-૧ ડેમ આજે ૨૯ ફુટની નિર્ધારીત સપાટીએ ભરાતા ૨૧મી વખત ઓવરફલો થતા શહેરીજનોમાં હરખની હેલી જોવા મળી હતી. આહલાદક નજારો જોવા લોકો ઉમટયા હતા. હાલ સપાટીથી ઉપર બે ફુટ પાણી વહી રહયું છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં પડેલા વરસાદ અને સૌની યોજના મારફત નર્મદાનું પાણી ઠાલવવાને કારણે શહેરને પાણી પૂરૂં પાડતા ડેમ છલોછલ ભરાઈ ગયા છે. આજી-૧ ડેમની સપાટી ૨૯ ફુટે પહોંચતા આ ડેમ છલકાયો હતો. તેમાં ૧૯૦ કયુસેક પાણીની ઉપરવાસમાંથી આવક થઇ હતી.

આજી-૧ ડેમની ક્ષમતા ૯૧૭ એમસીએફટી જેટલી છે અને ૧૯૫૪માં બન્‍યા બાદ અત્‍યાર સુધીમાં ૨૧ વખત ઓવરફલો થયો છે. ભાદરની ક્ષમતા ૬૬૪૦ એમસીએફટી છે અને ૧૯૬૪માં તે બન્‍યો હતો,૨૬ વખત તેમજ ૧૦૮૪ એમસીએફટીની ક્ષમતા ધરાવતો ન્‍યારી-૧ ડેમ ૨૫ વાર ઓવરફલો થયો છે.

ન્‍યુ રાજકોટના વિસ્‍તારોને પુરૂં પાડતા અને શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલ ન્‍યારી-૧ ડેમની ૨૨.૬૩ ફુટે સપાટી પહોંચી છે. આ ડેમ ૨૫ ફૂટે ઓવરફલો થાય છે. આ ડેમમાં ૯ મહિના સુધીનું પાણી છે.

જ્‍યારે સૌરાષ્‍ટ્રના જીવાદોરી સમા ભાદર ડેમમાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીનું પાણી છે. આ ડેમ ૩૪ ફૂટે ઓવરફલો થાય છે. આ જળાશયમાંથી રાજકોટના ગોંડલ રોડ, ઢેબર રોડ વિસ્‍તારોમાં પાણી વિતરણ થાય છે.(૨.૧૬)

ન્‍યારી-૧ ડેમ ૮૦ ટકા ભરાયો : ગમે

ત્‍યારે પાણી છોડાશે : ૧૪ ગામોને ચેતવણી

રાજકોટ, તા. ૮ સપ્‍ટેમ્‍બર - લોધિકા તાલુકા પાસે આવેલો ન્‍યારી-૧ ડેમ ૮૦ ટકા ભરાઈ ગયો છે. આથી આ યોજના પૂર્ણ ભરાતાં રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્‍યારે રાજકોટના ખંઢેરી, ઈશ્વરીયા, લોધિકા તાલુકાના હરિપર પાળ, વડવાજડી, ખંભાળા, ન્‍યારા, પડધરી, રામપર, રંગપુર, તરઘડી, ગઢીવાળી વેજડી, વેજાગામ,વેજાગામ (વાજડી), વાજડી (વીરડાવાળી) ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્‍તારમાં અવરજવર ન કરવા ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્‍યો છે. ડેમની પૂર્ણ જળ સપાટી ૧૦૪.૫ મીટર છે અને ડેમ હાલ ૧૦૩.૮ મીટર ભરાયેલો છે. ડેમમાં હાલ ૨૭.૩૮ ઘન મીટર જળજથ્‍થો છે, તેમ રાજકોટ જિલ્લા પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે. (૯.રપ)

આજી-૧ ઓવરફલો થતા

પ-ગામોને ચેતવણી

રાજકોટ, તા. ૦૮ :રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલો આજી-૧ જળાશય તા. ૦૮ સપ્‍ટેમ્‍બરના રોજ સવારે ૮.૧૭ કલાકની સ્‍થિતિએ ઓવરફ્‌લો થઈ ગયો છે. આથી, રાજકોટ તાલુકાના અસરગ્રસ્‍ત ગામો બેડી, મનહરપુર, રાજકોટ, રોજકી અને થોરાળાના લોકોએ નદીના પટ તથા કાંઠા વિસ્‍તારમાં અવરજવર કરવી નહીં, તેમ રાજકોટ ફ્‌લડ કંટ્રોલ સેલની યાદીમાં ચેતવણી સંદેશ આપવામાં આવ્‍યો છે. (૯.રપ)

 

આજી-૧ ડેમ કયા કયા વર્ષે છલકાયા

ક્રમ     વર્ષ

૧       ૧૯૭૬

૨       ૧૯૭૭

૩       ૧૯૭૮

૪       ૧૯૭૯

૫   ૧૯૮૦

૬       ૧૯૮૩

૭   ૧૯૮૮

૮       ૨૦૦૩

૯       ૨૦૦૭

૧૦      ૨૦૦૮

ક્રમ     વર્ષ

૧૧      ૨૦૧૦

૧૨      ૨૦૧૧

૧૩      ૨૦૧૩

૧૪      ૨૦૧૭

૧૫     ૨૦૧૯

૧૬      ૨૦૨૦

૧૭     ૨૦૨૧

૧૮      ૨૦૨૨

૧૯  ૨૦૨૩

૨૦      ૨૦૨૪

ર૧      ર૦રપ

(2:53 PM IST)